1 અને શાઉલના દીકરા ઈશ-બોશેથે સાંભળ્યું કે, આબ્નેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેના હાથ અશક્ત થયા; ને સર્વે ઇસ્રાએલીઓ ગભરાયા.

2 અને શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ ટોળીઓના નાયક હતા, એકનું નામ બાઅનાહ, તથા બીજાનું નામ રેખાબ હતું; તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બએરોથીના દીકરા હતા; કેમકે બએરોથ પણ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બએરોથીના દીકરા હતા; કેમકે બએરોથ પણ બિન્યામીનનું ગણતું હતું;

3 ને બએરોથીઓ ગિત્તાઇમમાં નાસી ગયા, ને આજ સુધી ત્યાં આવી વસેલા છે.

4 હવે શાઉલના દીકરા યોનાથાનને એક દીકરો હતો, તે પગે લંગડો હતો જયારે જયારે શાઉલ તથા યોનાથાનની ખબર યિઝ્રએલથી આવી, ત્યારે તે પાંચ વર્ષનો હતો, ને તેની સાંભળનારી તેને લઈને નાઠી; ને એમ થયું કે તે ઉતાવળી દોડતી હતી, તેથી તે પડી ગયો, ને લંગડો થયો. અને તેનું નામ મફીબોશેથ હતું.

5 અને રિમ્મોન બએરોથીના દીકરા રેખાબ તથા બાઅનાહ ચાલી નિકળ્યા ને દિવસના મધ્યાન્હે ઈશ-બોશેથને ઘેર પહોંચ્યા, ને તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો.

6 અને તેઓ ઘઉં લેવાને બહાને ઘરમાં ઘુસ્યા; ને તેઓએ તેના પેટમાં ખંજર ભોંકી દીધું; ને રેખાબ તથા તેના ભાઇ બાઅનાહ નાસી ગયા.

7 હવે તે શયનગૃહમાં પલંગ પર સૂતો હતો તે વેળાએ તેઓ ઘરમાં ઘુસીને તેને મારી નાખ્યો, ને તેનું માથું કાપી નાખ્યું, ને તેનું માથું લઈને અરાબાહને માર્ગે આખી રાત ચાલ્યા.

8 અને તેઓએ ઇશબોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવીને કહ્યું કે, તારો શત્રુ શાઉલ જે તારો જીવ લેવાને શોધતો હતો તેના પુત્ર ઇશ્બોશેથનું માથું જો, ને આજ યહોવાહે મારા મુરબ્બી રાજાનું વેર શાઉલ તથા તેના વંશ પર વાળ્યું છે.

9 અને દાઉદે રિમ્મોન બએરોથીના દીકરા રેખાબ તથા તેના ભાઇ બાઅનાહને ઉત્તર આપીને કહ્યું કે, જીવતો યહોવાહ જેણે મારા જીવને સર્વ વિપત્તિમાંથી બચાવ્યો છે, તેના સોગન,

10 કે પોતે આણેલા સમાચાર સારા છે, એમ ધારીને કોઈએકે મને એવા સમાચાર કહ્યા કે, શાઉલ મરણ પામ્યો છે, ત્યારે મેં તેને પકડીને સિક્લાગમાં મારી નાખ્યો; એ ઇનામ મેં તેને તેની વધામણીના બદલામાં આપ્યું.

11 તો જયારે દુષ્ટ માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં તેના પલંગ પર માર્યો છે, ત્યારે હવે વિશેષ કરીને તેના ખૂનનો બદલો તમારી પાસેથી શા માટે ન ભરી લઉં, તથા પૃથ્વી પરથી તમારો સંહાર શા માટે ન કરૂં?

12 ને દાઉદે પોતાના જુવાન પુરૂષોને આજ્ઞા કીધી, ને તેઓએ તેમને મારી નાખ્યા; ને તેઓના હાથ પગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની તેડે ઉંચે લટકાવ્યા; પણ તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દાટ્યું.