1 હવે શાઉલના ઘર તથા દાઉદના ઘરની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો; ને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું ઘર વધારે નબળું થવા લાગ્યું.
2 અને દાઉદને હેબ્રોનમાં પુત્રો થયા; ને તેનો પ્રથમ જનિત આમ્નોન, તે અહીનોઆમ યિઝ્રએલીના પેટનો હતો;
3 ને તેનો બીજો કિલઆબ, તે નાબાલ કર્મેલીની વિધવાના પેટનો હતો; ને ત્રીજો આબ્શાલોમ, તે અશૂરના રાજા તાલ્માયની દીકરી માઅખાહનો દીકરો હતો;
4 ને ચોથો, તે હાગ્ગીથનો દીકરો આદોનીયાહ હતો; ને પાંચમો, તે અબીટાલનો દીકરો શફાટયાહ હતો;
5 ને છઠો, તે દાઉદની વહુ એગ્લાહનો દીકરો યિથ્રઆમ હતો. હેબ્રોનમાં દાઉદને એ પુત્રો થયા.
6 અને દાઉદના ઘર તથા શાઉલના ઘર વચ્ચે વિગ્રહ ચાલતો હતો, અને તે દરમિયાન એમ બન્યું કે આબ્નેરે શાઉલના ઘરને વાસ્તે જોર માર્યું.
7 હવે શાઉલની રિસ્પાહ નામની એક ઉપપત્ની હતી, તે આયાહની દીકરી હતી; ને ઇશ્બોશેથે આબ્નેરેને કહ્યું કે, મારા બાપની ઉપપત્નીની પાસે તું કેમ ગયો?
8 ત્યારે આબ્નેર ઇશ્બોશેથના વચનોથી ખૂબ ગુસ્સે થયો, ને કહ્યું કે, શું હું યહુદાહના કુતરાનું માથું છું? હું આજ તારા બાપ શાઉલના ઘર પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર કૃપા કરૂં છું, ને તને દાઉદના હાથમાં મેં સોંપી દીધો નથી, તો પણ આજ આ સ્ત્રી વિષે તું મારા ઉપર દોષ મુકે છે?
9 જો, જેમ યહોવાહે દાઉદની આગળ સમ ખાધા છે તેમ હું તેને ન કરૂં, તો દેવ આબ્નેરને તેવું, ને તે કરતાં પર વધારે કરો;
10 એટલે શાઉલને ઘેરથી રાજ્ય લઇ લઈને, દાઉદનું રાજ્યાસન ઇસ્રાએલ પર તથા યહુદાહ પર દાનથી તે બેરશેબા સુધી સ્થપાયું નહિ તો.
11 અને તે આબ્નેરને બીજો એક શબ્દ પણ ઉત્તરમાં કહી શક્યો નહિ, કેમકે તેને તેનો દર લાગ્યો.
12 અને આબ્નેરે પોતા તરફથી દાઉદ પાસે હાલ્કારા મોકલીને કહાવ્યું કે, દેશ કોણનો છે? ને એ પણ કહાવ્યું કે, મારી સાથે સલાહ કર, ને જો, મારો હાથ સર્વ ઇસ્રાએલને તારી તરફ ફેરવી લાવવાને તારી કુમકે આવશે.
13 અને તેણે કહ્યું કે, સારૂ; હું તારી સાથે સલાહ કરીશ; પણ હું તારી સાથે એક સરત કરવા માંગુ છું, તે એ કે મારૂં મ્હો જોવાને તું આવે, ત્યારે શાઉલની દીકરી મીખાલને પહેલી લાવ્યા વિના તું મારૂં મ્હો જોવા પામશે નહિ.
14 અને દાઉદે શાઉલના દીકરા ઇશ્બોશેથ પાસે હલકારા મોકલીને કહાવ્યું કે, મારી વહુ મીખાલ, કે જેની જોડે પલીસ્તીઓનાં એકસો અગ્રચર્મ આપીને મેં વિવાહ કીધો હતો, તે મને સોંપ.
15 અને ઇશ-બોશેથ માણસ મોકલીને તેના વાર પાસેથી, એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
16 અને તેનો વાર બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો. ત્યારે આબ્નેરે તેને કહ્યું કે, ચાલ, પાછો જા; ને તે પાછો ગયો.
17 અને આબ્નેરે ઇસ્રાએલના વડીલો સાથે વાતચિત કરીને કહ્યું કે, ગતકાળમાં તમારો રાજા થવા સારૂ તમે દાઉદને શોધતા હતા.
18 તો હવે તે કામ કરો, કેમકે યહોવાહે દાઉદ વિષે બોલીને કહ્યું છે કે, હું મારા ઇસ્રાએલ લોકને મારા સેવક દાઉદની હસ્તક પલિસ્તીઓના હાથમાંથી, તથા તેઓના સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.
19 અને આબ્નેરે બિન્યામીનીઓના કાનમાં પર વાત કરી; ને વળી ઇસ્રાએલને તથા બિન્યામીનના આખા કુળને જે સારૂં લાગ્યું તે સઘળું દાઉદના કાનમાં કહેવા સારૂ આબ્નેર હેબ્રોનમાં ગયો.
20 અને આબ્નેર પોતાની સાથે વીસ માણસો લઈને દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યો; ને દાઉદે આબ્નેરને સારૂ તથા તેની સાથેના માણસોને સારૂ જમણ કીધું.
21 અને આબ્નેરે દાઉદને કહ્યું કે, હું ઉઠીને વિદાયગિરી લઇશ, ને સર્વ ઇસ્રાએલને મારા મુરબ્બી રાજાની પાસે એકઠા કરીશ, કે તેઓ તારી સાથે કરાર કરે ને તું તારા મનની ઇચ્છા હોય એટલા બધા પર રાજ્ય કરે. અને દાઉદે આબેરને વિદાય કીધો, ને તે શાંતિએ ગયો છે.
22 અને જુઓ, દાઉદના સેવકો તથા યોઆબ એક સ્વારીએથી પાછા આવ્યા, ને પોતાની સાથે ઘણી લૂટ લેતાં આવ્યા; પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો; કેમકે તેણે તેને વિદાય કીધો હતો, ને તે શાંતિએ ચાલ્યો ગયો હતો.
23 યોઆબ તથા તેની સાથેનું સર્વ સૈન્ય આવ્યા પછી, યોઆબને ખબર મળી કે, નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો, પણ તેણે તેને વિદાય કીધો, ને તે શાંતિએ ગયો છે.
24 અને યોઆબે રાજા પાસે આવીને કહ્યું કે, તું શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો, ત્યારે તે તેને કેમ વિદાય કીધો? તે તો તદ્દન જતો રહ્યો છે.
25 નેરના દીકરા આબ્નેરને તું ઓળખે છે, કે તને છેતરવાને, તથા તારી આવજા જાણી જવા સારૂ, તથા તું જે કરે છે તે સઘળાંથી માહિતગાર થવા સારૂ તે આવ્યો હતો.
26 અને યોઆબ દાઉદ પાસેથી બહાર નિકળ્યો,એટલે તેણે આબ્નેર પાછળ હલકારા મોકલ્યા, ને તેઓ તેને સીરાહના હોજ પાસેથી પાછો લાવ્યા; પણ દાઉદ એ જાણતો નહોતો.
27 અને આબ્નેર પાછો હેબ્રોનમાં આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા સારૂ તેને એક બાજુએ દરવાજાની મધ્યે લઇ ગયો, ને તેણે ત્યાં પોતાના ભાઇ અસાહેલના ખૂનને સારૂ, તેના પેટમાં ખંજર ભોંકીને મારી નાખ્યો.
28 અને પછી દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે, નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારૂં રાજ્ય યહોવાહ આગળ સદાકાળ સુધી નિર્દોષી છીએ;
29 તે યોઆબના શિર તથા તેના બાપના સઘળાં ઘેરને શિર થાઓ; ને સ્રાવી, કે કોઢીઓ, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની ન્યૂતનાવાળો, યોઆબના ઘરમાંથી કદી ખૂટશો નહિ.
30 એમ યોઆબે તથા તેના ભાઇ અબીશાયે આબ્નેરને મારી નાખ્યો, કેમકે તેણે તેઓના ભાઇ અસાહેલને ગિબઓન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો.
31 અને દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકને કહ્યું કે, તમે પોતાના વસ્ત્ર ફાડો, ને તમારી કમરોએ તાટ વીંટાળો, ને આબ્નેરની આગળ વિલાપ કરો. અને દાઉદ રાજા ઠાઠડી પાછળ ચાલ્યો,
32 અને તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દાટ્યો; ને રાજા આબ્નેરની કબર પાસે પોંક મુકીને રડ્યો; ને સર્વ લોક રડ્યા.
33 અને રાજાએ આબ્નેરને લીધે શોક કરીને કહ્યું કે, જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય?
34 તારા હાથ બંધાયા ન હતા, ને તારા પગમાં બેડીઓ ઘલાઈ ન હતી; દુષ્ટ માણસો આગળ કોઇ માર્યો જાય તેની પેઠે તું મુઓ. અને સર્વ લોકોએ ફરીથી તેની કબર ઉપર શોક કીધો.
35 અને દાઉદને દિવસ છતાં અન્ન ખવડાવવા સારૂ સર્વ લોકો તેની પાસે આવ્યા; પણ દાઉદે સમ ખાઈને કહ્યું કે, સૂર્યાસ્ત થયા પહેલાં જો હું રોટલી કે બીજું કશું પણ ચાખું તો ઈશ્વરે મને તેવું, ને તેથી પણ વધારે કરો.
36 અને સર્વ લોકોએ એ ધ્યાનમાં લીધું, ને તેથી તેઓ ખુશ થયા; કેમકે રાજાએ જે સર્વ કીધું તેથી સઘળાં લોકો ખુશ થયા.
37 તે ઉપરથી તે દિવસે સર્વ લોકોએ તથા સર્વ ઇસ્રાએલે જાણ્યું કે, નેરના દીકરા આબ્નેરના મોતમાં રાજાનો હાથ ન હતો.
38 અને રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે, શું તમે નથી જાણતા કે, આજ ઇસ્રાએલમાં એક સરદાર તથા મહાન પુરૂષ મરાયો છે?
39 ને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ હું આજ અશક્ત છું; ને આ માણસો, સરૂયાહના દીકરાઓને, વશ કરવાને હું અશક્ત છું; યહોવાહ દુષ્ટાઈ કરનારને તેનાં દુષ્ટ કર્મ પ્રમાણે ફળ આપો.