1 અને રાહેલે જોયું કે, હું યાકૂબના પેટેના છોકરાં જણતી નથી ત્યારે રાહેલે તેની બહેન પર અદેખાઈ રાખીને યાકૂબને કહ્યું, મને છોકરાં આપ, નહિ તો હું મરૂં.
2 અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું કે, દેવ જેણે તારાથી પેટનું ફળ પાછુ રાખ્યું છે, તેને ઠેકાણે હું છું શું?
3 અને તેણે કહ્યું, જો, મારી દાસી બિલ્હાહની પાસે તું જા, કે તે મારે ખોળે જણે, ને તેનાથી મને પણ છોકરાં થાય.
4 અને તેણે તેની બાયડી થવા સારૂ પોતાની દાસી બિલ્હાહ તેને આપી, ને યાકૂબ તેની પાસે ગયો.
5 અને બિલ્હાહ ગર્ભવતી થઇ, ને તેના પેટેનો યાકૂબને દીકરો થયો.
6 અને રાહેલ બોલી, દેવે મારો ન્યાય કીધો છે, ને મારી બૂમ પણ સાંભળી છે, ને મને દીકરો આપ્યો છે, તે સારૂ તેણે તેનું નામ દાન પાડ્યું.
7 અને રાહેલની દાસી બિલ્હાહ ફરી ગર્ભવતી થઇ, ને તેના પેટેનો યાકૂબને બીજો દીકરો થયો.
8 અને રાહેલે કહ્યું, મેં મારી બહેન સાથે જબરી બાથ ભિડી છે ને જય પામી છું, માટે તેને તેનું નામ નાફતાલી પાડ્યું.
9 અને લેઆહ જોયું કે પોતાનું જણવું બંધ થયું, ત્યારે તે પોતાની દાસી ઝિલ્પાહને લાવી, ને યાકૂબને તેની બાયડી થવા સારૂ આપી.
10 અને લેઆહની દાસી ઝિલ્પાહના પેટનો યાકૂબને દીકરો થયો.
11 અને લેઆહે કહ્યું, સૌભાગ્ય! માટે તેણે તેનું નામ ગાદ પાડ્યું.
12 અને યાકૂબે લેઆહની દાસી ઝિલ્પાહના પેટેનો બીજો દીકરો થયો.
13 અને લેઆહ બોલી, મને ધન્ય છે, કેમકે બાયડીઓ મને ધન્ય કહેશે, માટે તેણે તેનું નામ આશેર પાડ્યું.
14 અને રેઉબેન ઘઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો, ને વેંગણા મળ્યાં તેઓની પોતાની મા લેઆહની પાસે લાવ્યો, ને રાહેલે લેઆહને કહ્યું, તારા દીકરાના વેંગણામાંથી મને આપ.
15 અને તેણે કહ્યું, તે મારા ભરથારને લઇ લીધો છે, તે કઈ થોડું છે? મારા દીકરાના વેંગણા પણ તું લેવા ચાહે છે? ને રાહેલે કહ્યું, એ માટે તારા દીકરાના વેંગણાને લીધે આજ રાત્રે યાકૂબ તારી સાથે સુઈ રહેશે.
16 અને સાંજરે યાકૂબ ખેતરમાંથી આવ્યો, ને લેઆહ એને મળવાને બહાર ગઈ, ને કહ્યું કે તારે મારી પાસે આવવું, કેમકે મારા દીકરાના વેંગણા આપીને મેં ખચિત તને રાખ્યો છ. અને તે તે રાત્રે તેની સાથે સુઈ રહ્યો.
17 અને દેવે લેઆહનું સાંભળ્યું; ને તે ગર્ભવતી થઇ, ને તેના પેટનો યાકૂબને પાંચમો દીકરો થયો.
18 અને લેઆહે કહ્યું, દેવે મને બદલો આપ્યો છે, કેમકે મેં મારા ભરથારને મારી દાસી આપી છે; માટે તેણે તેનું નામ યિસ્સાખાર પાડ્યું.
19 અને લેઆહ ફરી ગર્ભવતી થઇ, ને તેના પેટનો યાકૂબને છઠ્ઠો દીકરો થયો.
20 અને લેઆહે કહ્યું, દેવે મને ઉત્તમ દાન આપ્યું છે; હવે મારો ભરથાર મારે સાથે રહેશે; કેમકે હું તેને સારૂ છ દીકરા જણી છે; માટે તેણે તેનું નામ ઝબુલૂન પાડ્યું.
21 અને ત્યાર પછી તે એક દીકરી જણી, ને તેણે તેનું નામ દીનાહ પાડ્યું.
22 અને દેવે રાહેલને યાદ કરી, ને દેવે તેનું સાંભળ્યું, ને તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું.
23 અને તે ગર્ભવતી થઇ, ને દીકરો જણી, ને તે બોલી કે દેવ મારું અપમાન ટાળ્યું છે.
24 અને તેણે તેનું નામ યુસફ પાડ્યું, ને બોલી કે યહોવાહ એક બીજો દીકરો પણ મને આપો.
25 અને એમ થયું કે રાહેલ યુસફને જણી ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, મને વિદાય કર, કે હું સ્વદેશ મારા વતનમાં જાઉં.
26 મારી બાયડીઓ તથા મારાં છોકરાં જેઓને સારૂ મેં તારી ચાકરી કીધી છે, તે મને આપ, ને મને જવા દે; કેમકે મેં તારી કેવી ચાકરી કરી છે, તે તું જાણે છે.
27 અને લાબાને તેને કહ્યું, આહા, મારા પર તારી કૃપાદ્રષ્ટિ હોય તો રહે; કેમકે યહોવાહે તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે, એ મેં શુકનથી જાણ્યું છે.
28 અને તેણે કહ્યું, તારે કેટલું જોઈએ તે મને કહે, ને હું તે આપીશ.
29 અને તેણે તેને કહ્યું, મેં તારી કેવી ચાકરી કરી છે, ને તારા ઢોર મારી પાસે કેવા થયા છે, એ તું જાણે છે.
30 કેમકે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું, ને હવે તે બહુ વધ્યું છે; ને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાહે તને આશીર્વાદ આપ્યો છે; ને હવે મારા પોતાના ઘરનાનું પણ હું ક્યારે પૂરું કરીશ?
31 અને તેણે કહ્યું, હું તને શું આપું? ને યાકૂબે કહ્યું, ને તું કઈ ન આપીશ; જો તું મારે સારૂ એટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીશ ને સાચવીશ.
32 આજ હું તારા બધા ટોળામાં ફરીશ, ને ઘેંટામાંથી છાંટાવાળા તથા ટપકાંવાળા તથા કાળાને ને વળી બકરામાંથી ટપકાંવાળા તથા છાંટાવાળાને ભિન્ન કરીશ, ને એક મારું વેતન થશે.
33 અને મારું વેતન જે તારી આગળ છે, તે વિષે તું આવશે ત્યારે મારું ન્યાયીપણું આગળ જતાં મારા પક્ષમાં ઉત્તર આપશે; બકરામાં જે છાંટાવાળા કે ટપકાંવાળા નથી, ને ઘેંટામાં પણ કે કાળા નથી એવાં જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરીના ગણાય.
34 અને લાબાને કહ્યું, જો, તારી વાત પ્રમાણે થાય તેમાં હું રાજી છું.
35 અને તેણે તે દહાડે પટાદાર તથા ટપકાંવાળા બકરા, ને સર્વ છાંટાવાળી તથા ટપકાંવાળી બકરી, એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓને, ને ઘેંટામાંના પણ જે કાળાં તેઓને ભિન્ન કીધા, ને તેણે તેઓને પોતાના દીકરાઓના હાથમાં સોંપ્યા.
36 અને તેણે પોતાની ને યાકૂબની વચમાં ત્રણ દહાડાની મજલ જેટલો અંતર રાખ્યો, ને યાકૂબે લાબાનનાં બાકી રહેલા ટોળા ચાર્યા.
37 અને યાકૂબે લીંબડાની તથા બદામની તથા આર્મોન ઝાડની લીલી ડાળીઓ લીધી ને છાલ છોલી તેઓમાં ઘોળા પટા પાડ્યા, ને તેઓમાં જે ઘોળું તે દેખાયું.
38 અને તેણે જે ડાળીઓ છોલી હતી તે, ઢોર પીવા આવતાં ત્યાં, હવાડાઓમાં તથા નીકોમાં તેઓની આગળ ઉભી કરી; ને પીતી વખતે તેઓ સવાણે આવતાં હતા.
39 અને ડાળીઓ આગળ ઢોરો ગાભણા થતાં હતા ને તેઓને પટાદાર, છાંટાવાળા, તથા ટપકાંવાળા બચ્ચા થયા.
40 અને યાકૂબે ઘેંટાને ભિન્ન કીધાં, ને લાબાનના ટોળામાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની ભણી ટોળાનાં મ્હોડાં રાખ્યાં; ને તેણે પોતાના ટોળાં જુદાં પાડ્યાં, ને લાબાનના ટોળાની પાસે તેમને નહિ રાખ્યાં.
41 અને એમ થયું કે જયારે ટોળામાંના જબરાં સવાણે આવતાં, ત્યારે યાકૂબે તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મુકતો, કે તેઓ ડાળીઓની આગળ ગાભણા થાય.
42 પણ ઢોર નબળાં હોય ત્યારે તે ડાળીઓ મુકતો નહોતો; માટે નબળાં તે લાબાનના, ને જબરાં તે યાકૂબના થયાં.
43 અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો, ને તેને મોટાં ટોળા, તથા દાસો, તથા દાસીઓ, તથા ઊંટો, તથા ગધેડા હતાં