1 અને તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા, ત્યારે [તેણે તમને જીવતા કીધા];

2 તેમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે અંતરિક્ષની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંજનના દીકરાઓમાં હમણાં જોર કરે છે, તે પ્રમાણે પહેલાં ચાલતા;

3 તેઓમાં આપણુ સઘળા આપણા દેહની ઈચ્છાઓથી પહેલાં ચાલતાં હતા, ને દેહની તથા મનની વાસનાઓ પ્રમાણે કરતા હતા તથા મૂળ સ્થિતિએ બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.

4 પણ દેવ જે દયામાં ભરપુર છે તેણે, જે પ્રીતિ આપણા પર કીધી, તે પોતાની ઘણી પ્રીતિને લીધે,

5 આપણે પાપમાં મુએલા હતા ત્યારે ખ્રીસ્તની સાથે આપણને જીવતા કીધા (કૃપાથી તમે તારણ પામેલા છો);

6 ને સાથે ઉઠાડ્યા, ખ્રીસ્ત ઈસુથી આકાશી જગ્યાઓમાં તેની સાથે બેસાડ્યા;

7 એ સારૂ કે ખ્રીસ્ત ઇસુમાં આપણા પર તેની દયાથી તે આવતા યુગોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે.

8 કેમકે તમે કૃપાએ વિશ્વાસને આસરે તારણ પામેલા છો, ને એ તમારાથી નથી, દેવનું દાન છે;

9 કરણીઓથી નહિ, રખે કોઈ અભિમાન કરે;

10 કેમકે સારી કરણીઓ કરવાને ખ્રીસ્ત ઇસુમાં ઉત્પન્ન કીધેલા, આપણે તેનું કૃત્ય છીએ; તેઓ વિષે દેવે અગાઉ એમ ઠરાવ્યું કે, આપણે તેઓમાં ચાલીએ.

11 એ માટે યાદ રાખો કે, દેહ સંબંધી હાથે કરેલા સુનતી કહેવાએલાઓથી જેઓ બેસુનતી કહેવાય છે એવા તમે પહેલા દેહ સંબંધી વિદેશી હતા;

12 ને તે સમયે તમે ખ્રીસ્તરહિત ઇસ્રાએલના પ્રજાપણાની નોખા તથા વચનના કરારથી પારકા, આશારહિત તથા દેવ હીન, એવા જગતમાં હતા.

13 પણ હમણાં ખ્રીસ્ત ઇસુમાં તમે જે પહેલાં દૂર હતા તે તમે ખ્રીસ્તના લોહીથી પાસે થયા છો.

14 કેમકે તે આપણું શાંત્યાસ્પદ છે, તેણે બેઉનું એક કીધું, ને વચલી આડી ભીંત પાડી નાખી છે;

15 તેણે પોતાના દેહથી વેર, એટલે વિધિઓમાંની આજ્ઞાઓનો નિયમ, રદ કીધું, એ સારૂ કે સલાહ કરીને પોતામાં તે બેનું એક નવું માણસ સૂજે;

16 અને કે વધસ્તંભે વેરને મારી નાખીને ને આસરે તે એક શરીરમાં દેવની સાથે બેહુનો મેળાપ કરાવે.

17 અને તેણે આવીને તમ વેગળાઓને તથા જે પાસે હતા તેઓને સુવાર્તા પ્રગટ કીધી;

18 કેમકે તેને આસરે એક આત્માથી આપણ બેહુને બાપની પાસે પ્રવેશ છે.

19 એ માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના તથા દેવના ઘરનાં છો.

20 પ્રેરિતો તથા ભવિષ્યવાદીઓના પાયા પર બંધાએલા છો; ઇસુ ખ્રીસ્ત પોતે તો ખુણાનું મથાળું છે;

21 એમાં દરેક બાંધણી જોડાએલી થવાની પ્રભુમાં પવિત્ર મંદિર વધતું જાય છે;

22 તેમાં તમે પણ દેવના રહેવા સારૂ આત્માએ સાથે બંધાએલા છો.