1 અને વિશ્રામવારની આખરે, અઠવાડીઆને પહેલે દહાડે પોહ ફાટવા લાગ્યો, ત્યારે મરિયમ માગદાલેણ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.

2 અને જુઓ, મોટો ધરતીકંપારા થયો, કેમકે પ્રભુનો દૂત આકાશથી ઉતાર્યો, ને પાસે આવીને કબરના મ્હો પરથી પત્થરને ગબડાવીને તે પર બેઠો.

3 તેનું રૂપ વિજળી જેવું, ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું.

4 અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજ્યા ને મરણતોલ થઇ ગયા.

5 ત્યારે દૂતે ઉત્તર દેતાં તે બાયડીઓને કહ્યું, તમે બીહો મા, કેમકે વધસ્તંભે જડાએલા ઇસુને તમે શોધો છો, એ હું જાણું છું.

6 તે અહીં નથી, કેમકે તેણે જેમ કહ્યું હતું તેમ તે ઉઠ્યો છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતો હતો તે જગ્યા જુઓ.

7 અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે, મુએલાંઓમાંથી તે ઉઠ્યો છે. અને જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.

8 ત્યારે તેઓ બીક તથા ઘણા હરક સહિત, કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી.

9 અને જુઓ, ઇસુએ તેઓને મળીને કહ્યું કે, કુશળતા, ત્યારે તેઓએ પાસે આવીને તેના પગ પકડ્યા, ને તેનું ભજન કીધું.

10 ત્યારે ઇસુ તેઓને કહે છે, બીહો મા, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને દેખશે.

11 અને તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંનો કેટલાએકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.

12 ત્યારે તેઓએ વડીલો સુદ્ધાં એકઠા થઈને મનસુબો કરીને, તે સિપાઈઓને ઘણાં નાણા આપીને

13 કહ્યું કે, તમે એમ કહો કે, અમે ઉંઘતા હતા ત્યારે તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા.

14 અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, તો અમે તેને સમજાવીને તમને બચાવીશું.

15 પછી તેઓએ નાણા લીધાં, ને શિખવ્યા પ્રમાણે કીધું; ને એ વાત યહુદીઓમાં આજ સુધી ચાલે છે.

16 પણ અગીઆર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઇસુએ તેઓને [જવાનું] ઠરાવ્યું હતું, ત્યાં ગયા.

17 અને તેઓએ તેને જોઇને તેનું ભજન કીધું, પણ કેટલાએકને સંદેહ આવ્યો.

18 ત્યારે ઇસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.

19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ.

20 મેં તમને જે જે આજ્ઞા કીધી તે સર્વ પાળવાનું તેઓને શિખવતા જાઓ; ને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.