1 નાઓમીના પતિનો એક સગો, જે અલીમેલેખના કુટુંબનો એક મહા ધનાઢય પુરુષ હતો; તેનું નામ બોઆઝ હતું.
2 અને રૂથ મોઆબેણ નાઓમીને કહ્યું," મને ખેતરમાં જવા દે, એ સારૂ કે જેની દૃષ્ટિમાં હું કૃપા પામું તેની પાછળ અનાજનાં ડૂંડાના કણસલા વીણું." ત્યારે તેણે તેને કહ્યું, મારી દીકરી જા."
3 તે ગઇ ને ખેતરમાં આવીને કાપનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. અને એવું બન્યું કે તે અલીમેલેખના કુટુંબના બોઆઝના ભાગના ખેતરમાં આવી પહોચી.
4 અને જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને કાપનારાઓને કહ્યું કે, "યહોવા તમારી સાથે હો." અને તેઓએ જવાબ દીધો કે, "યહોવા તમને આશીર્વાદ આપો."
5 પછી બોઆઝે પોતાના ચાકર કે જેને તેણે કાપનારાઓ પર મુકાદમ ઠરાવ્યો હતો તેને પૂછ્યું કે, "આ કોની સ્ત્રી છે?"
6 ત્યારે જે ચાકરને કાપનારાઓનો મુકાદમ ઠરાવ્યો હતો, તેણે ઉત્તર આપતાં કહ્યું કે, "એ તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે પાછી આવેલી મોઆબી સ્ત્રી છે."
7 તેણે મને કહ્યું, 'કૃપા કરી મને કાપનારાઓની પાછળ પૂળીઓ મધ્યેથી કણસલાં વીણી ભેગાં કરવા દે; 'એવી રીતે તે આવી,ને સવારથી તે અત્યાર સુધી લાગુ રહી છે, ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો."
8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, મારી દીકરી, શું તું મને સાંભળે છે? બીજા કોઇ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ, અને અહીંથી પણ જઈશ નહિ, પણ મારી સ્ત્રીઓની સાથે રહીને કામ કર.
9 જે ખેતર તેઓ કાપે છે તે ઉપર તારી નજર રાખીને તું તેઓની પાછળ ફર; શું, મેં માણસોને એવી આજ્ઞાઆપી નથી કે, તેઓ તને અડકે નહિ? ને જયારે તું તરસી થાય ત્યારે માટલાં પાસે જઈને માણસોએ ભરી રાખેલા પાણી માંથી પીજે."
10 ત્યારે તેણે દંડવત્ પ્રણામ કરીને તેને કહ્યું, "હું એક પરદેશી છતાં શા માટે તારી દૃષ્ટિમાં એટલી કૃપા પામી છું, કે તમે મારી કાળજી રાખો છો?"
11 બોઆઝે તેને જવાબ આપતાં કહ્યું, તારા પતિના મૃત્યુ પછી જે જે વર્તણુક તેં તારી સાસુ સાથે ચલાવી છે તે સઘળાની, તારા માતા-પિતાને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું જાણતી નહોતી, તેઓ મધ્યે તું કેવી રીતે આવી છે, તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે.
12 યહોવા તારા કામનું ફળ તને આપો, ને જે ઈઝરાયલના ઈશ્વર યહોવાની પાંખો નીચે આશ્રય લેવા તું આવી છે તેનથી તને પૂરો બદલો મળે."
13 પછી ત્તેણે કહ્યું, "હે મારા માલિક, મારા પર કૃપાદૃષ્ટી રાખો; કેમકે તમે મને દિલાસો આપ્યો છે,જો કે હું તમારી દાસીઓમાંની એકના જેવી નથી છતાં તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો."
14 જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, "અહીં આવીને રોટલી ખા, ને તારો કોળિયો સરકામાં બોળ." ત્યારે કાપનારાઓ ની પાસે તે બેઠી; અને તેઓએ તેને પોંક આપ્યો, તે ખાઈને તૃપ્ત થઇ ને તેમાંથી વધ્યો.
15 જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, એને પૂળીઓ માંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.
16 વળી તેને માટે પૂળીઓમાંથી કેટલુંક ખેંચી કાઢીને રાખી મૂકો, ને તેને તેમાંથી કણસલાં વીણવા દો, તેને ધમકાવશો નહિ.
17 એવી રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં, પછી તેણે પોતાના વીણેલાં કણસલાં મસળ્યા , ને તેમાંથી આસરે એક એફાહ જવ નીકળ્યા.
18 તે લઈને નગરમાં ગઇ; અને તેની સાસુએ તેનાં વીણેલાં કણસલાં જોયા; અને પોતે તૃપ્ત થયા પછી જે પોંક વધ્યો હતો તે પણ કાઢીને તેણે તેને આપ્યો.
19 ત્યારે તેની સાસુએ તેને કહ્યું, "આજે તે ક્યાં કણસલાં વીણ્યાં ? ને તેં ક્યાં કામ કર્યું ? જેણે તારી મદદ કરી તે આશીર્વાદિત હો." જેની સાથે તેણે કામ કર્યું હતું તેના વિષે પોતાની સાસુને વિદિત કરતાં તેણે કહ્યું કે, "જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે."
20 નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું , "જેણે જીવતાં તથા મૃત્યુ પામેલાંઓ ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી આશીર્વાદિત થાઓ. ત્યારે નાઓમીએ તેને કહ્યું, એ માણસને આપણી સાથે નિકટની સગાઇ છે, એટલે તે આપણો નજીકનો સગો છે.
21 ત્યારે રૂથ મોઆબેણે કહ્યું, "વળી તેણે મને કહ્યું, મારા માણસો મારી બધી કાપણી સમાપ્ત કરે ત્યાં સુધી તારે મારા માણસોને પાસે ને પાસે રહેવું."
22 ત્યારે નાઓમીએ પોતાનો પુત્રવધૂ રૂથને કહ્યું, "મારી દીકરી, એ સારું છે કે તું તેની સ્ત્રીઓ સાથે જા, જેથી બીજા કોઇ ખેતરવાળા તને નુકસાન પોહચાડે નહી."
23 માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવાને બોઆઝની સ્ત્રીઓ પાસે ને પાસે રહી; અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.