1 ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે દિવસોમાં એવું બન્યું કે દેશમાં દુકાળ પડયો. તેથી બેથલેહેમ-યહૂદિયાનો એક માણસ પોતાની પત્ની તથા પોતાના બે દિકરાઓને લઈને મોઆબ દેશમાં જઈને રહ્યો.
2 તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી, તેના બે દિકરાઓના નામ માહલોન તથા કિલ્યોન,જેઓ બેથલેહેમ-યહૂદિયાના એફ્રાથીઓ હતા.તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં રહ્યાં.
3 નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો અને તેણી તેના બે દિકરાઓ સાથે રહી.
4 અને તે દિકરાઓએ મોઆબી સ્ત્રીઓમાંથી પત્ની કરી; તેમાંની એકનું નામ ઓરપા અને બીજીનું નામ રૂથ હતું; તેઓ ત્યાં લગભગ દસ વર્ષ રહ્યા.
5 પછી માહલોન તથા કિલ્યોન બન્ને મૃત્યુ પામ્યા; એમ નાઓમી તેના બે દિકરા અને તેના પતિ વગર રહી.
6 પછી નાઓમીએ પોતાની પુત્રવધૂઓની સાથે મોઆબ દેશમાંથી યહૂદિયા પાછાં જવાનો નિર્ણય કર્યો; કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે ઈશ્વરે તેના લોકોની મદદ કરી અને તેઓને અન્ન આપ્યું છે.
7 અને જ્યાં તે પોતાની બે પુત્રવધૂઓની સાથે રહેતી હતી ત્યાંથી નીકળી ગઈ અને તેઓ યહુદિયા દેશમાં પાછા જવાને રસ્તે ચાલવા લાગ્યા.
8 અને નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને કહ્યું કે, "તમે દરેક પોતાની માના ઘરે પાછાં જાઓ.જેમ તમે મૃત્યુ પામેલાઓ તથા મારા પર દયા રાખી છે, તેમ ઈશ્વર તમારા પર દયા રાખો.
9 ઈશ્વર કરો કે તમને દરેકને બીજા પતિના ઘરમાં આરામ મળે." પછી તેણીએ તેમને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી.
10 અને તેઓએ તેને કહ્યું, એમ નહિ, પણ અમે તો તારી સાથે તારા લોકો મધ્યે પાછાં આવીશું."
11 ત્યારે નાઓમીએ કહ્યું, "મારી દિકરીઓ પાછી ફરો; તમે મારી સાથે કેમ આવવા માગો છો? શું હજી મારા પેટમાં દિકરાઓ છે કે તેઓ તમારા પતિ થાય?
12 મારી દિકરીઓ, પાછી ફરો, તમારા રસ્તે ચાલી જાઓ, કેમ કે પતિ કરવાને હું ઘણી વૃદ્ધ છું.જો હું કહું કે, મને આશા છે, હું આજ રાત્રે જ પતિ કરૂં અને દિકરાને જન્મ આપું,
13 એ માટે શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? શું તમે રાહ જોશો અને માણસો સાથે લગ્ન હવે કરશો નહિ? ના, મારી દિકરીઓ! તમને દુઃખ લાગે છે તે કરતા વધારે મને દુઃખ લાગે છે કેમ કે ઈશ્વરે હાથ મારી વિરુદ્ધ કર્યો છે."
14 તેઓ ફરીથી પોક મૂકીને રડી અને ઓરપાએ પોતાની સાસુને જવા માટે ચુંબન કર્યું; પણ રૂથે તેને છોડી નહિ.
15 ત્યારે તેણે કહ્યું, "જો, તારી દેરાણી પોતાના લોકો પાસે તથા પોતાના દેવો પાસે પાછી ગઈ છે; તું પણ તારી દેરાણી પાછળ પાછી જા."
16 ત્યારે રૂથે કહ્યું, "તને છોડીને તારી પાસેથી દૂર જવાની મને વિનંતી ના કર; કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની; તારા લોકો તે મારા લોકો અને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે;
17 જ્યાં તું મૃત્યુ પામીશ ત્યાં જ હું મૃત્યુ પામીશ અને દટાઈશ; જો મૃત્યુ સિવાય બીજું કંઈ પણ મને તારાથી અલગ કરે, તો ઈશ્વર મને સજા કરે અને એથી વધારે કરે.
18 અને જયારે નાઓમીએ જોયું કે, તેની સાથે આવવાનો રુથનો દૃઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું છોડી દીધું.
19 તેઓ બન્ને મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ પહોંચ્યા. તેઓ બેથલેહેમ આવ્યા ત્યારે એમ બન્યું કે, નગરના સર્વ લોકો તેઓના વિષે ઉત્સાહિત હતા અને ત્યાંની સ્ત્રીઓએ કહ્યું કે, શું, આ નાઓમી છે?
20 ત્યારે તેણે તેઓને કહ્યું, "મને નાઓમી કહીને ના બોલાવો, મને તો કડવી કહીને બોલાવો; કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.
21 અહીંથી નીકળી ત્યારે હું ભરપૂર હતી, પણ ઈશ્વર મને ખાલી હાથે વતનમાં પાછો લાવ્યો છે; ઈશ્વરે મારી તિરસ્કાર કર્યો છે અને સર્વસમર્થે મને વિપત્તિમાં આણી છે, તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો?
22 એમ નાઓમી તથા તેની સાથે મોઆબ દેશમાંથી પાછી આવેલી તેની પુત્રવધૂ રૂથ મોઆબણ પાછા આવ્યાં; અને તેઓ જવની કાપણીની શરૂઆતમાં બેથલેહેમ આવ્યાં.