1 ત્યારે યાકૂબ ત્યાંથી ચાલ્યો ને પૂર્વના લોકને દેશ પહોંચ્યો.
2 અને તેણે જોયું, ને જુઓ, ખેતરમાં એક કુવો હતો, ને જુઓ, ત્યાં તેની પાસે ઘેંટાના ત્રણ ટોળા બેઠા હતાં, કેમકે તે કુવામાંથી તે ટોળાને પાતા હતા, ને કુવાના મ્હો પરનો પત્થર મોટો હતો.
3 અને ત્યાં સર્વ ટોળા એકઠાં થતાં હતા, ને તેઓ કુવાના મ્હો પરથી પત્થર ગબડાવી ઘેંટાને પાતા હતા, ને કુવાના મ્હો પર પત્થર પાછો ઠેકાણે મુકતા હતા.
4 અને યાકૂબે તેઓને કહ્યું, મારા ભાઈઓ, તમે ક્યાંના છો? ને તેઓએ કહ્યું, અમે હારાનના છીએ.
5 અને તેણે તેઓને કહ્યું, શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છે? ને તેઓએ કહ્યું, તેને ઓળખીએ છીએ.
6 અને તેણે તેઓને કહ્યું, શું તે ક્ષેમકુશળ છે? ને તેઓએ કહ્યું, ક્ષેમકુશળ છે; ને જો, તેની દીકરી રાહેલ ઘેંટા લઈને આવે છે.
7 અને તેણે કહ્યું, જો, હજુ દહાડો ઘણો છે, ને ઢોરો એકઠાં કરવાનો વખત થયો નથી, માટે તમે ઘેંટાને પાઓ, ને જઈને તેઓને ચારો.
8 અને તેઓ બોલ્યા, સર્વ ટોળા એકઠાં થાય, ને કુવાના મ્હો પરથી પત્થર ગબડાવવામાં આવે, ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી; તે પછી અમે ઘેંટાને પાઈએ છીએ.
9 અને તે તેઓની સાથે બોલતો હતો એટલામાં રાહેલ પોતાના બાપના ઘેંટા લઈને આવી, કેમકે તે તેઓને સાચવતી હતી.
10 અને એમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનનાં ઘેંટાને દીઠાં, ત્યારે યાકૂબે પાસે આવીને કુવાના મ્હો પરથી પત્થર ગબડાવ્યો, ને તેના મામા લાબાનના ઘેંટાને પાણી પાયું.
11 અને યાકૂબ રાહેલને ચૂમીને પોંક મુકીને રડ્યો.
12 અને યાકૂબે રાહેલને કહ્યું કે, હું તારા બાપનો ભાઈ, ને રિબકાહનો દીકરો છું; ને તેણીએ દોડીને પોતાના બાપને ખબર આપી.
13 અને એમ થયું કે લાબાને તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડ્યો, ને તેને આલિંગન કરીને ચૂમ્યો, ને તને પોતાને ઘેર લાવ્યો. અને તેણે લાબાનને આ સર્વ વાતો કહી.
14 અને લાબાને તેને અહ્યું, ખચિત તું મારા હાડકાંનો તથા માંસનો છે. અને તે તેની પાસે એક મહિના ભર રહ્યો.
15 અને લાબાને યાકૂબને કહ્યું કે, તું મારો ભાઈ છે, માટે તારે મારી ચાકરી મફત કરવી ઘટે? તારે કેટલું જોઈએ તે મને કહે.
16 અને લાબાનને બે દીકરી હતી; મોટીનું નામ લેઆહ, ને નાનીનું નામ રાહેલ.
17 અને લેઆહની આંખો નબળી હતી, પણ રાહેલ સુંદર તથા રૂપાળી હતી.
18 અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કીધી, ને કહ્યું, તારી નાની દીકરી રાહેલને સારૂ હું તારી ચાકરી સાત વર્ષ કરીશ.
19 અને લાબાને કહ્યું, બીજા માણસને તેને આપવા કરતા તને આપવી સારી છે, તું મારી સાથે રહે.
20 અને યાકૂબે રહેલને સારૂ સાત વર્ષ સુધી ચાકરી કીધી, ને તે પર તેની પ્રીતિ હતી, માટે તે સાત વર્ષ તેને થોડા દહાડા સરખા લાગ્યાં.
21 અને યાકૂબે લાબાનને કહ્યું, દહાડા પૂરા થયા, માટે મરી બાયડી મને આપ, કે હું તેની પાસે જાઉં.
22 અને લાબાને ત્યાના સર્વ લોકોને એકઠાં કરીને જમણ કર્યું.
23 અને સાંજરે એમ થયું, કે તે પોતાની દીકરી લેઆહને લઈને યાકૂબની પાસે લાવ્યો, ને તે તેની પાસે ગયો.
24 અને લાબાને પોતાની દીકરી લેઆહને દાસી થવા સારૂ પોતાની દાસી ઝિલ્પાહ તેને આપી.
25 અને એમ થયું કે સવારે તો જુઓ, લેઆહ માલમ પડી, ને તેને લાબાનને કહ્યું, આ તે મને શું કીધું છે? શું રાહેલને સારૂ મેં તારી ચાકરી નથી કીધી? તે મને શા માટે છેતર્યો?
26 ને લાબાને કહ્યું, અમારા દેશમાં એવી રીત નથી કે મોટીની અગાઉ નાનીને પરણાવવી.
27 આનું અઠવાડિયું પૂરું કર, ને બીજા સાત વર્ષ તું મારી જે ચાકરી કરશે, તેના બદલામાં અમે તેણીને પણ તને આપીશું.
28 અને તે પ્રમાણે યાકૂબે કર્યું, ને તેનું અઠવાડિયું પૂરું કીધા પછી તેને તેની દીકરી રાહેલને પણ તેની બાયડી થવાને આપી.
29 અને લાબાને પોતાની દીકરી રાહેલની દાસી થવા સારૂ પોતાની દાસી બીલ્હાહ તેને આપી
30 અને રહેલની પાસે પણ તે ગયો, ને તેને લેઆહ કરતા રાહેલ પર વધારે પ્રીતિ કીધી, ને તેને બીજાં સાત વર્ષ ચાકરી કીધી.
31 અને યહોવાહે જોયું કે લેઆહ નાપસંદ છે, માટે તેણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું, પણ રાહેલ વાંઝણી હતી.
32 અને લેઆહ ગર્ભવતી થઇ, ને તે દીકરો જણી, ને તેને તેનું નામ રેઉબેન પાડ્યું કેમકે તેને કહ્યું યહોવાહે મારું કષ્ટ ખચિત જોયું છે; માટે હવે મારો ભરથાર મારા પર પ્રીતિ કરશે.
33 અને તે ફરી ગર્ભવતી થઇ, ને દીકરો જણી, ને બોલી, હું નાપસંદ પડી છું, એમ યહોવાહે સાંભળ્યું છે, માટે તેણે આ પણ મને આપ્યો છે, ને તેને તેનું નામ શિમઓન પાડ્યું.
34 ને તે ફરી ગર્ભવતી થઇ, ને દીકરો જણી, ને કહ્યું, હવે આ વેળા મારો ભરથાર મારી સાથે પ્રીતિએ બંધાશે; કેમકે તેને મારાથી ત્રણ દીકરા થયા છે, માટે તેને તેનું નામ લેવી પાડ્યું.
35 અને તે ફરી ગર્ભવતી થઇ, ને દીકરો જણી, ને કહ્યું, હવે હું યહોવાહની સ્તુતિ કરીશ; માટે તેણે તેનું નામ યહુદાહ પાડ્યું; ને એનું જણવાનું બંધ થયું.