1 અને એમ થયું કે ઇસ્હાક ઘરડો થયો, ને તેની આંખનું તેજ એટલું ઘટયું કે તે દેખી શકતો ન હતો, ત્યારે તેણે પોતાના વડા દીકરા એસાવને બોલાવીને તેને કહ્યું, મારા દીકરા; ને તેણે કહ્યું, હું આ રહ્યો.

2 અને તેણે કહ્યું, જો, હું હવે ઘરડો થયો છું, મારો મરવાનો દહાડો હું નથી જાણતો.

3 માટે હવે તું તારા હથિયાર, એટલે તારો ભાથો તથા ધનુષ્ય લઈને જંગલમાં જા, ને મારે સારૂ શિકાર મારી લાવ

4 અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું તું મારે સારૂ તૈયાર કર, ને મારી પાસે લાવ, કે હું ખાઉં, ને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ દે.

5 અને ઇસ્હાક તેના દીકરા એસાવની સાથે બોલતો હતો, ત્યારે રિબકાહે સાંભળ્યું. અને એસાવ શિકાર મારી લાવવા સારૂ જંગલમાં ગયો.

6 અને રિબકાહે પોતાના દીકરા યાકૂબને કહ્યું, જો, તારા ભાઈ એસાવની સાથે તારા બાપને એમ બોલતા મેં સાંભળ્યો,

7 કે તું મારે સારૂ શિકાર લાવીને સ્વાદિષ્ટ ખાવાનું મારે સારૂ તૈયાર કર, કે હું ખાઉં ને મરવા અગાઉ યહોવાહની આગળ હું તને આશીર્વાદ દઉં.

8 હવે, મારા દીકરા, તને હું આજ્ઞા આપું, તે પ્રમાણે મારું કહ્યું માન.

9 હવે તું ટોળામાં જા, ને તેમાંથી બકરીનાં બે સારા લવારા મરી પાસે લાવ, ને તેઓથી તારા બાપને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું હું તેને સારૂ તૈયાર કરીશ.

10 અને તે તું તારા બાપ આગળ મૂકજે, કે તે ખાઈને તેના મરણ અગાઉ તને આશીર્વાદ દે.

11 અને યાકૂબે પોતાની મા રિબકાહને કહ્યું, જો, મારો ભાઈ એસાવ કેશી માણસ છે,ને હું સુંવાળો માણસ છે.

12 કદાપિ મારો બાપ મને હાથ લગાડે, ને હું તેને ઠગનારાના સરખો દેખાઉં, ને હું આશીર્વાદ તો નહિ પણ શ્રાપ મારે માથે લાવું.

13 અને તેની માએ તેને કહ્યું, મારા દીકરા, તે શ્રાપ મારા પર થાઓ, માત્ર મારું કહેવું માન, ને જઈને મારે સારૂ તેઓને લાવ.

14 અને તેને જઈને તે લીધા, ને તેની માની પાસે લાવ્યો, ને તેના બાપને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કીધું.

15 અને રિબકાહે તેના જ્યેષ્ઠ દીકરા એસાવના સારા લુગડા જે તેની પાસે ઘરમાં હતા તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં.

16 અને તેના હાથો પર તથા તેના ગળાના કેશરહિત ભાગ પર તેને બકરીના લાવરાંનાં ચામડા બાંધ્યા.

17 અને સ્વાદિષ્ટ ખાવાનું તથા રોટલી જે તેને તૈયાર કર્યા હતા તે તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યા.

18 અને તેણે પોતાના બાપ પાસે જઈને કહ્યું કે, મારા બાપ; ને તેને કહ્યું, જો, હું આ રહ્યો, મારા દીકરા, તું કોણ છે?

19 ને યાકૂબે પોતાના બાપને કહ્યું, હું એસાવ તારો જ્યેષ્ઠ દીકરો છુ, જેમ તેં મને કહ્યું હતું, તેમ મેં કીધું છે; હું વિનતી કરું છુ, કે બેઠો થઈને મારો શિકાર ખા, કે તારો જીવ મને આશીર્વાદ દે.

20 અને ઇસ્હાકે પોતાના દીકરાને કહ્યું, મારા દીકરા, આટલામાં તને મળ્યું એ કેમ? ને તેને કહ્યું, યહોવાહ તારા દેવે મને લાવી આપ્યું માટે.

21 અને ઇસ્હાકે યાકૂબને કહ્યું, મારા દીકરા, પાસે આવ, કે હું તને અડકી જોઉં, કે તુંજ મારો દીકરો એસાવ છે કે નહિ.

22 અને યાકૂબ તેના બાપ ઇસ્હાકની પાસે આવ્યો, ને તે તેને અડકયો, ને કહ્યું કે, સાદ તો યાકૂબનો સાદ છે ખરો, પણ હાથ તો એસાવના હાથ છે.

23 અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેશી હતા, માટે તેને તેણે ઓળખ્યો નહિ, ને તેણે તેને આશીર્વાદ દીધો.

24 અને તેણે કહ્યું, શું તું મારો દીકરો એસાવ છે? ને તેને કહ્યું કે, એજ.

25 અને તેણે કહ્યું, એ મારી પાસે લાવ, કે હું મારા દીકરાનો શિકાર ખાઉં, કે મારો જીવ તને આશીર્વાદ દે. અંને તે તેની પાસે લાવ્યો, ને તેણે ખાધું, ને તે તેને સારૂ દ્રાક્ષરસ લાવ્યો, ને તેણે પીધો.

26 અને તેના બાપ ઇસ્હાકે તેને કહ્યું, મારા દીકરા, હવે પાસે આવ, ને મને ચૂમ.

27 અને તેણે પાસે આવીને તેને ચૂમ્યો, ને તેને તેનાં લુગડાની વાસ લીધી, ને તેણે તેને આશીર્વાદ દીધો, ને કહ્યું, “જો, યહોવાહથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી, મારા દીકરાની વાસ છે.

28 માટે દેવ તને આકાશનું ઝાકળ ને પૃથ્વીની રસાળ જગ્યા તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષરસ આપે.

29 લોકો તારી સેવા કરે, ને દેશજાતિઓ તારી આગળ નામે; તું તારા ભાઈઓનો ઘણી થા, જે હરેક તને શ્રાપ દે, તે શ્રાપિત થાય, ને જે તને આશીર્વાદ દે, તે આશીર્વાદ પામે.”

30 અને એમ થયું કે જયારે ઇસ્હાક યાકૂબને અશીર્વાદ દઈ રહ્યો, ને યાકૂબ પોતાના બાપ ઇસ્હાકની આગળથી બહાર ગયો હતો,તેજ વેળા તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો.

31 અને તે પણ સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરીને તેના બાપની પાસે લાવ્યો, ને બાપને કહ્યું, મારા બાપ, ઉઠ, ને તારા દીકરાનો શિકાર ખા, કે તારો જીવ મને આશીર્વાદ દે.

32 અને તેના બાપ ઇસ્હાકે તેને કહ્યું, તું કોણ? ને તે બોલ્યો, હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું.

33 અને ઇસ્હાક બહુ થરથર ધ્રુજ્યો, ને બોલ્યો, ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું; ને તને આશીર્વાદ દીધો, ને તે અશીર્વાદિત થશે પણ ખરો.

34 અને એસાવે પોતાના બાપની વાત સાંભળી, ત્યારે તે મોટી તથા બહુ કારમી બૂમ પાડીને રડ્યો, ને પોતાના બાપને કહ્યું, મારા બાપ, મને હા મને પણ,આશીર્વાદ દે.

35 અને તેણે કહ્યું, તારા ભાઈએ ઘૂર્તપણાથી આવીને તારા આશીર્વાદ લઇ લીધો છે

36 અને તેણે કહ્યું, શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? કેમકે તેને બે વાર મને છેતર્યો છે; તેણે મારું જ્યેષ્ઠપણું લઇ લીધું; ને હવે, જો, તેને મારો આશીર્વાદ પણ લઇ લીધો છે. અને તેણે કહ્યું, શું તું મારે વાસ્તે આશીર્વાદ રાખ્યો નથી?

37 ને ઇસ્હાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, જો, મેં તેને તારો ઘણી કીધો છે, ને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યો છે, ને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષરસ મેં તેને આપ્યા છે; ને હવે, મારા દીકરા, હું તારે સારૂ શું કરું?

38 ને એસાવે પોતાના બાપને કહ્યું; મારા બાપ, શું તારી પાસે કેવળ એકજ આશીર્વાદ છે? મારા બાપ, મને હા મને પણ આશીર્વાદ દે. અને એસાવ પોંક મુકીને રડ્યો.

39 અને તેના બાપ ઇસ્હાકે તેને ઉત્તર આપીને કહ્યું, જો પૃથ્વીની પુષ્ટિથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારો વાસો વેગળો થશે.

40 અને તું તારી તરવારથી જીવશે, ને તું તારા ભાઈની સેવા કરશે; પણ એમ થશે, કે જયારે તું છુટી જશે ત્યારે તું તારી ગરદનપરથી તેની ઝુસરી કાઢી નાખશે.

41 અને યાકૂબને તેના બાપે આશીર્વાદ દીધો હતો તે આશીર્વાદને લીધે એસાવે યકૂબનો દ્વેષ કીધો, ને એસાવે મનમાં કહ્યું કે, મારા બાપને સારૂ શોકના દહાડા પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ.

42 અને રિબકાહને તેના જ્યેષ્ઠ દીકરો એસાવની એ વાત કહેવામાં આવી; ને તેને પોતાના નાના દીકરા યાકૂબને તેડી મંગાવ્યા, ને તેને કહ્યું, જો, તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને, તારા વિષે પોતાના મનને ટહાડું પાડે છે.

43 માટે હવે, મારા દીકરા, મારી વાત માન, ને ઉઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા;

44 ને તારો ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે ને તે સુધી થોડા દહાડા તેની પાસે રહે .

45 તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે ને તે તેને જે કીધું છે તે તે વિસરી જાય, ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ; એકજ દહાડે તમ બન્નેથી હું કેમ વિયોગી થાઉં?

46 અને રિબકાહે ઇસ્હાકને કહ્યું, હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું, આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી બાયડી લે, તો મારે જીવવું શા કામનું?