2 અને લોકો બેથેલમાં આવ્યા, ને ત્યાં યહોવાહની હજુરમાં સાંજ સુધી બેઠા, ને પોક મુકીને બહુ રડ્યા.

3 અને તેઓએ કહ્યું, હે યહોવાહ, ઇસ્રાએલના દેવ, આજે ઇસ્રાએલમાં એક કુળ ખુટી પડે એવું ઇસ્રાએલમાં કેમ બન્યું છે?

4 અને બીજે દિવસે એમ થયું કે, લોકોએ પરોઢીએ ઉઠીને ત્યાં એક વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

5 અને ઇસ્રાએલપુત્રોએ કહ્યું કે, ઇસ્રાએલના સર્વ કુળો મધ્યે એવો કોણ છે કે જે સભા સાથે યહોવાહની હજુરમાં આવ્યો ન હોય? કેમકે જે જણ મિસ્પાહમાં યહોવાહની હજુરમાં ન આવે તે વિષે તેઓએ એવા ભારે સોગન ખાધા હતા કે તેને જરૂર મારી નાખવો.

6 અને ઇસ્રાએલપુત્રોએ તેઓના ભાઇબિન્યામીન વિષે એવો પશ્ચાતાપ કરીને કહ્યું કે, આજે ઇસ્રાએલમાંથી એક કુળ નાબુદ થયું છે.

7 જેઓ બચેલું છે તેઓને પરણાવવા વિષે આપણે કેમ કરીશું? કેમકે આપણે તો યહોવાહના સોગન ખાધા છે કે, આપણે તેઓને આપણી દીકરીઓ પરણાવીશું નહિ.

8 અને તેઓએ કહ્યું કે, ઇસ્રાએલના કુળોમાનો એવો કોણ છે કે કે મિસ્પાહમાં યહોવાહની હજુરમાં આવ્યો ન હોય? અને જુઓ, છાવણીમાંની સભામાં યાબેશ-ગિલઆદથી કોઇ પણ આવ્યો નહોતો.

9 કેમકે જયારે લોકોની ગણત્રી કરવામાં આવી ત્યારે યાબેશ-ગિલઆદના રહેવાસીઓમાંના કોઇ ત્યાં હતા નહિ.

10 અને જમાતે પુરા શૂરવીર દસ હજાર પુરૂષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે, જઈ યાબેશ-ગિલઆદના રહેવાસીઓને તેઓની સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધાં તરવારની ધારથી સંહારો.

11 અને તમારે આ પ્રમાણે કરવું કે, પ્રત્યેક નરનો તથા જે સ્ત્રીઓએ પુરૂષનો અનુભવ કીધેલો હોય તેઓનો તમારે છેક વિનાશ કરવો.

12 અને યાબેશ-ગિલઆદના રહેવાસીઓમાંથી તેઓને ચારસેં જુવાન કુંવારિકાઓ મળી આવી, કે જેઓએ પુરૂષ સાથે સુવાનો અનુભવ કીધેલો નહોતો; ને તેઓ તેમને કનાન દેશના શીલોહ પાસે છાવણીમાં લાવ્યા.

13 અને આખી જમાતે રિમ્મોન ગઢમાંના બિન્યામીનપુત્રોને સંદેશો મોલીને તેઓ પ્રત્યે સલાહનો ઢંઢેરો પિટાવ્યો.

14 અને તે વખતે બિન્યામીનીઓ પાછા આવ્યા; ન યાબેશ-ગિલઆદની જે સ્ત્રીઓને તેઓએ જીવતી રાખી હતી તે તેઓએ તેમને દીધી; તો પણ તેઓ તેમને માટે બસ થઇ નહિ.

15 અને લોકોએ બિન્યામીન વિષે પશ્ચાતાપ કીધો, કેમકે યહોવાહે ઇસ્રાએલના કુળોમાં તૂટ પાડી હતી.

16 ત્યારે જમાતના વડીલોએ કહ્યું કે, બાકી રહેલાઓને માટે વહુઓ વિષે આપણે કેમ કરીએ, કેમકે બિન્યામીનમાંથી તો સ્ત્રીઓનો નાશ થયો છે?

17 અને તેઓએ કહ્યું કે, બિન્યામીનમાંના જેઓ બચી ગયા છે તેઓને માટે વારસો જોઈએ, એ સારૂ કે ઇસ્રાએલમાંથી એક કુળ નાબુદ ન થાય.

18 પરંતુ આપણી કન્યાઓ આપણે તેઓને દઇ શકતાં નથી; કેમકે ઇસ્રાએલપુત્રોએ એવા સોગન ખાધા છે કે, જે બિન્યામીનને કન્યાદાન દે તે શ્રાપિત થાઓ.

19 અને તેઓએ કહ્યું કે, જુઓ, બેથેલની ઉત્તરે [તથા] બેથેલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનાહની દક્ષિણે આવેલા શીલોહમાં વર્ષો વર્ષ યહોવાહનું પ્પર્વ પાળવામાં આવે છે.

20 અને તેઓએ બિન્યામીનપુત્રોને એવી આજ્ઞા કીધી કે, જઈને દ્રાક્ષવાડીઓમાં સંતાઈ રહો;

21 ને જોતાં રહેજો, ને, જુઓ, શીલોહની દીકરીઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે, તો તમે દ્રાક્ષવાડીઓમાંથી નિકળી આવીને સર્વ શિલોહની દીકરીઓમાંથી પોતપોતાને માટે વહુએ પકડી લઈને બિન્યામીનના પ્રાંતમાં જતા રહેજો.

22 અને તેમના બાપો કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું કે, મહેરબાની કરીને [ધારો કે] તે [કન્યાઓ] અમનેજ દીધી; કેમકે આપણે યુદ્ધમાં તેઓમાંના પ્રત્યેકને વાસરે સ્ત્રી લીધી નથી, તેમજ તમે પણ તેમને સ્ત્રીદાન દીધું નથી; નહિ તો તમે દોષિત થાત.

23 અને બિન્યામીનપુત્રોએ એ પ્રમાણે કીધું, ને પોતે જેટલા હતા તેટલી સ્ત્રીઓને નૃત્ય કરનારીઓમાંથી હારી જઈને પોતે રાખી; અને તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા, ને નગરોને સમારીને તેમાં રહ્યા.

24 અને ઇસ્રાએલપુત્રો તે સમયે ત્યાંથી વિદાય થઈને સર્વ પોતપોતાની કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયા, ને ત્યાંથી નિકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા.

25 તે દિવસોમાં ઇસ્રાએલમાં રાજા નહોતો; દરેક માણસની નજરમાં જે ઠીક લાગતું તે તે કરતો.