2 અને તેણે આવીને પોતાના બાપને તથા પોતાની માને ખબર આપીને કહ્યું, તિમ્નાહમાં પલિસ્તીઓની દીકરીઓમાંhi એક સ્ત્રી મેં જોઈ છે; તો હવે તેને મારી સાથે પરણાવો.
3 ત્યારે તેના માબાપે તેને કહ્યું, તારા ભાઇઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઇ સ્ત્રી નથી, કે તું બેસુનતી પલિસ્તીઓમાં સ્ત્રી લેવા જાય છે? ને શામશૂને પોતાના બાપને કહ્યું, મારે સારૂ તેને લાવ; કેમકે તે મને બહુ ગમે છે.
4 પણ તેના માબાપ જાણતાં નહોતા કે એ યહોવાહનું [કૃત્ય] છે; કેમકે તે પલિસ્તીઓની વિરુદ્ધ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે પલિસ્તીઓ ઇસ્રાએલ પર રાજ્ય કરતાં હતા.
5 ત્યારે શામશૂન તથા તેનાં માબાપ તિમ્નાહ જતાં હતાં, ને તેઓ તિમ્નાહની દ્રાક્ષવાડીઓમાં પહોંચ્યા; ને, જુઓ, એક જુવાન સિંહ તેઓ સામે ગર્જ્યો.
6 અને યહોવાહનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને જેમ એક બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો, ને તેના હાથમાં કંઈ ન હતું; પણ તેણે જે કર્યું હતું તેની તેણે પોતાના માબાપને ખબર ન આપી.
7 અને તેણે જઈને તે સ્ત્રી સાથે વાતચિત કીધી; ને શામશૂનને તે બહુ ગમી.
8 અને કેટલીક મુદત પછી તે પેલી સ્ત્રીને લેવા પાછો ગયો, ને સિંહનું મુડદું જોવા રસ્તેથી ફંટાયો; ને, જુઓ, તે સિંહના ખોળિયામાં મધમાખીઓનું એક ટોળું તથા મધ હતું.
9 અને તે હાથમાં લઈને ખાતો ખાતો ચાલ્યો, ને પોતાનાં માબાપની પાસે આવીને તેણે તેઓને તે આપ્યું, ને તેઓએ ખાધું; પણ તેણે સિંહના ખોળિયામાંથી મધ લીધું હતું, એ તેણે તેઓને કહ્યું નહી.
10 અને તેનો બાપ તે સ્ત્રીનો ઘેર ગયો; ને શામશૂને ત્યાં ઉજાણી કીધી; કેમકે જુવાનોનો એવો રિવાજ હતો.
11 અને એમ થયું કે, જયારે તેઓએ તેને દીઠો, ત્યારે તેની સાથે રહેવા સારૂ તેનો ત્રીસ સોબતીઓ લાવ્યા.
12 અને શામશૂને તેઓને કહ્યું, હવે હું તમારી આગળ ઉખાણો કહું; ને ઉજાણીના સાત દિવસોમાં જો તેનો અર્થ ખોળી કાઢીને તમે મને કહેશો, તો હું સણના ત્રીસ બદન તથા ત્રીસ જોડ વસ્ત્ર તમને આપીશ.
13 પણ જો તેનો અર્થ તમે મને કહી નહિ શકો, તો તમે મને સણનાં ત્રીસ બદન તથા ત્રીસ જોડ વસ્ત્ર આપજો. અને તેઓએ તેને કહ્યું કે, તારો ઉખાણો અમને કહે કે તે અમે સાંભળીએ.
14 અને તેણે તેઓને કહ્યું, ખાનારમાંથી ખોરાક નિકળ્યો, અને બળવંતમાંથી મિઠાસ નિકળી. અને ત્રણ દિવસમાં તેઓથી તે ઉખાણાનો અર્થ કહેવાયો નહિ.
15 અને સાતમે દહાડે એમ થયું કે, તેઓએ શામશૂનની સ્ત્રીને કહ્યું, તારા ભરતારને ફુસલાવીને ઉખાણાનો અર્થ અમારી આગળ કહેવડાવ, નહિ તો અમે તને તથા તારા બાપના ઘરનાને અગ્નિથી બાળીશું, તમે અમને લૂટી લેવાને બોલાવ્યા છે, ખરૂં કે નહિ?
16 ને શામશૂનની સ્ત્રી તેની આગળ રડી, ને તેણીએ તેને કહ્યું કે, તું કેવળ મને ધિક્કારે છે, ને મારા પર કંઈ પ્રેમ રાખતો નથી; મારા લોકોનાં પુત્રોને એક ઉખાણો તેં કહ્યો છે, પણ મને તે કહ્યા નથી. અને તેણે તેને કહ્યું, જો, મેં પોતાનાં માબાપને તેનો અર્થ કહ્યો નથી. ને શું તને કહું?
17 ને ઉજાણીના સાત દિવસો સુધી તે તેની આગળ રડી; ને સાતમે દિવસે એમ થયું કે, તેણે તેને કહી દીધું, કેમકે તેણીએ તેને બહુ આગ્રહ કર્યો હતો; ને તેણીએ પોતાના લોકોનાં પુત્રોને ઉખાણાનો અર્થ કહ્યો.
18 અને સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરના માણસોએ તેને કહ્યું, મધથી મીઠું શું છે? અને સિંહથી બળવાન શું છે? ને તેણે તેઓને કહ્યું, જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત, તો મારા ઉખાણાનો પત્તો તમને નહિ લાગત.
19 અને યહોવાહનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો, ને તેણે અશ્ક્લોનમાં જઈને તેઓમાંથી ત્રીસ જણને માર્યા, ને તેઓના વસ્ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહ્યો હતો તેઓને [વસ્ત્રની] જોડો આપી. અને તેને ક્રોધ ચઢ્યો, ને તે પોતાના બાપને ઘેર ગયો.
20 પણ શામશૂનનો સાથી જેણે તેની પ્રત્યે મિત્રનો હક બજાવ્યો હતો તેને તેની વહુ [અપાઇ].