1 અને ઇસ્હાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ દીધો, ને તેને આજ્ઞા આપીને કહ્યું, કનાન દેશની દીકરીઓમાંથી તું બાયડી ન લે.
2 ઉઠ, પાદ્દાનારામમાં તારી મામા બાપ બથુએલને ઘરે જા, ને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું પોતાને સારૂ બાયડી લે.
3 અને સર્વસમર્થ દેવ તને આશીર્વાદ દે, ને તને સફળ કરે, ને તને વધારે, કે તારાથી ઘણા કુળ થાય;
4 અને ઈબ્રાહિમને આપેલો અશીર્વાદ, તે તને તથા તારી સાથે તારા સંતાનને પણ દે, કે ઈબ્રાહીમને દેવે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે.
5 અને ઇસ્હાકે યાકૂબને વિદાય કર્યો, ને તે પાદ્દાનારામમાં લાબાન જે બથૂએલ અરામીનો દીકરો ને યાકૂબ તથા એસાવની મા રિબકાહનો ભાઈ હતો તેને ત્યાં ગયો.
6 અને એસાવે જોયું કે ઇસ્હાકે યાકૂબને આશીર્વાદ દીધો છે, ને તેને પાદ્દાનારામમાં ત્યાંથી પોતાને સારૂ બાયડી લેવાને મોકલ્યો છે; ને તેને આશીર્વાદ દેતા એવી આજ્ઞા આપી છે કે કનાન દેશની દીકરીઓમાંથી તું બાયડી ન લે;
7 ને યાકૂબે પોતાના માબાપની આજ્ઞા માની, ને પાદ્દાનારામમાં ગયો;
8 ને એસાવે જોયું કે મારા બાપ ઇસ્હાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી;
9 ત્યારે એસાવ ઈશ્માએલની પાસે ગયો, ને ઈબ્રાહીમના દીકરા ઈશ્માએલની દીકરી મહાલાથ જે નબાયોથની બહેન તેને તેણે પોતાની બાયડીઓ ઉપરાંત બાયડી કીધી.
10 અને યાકૂબ બેર-શેબાથી નીકળીને હારાન ભણી ગયો.
11 અને તે એક જગ્યાએ આવી પહોંચ્યો, ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમ્યો હતો, ને તે જગ્યામાંનો એક પત્થર લઈને તેના માથા નીચે મુક્યો, ને તે ઠેકાણે સૂઈ ગયો.
12 અને તેને સ્વપ્ન આવ્યું અને, જુઓ, એક સીડી પૃથ્વી પર ઉભી કરેલી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી, ને જુઓ, તે પર દેવના દૂત ચઢતા ઉતરતા હતા.
13 અને જુઓ, તેના ઉપર યહોવાહ ઉભો રહ્યો, ને તે બોલ્યો, હું યહોવાહ તારા બાપ ઇબ્રાહીમનો દેવ તથા ઇસ્હાકનો દેવ છું, જે ભૂમિ પર તું સુતો છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.
14 અને પૃથ્વીની રજો જેટલા તારા સંતાન થશે, ને તું પૂર્વ પશ્ચિમે તથા ઉત્તર દક્ષીણે ફેલાશે, ને તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.
15 અને જો, હું તારી સાથે છે, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમકે જે જે મેં તને કહ્યું છે, તે પૂરું કીધા વગર હું તને નહિ મુકીશ.
16 અને યાકૂબ જાગી ઉઠ્યો, ને તેને કહ્યું, ખચિત યહોવાહ આ ઠેકાણે છે, ને મેં જાણ્યું નહિ.
17 અને તે બીધો, ને બોલ્યો, આ જગ્યા કેવી ભયાનક છે! આ દેવના ઘર વગર બીજું કંઈ નથી, ને આ આકાશનું દ્વાર છે.
18 અને યાકૂબ મોટી સવારે ઉઠ્યો, ને જે પત્થર તેને માથા નીચે મુક્યો હતો તે લઈને તેને સ્તંભને સારૂ ઉભો કર્યો, ને તેને મથાળે તેલ રેડ્યું.
19 અને તેને તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું, પણ પહેલા તે નગરનું નામ લૂઝ હતું.
20 અને યાકૂબે એવી માનતા લીધી કે, જો દેવ મારી સાથે રહેશે, ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, ને મને ખાવાનું અન્ન ને પહેરવાના લૂગડાં આપશે,
21 ને જો હું શાંતિએ મારા બાપને ઘેર પાછો આવીશ, તો યહોવાહ મારો દેવ થશે;
22 અને આ પત્થર જે મેં સ્તંભને સારૂ ઉભો કીધો છે, તે દેવનું ઘર થશે; ને જે તું મને આપશે તે સર્વનો દશાંશ હું તને ખચિત આપીશ.