1 અને યાકૂબ પોતાના બાપના પ્રવાસના દેશમાં, એટલે કનાન દેશમાં રહ્યા.

2 યાકૂબનો વંશ આ છે. યુસફ સત્તર વર્ષનો થયો, ત્યારે પોતાના ભાઈઓની સાથે ટોળાં ચરાવતો હતો; ને તે જુવાન હતો, ને પોતાના બાપની બાયડીઓ બિલ્હાહ તથા ઝિલ્પાહના દીકરાઓની સાથે હતો; ને તેઓની ભૂંડાઈની ખબર પોતાના બાપની પાસે યુસફ લાવ્યો.

3 હવે ઇસ્રાએલ પોતાના સર્વ દીકરાઓ કરતાં યુસફ પર વિશેષ પ્રીતિ કરતો હતો, કેમકે તે તેના ઘડપણનો દીકરો હતો, ને તેણે તેને સારૂ એક રંગબેરંગી અંગરખો સીવડાવ્યો.

4 અને તેના ભાઈઓએ જોયું કે તેઓનો બાપ તેના સર્વ ભાઈઓ કરતા તેના પર વિશેષ પ્રીતિ કરે છે, ને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાસથી વાત કરી નહોતા શકતા.

5 અને યુસફ્ને સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું, ને તેઓ તેના પર વત્તો દ્વેષ કરતા હતા.

6 અને તેણે તેઓને કહ્યું કે, આ સ્વપ્નમાં જે મેં દીઠું છે તે સાંભળો;

7 જુઓ, આપણે ખેતરમાં પુળીઓ બાંધતા હતા, ને જુઓ, મારી પુળી ઉઠી, ને ઉભી રહી; ને જુઓ, તમારી પુળીઓ ચરોગમ ઉભી રહી, ને મારી પુળીની આગળ નમી.

8 અને તેના ભાઈઓએ તેને કહ્યું, શું તું ખરેખર અમારા પર અધિકાર કરશે? શું તું ખરેખર અમારો ઘણી થશે? ને તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વત્તો દ્વેષ કરતા હતા.

9 અને ફરી તેને બીજું સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહ્યું, ને બોલ્યો, જુઓ, મને ફરી એક સ્વપ્ન આવ્યું, ને જુઓ, સૂર્ય તથા ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યા.

10 અને તેણે પોતાના બાપને તથા પોતાના ભાઈઓને તે કહ્યું, ને તેના બાપે તેને ધમકાવ્યો, ને તેને કહ્યું, જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ ભોંય લગી નામ્વાને હું તથા તારી મા, તથા તારા ભાઈ શું ખરેખર આવીશું?

11 અને તેના ભાઈઓએ તેના પર અદેખાઈ કીધી, પણ તેના બાપે તે વાત મનમાં રાખી.

12 અને તેના ભાઈ તેઓના બાપના ટોળા ચરાવવાને શખેમમાં ગયા.

13 અને ઇસ્રાએલે યુસફને કહ્યું, શું તારા ભાઈ શખેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ. ને તેણે તેને કહ્યું, હું આ રહ્યો.

14 અને તેણે તેને કહ્યું કે, જા, ને તારા ભાઈઓ તથા ટોળા સારા છે કે નહિ તે જો, ને મારી પાસે ખબર લઇ આવ. અને તેણે તેને હેબ્રોનના મેદાનથી મોકલી દીધો, ને તે શખેમ આવ્યો.

15 અને જુઓ, યુસફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો, ને તેણે તેને પૂછ્યું કે, તું શું શોધે છે?

16 આને તેણે કહ્યું કે, મારા ભાઈઓને શોધું છું; તેઓ ક્યાં ચરાવે છે, તે કૃપા કરી મને કહે.

17 અને તે માણસે કહ્યું, તેઓ હિયાંથી ગયા છે, કેમકે, ચાલો આપણે દોથાનમાં જઈએ, એવું તેઓએ મારા સાંભળવામાં કહ્યું. અને યુસફ પોતાના ભાઈઓની પાછળ ગયો, ને દોથાનમાં તેઓ તેને મળ્યાં.

18 અને તેઓએ તેને અધેથી દીઠો, ત્યારે તેઓની પાસે તે આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલહત કીધી.

19 અને તેઓએ એક બીજાને કહ્યું કે, જુઓ, આ સ્વપ્નપતિ આવે છે.

20 અને હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈએક ખાડામાં તેને નાખીએ, ને આપણે કહીશું કે, રાની પશુ તેને ખાઈ ગયું છે; ને તેના સ્વપ્નનું શું થશે, તે જોઈશું.

21 અને રેઉબેને તે સાંભળ્યું, ને તેઓના હાથમાંથી તેને છોડાવ્યો; ને કહ્યું, આપણે તેનો જીવ ન લેવો.

22 તેઓના હાથમાંથી તેને છોડાવીને તેને પોતાના બાપને સોંપવા સારૂ રેઉબેને તેઓને કહ્યું, તેનું રક્ત ન વહેવાડો, પણ રણમાં આ જે ખાડો છે, તેમાં તેને નાખો, ને તેના પર હાથ ન નાખો.

23 અને એમ થયું, કે યુસફ પોતાના ભાઈઓની પાસે આવ્યો ત્યારે તેઓએ યુસફનો અંગરખો, એટલે જે રંગબેરંગી અંગરખો તેના અંગ પર હત, તે ઉતારી લીધો,

24 અને તેઓએ તેને પકડ્યો, ને તેને ખાડામાં નાખ્યો; તે ખાડો ખાલી હતો, ને તેમાં પાણી ન હતું.

25 અને તેઓ રોટલી ખાવાને બેઠા; ને તેઓએ આંખો ઉંચી કરીને જોયું; ને જુઓ, ઈશ્મએલીઓનો સંઘ ગિલઆદથી આવતો હતો; સુગંધિઓ તથા લોબાન તથા બોળથી લાદેલાં તેઓનાં ઉંટ મિસર દેશમાં તેઓ લઇ જતા હતા.

26 અને યહૂદાહે પોતાના ભાઈઓને કહ્યું, જુઓ, આપણે પોતાના ભાઈને મારી નાખીએ ને તેનું રક્ત સંતાડીએ તો શો લાભ?

27 આવો, ઈશ્માએલીઓને તેને વેચી દઈએ, ને આપણો હાથ તેને વિરુદ્ધ ન થાય, કેમકે તે આપણો ભાઈ તથા આપણું લોહી છે. અને તેના ભાઈઓએ તેનું સાંભળ્યું.

28 અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતાં હતા, ને તેઓએ યુસફ્ને ખાડામાંથી ખેંચી કાઢ્યો; ને તેઓએ વીસ રૂપિયાએ યુસફને ઈશ્માએલીઓને વેચી દીધો; ને તેઓ યુસફને મિસરમાં લઇ ગયા.

29 અને રેઉબેન પાછો ખાડાની પાસે આવ્યો, ને જુઓ, યુસફ તો ખાડામાં નહોતો; ને તેણે પોતાનાં લૂગડાં ફાડ્યાં.

30 અને તે પોતાના ભાઈઓની પાસે પાછો આવ્યો, ને કહ્યું, છોકરો તો નથી, ને હું ક્યાં જાઉં?

31 અને તેઓએ યુસફનો અંગરખો લીધો, ને બકરું કાપ્યું, ને રક્તમાં અંગરખો બોલ્યો.

32 અને તેઓએ તે રંગબેરંગી અંગરખો પોતાના બાપની પાસે મોકલાવીને કહ્યું, આ અમને જડ્યો છે, હવે તે તારા દીકરાનો અંગરખો છે કે નહિ એ તું ઓળખજે.

33 અને તેણે તે ઓળખ્યો, ને કહ્યું, તે મારા દીકરાનો અંગરખા છે; રાની પશુએ તેને ફાડી ખાધો છે; યુસફને નિશ્વે ફાડી નાખ્યો છે.

34 અને યાકૂબે પોતાના વસ્ત્ર ફાડયા; ને પોતાની કમરે તાટ બાંધ્યું, નેપોતાના દીકરાને સારૂ બહુ દહાડા શોક કીધો.

35 અને તેના સર્વ દીકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો દવાને ઉઠ્યાં; પણ તેણે દિલાસો પામવાને ના કહી; ને તેણે કહ્યું કે, હું શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ; અને તેનો બાપ તેને સારૂ રડ્યો.

36 અને તે મીદ્યાનીઓએ તેને મિસરમાં ફારુનનો સરદાર પોટીફાર જે રક્ષકોનો અધિકારી હતો, તેને વેચી દીધો.