1 તો આકાશના રાજ્યને દસ કુમારિકાઓની ઉપમા અપાશે, કે કે પોતપોતાની મશાલો લઈને વરને મળવા સારૂ બહાર ગઇ.
2 અને તેઓમાંની પાંચ મૂર્ખ ને પાંચ બુદ્ધિવાન હતી.
3 કેમકે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી, ત્યારે તેઓએ સાથે તેલ ન લીધું.
4 પણ બુદ્ધિવંતીએ પોતાની મશાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું.
5 અને વરને વાર લાગી એટલામાં તે સર્વ ઝોકાં ખાઇને ઉંઘી ગઇ.
6 અને અરધી રાત્રે બૂમ પડી કે, જુઓ, વર આવે છે, તેને મળવાને નીકળો.
7 ત્યારે તે સઘળી કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મશાલો તૈયાર કીધી.
8 અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીને કહ્યું કે, તમારા તેલમાંથી અમને આપો, કેમકે અમારી મશાલો હોલવાઇ જાય છે.
9 પણ બુદ્ધિવંતીએ ઉત્તર દેતાં કહ્યું કે કદાચને અમને તથા તમને પુરૂં નહિ પડશે, માટે તમે વેચનારાઓની પાસે જાઓ, ને પોતપોતાને સારૂ વેચાતું લો.
10 અને તેઓ વેચાતું લેવા ગઇ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્નજમણમાં ગઇ, ને બારણું બંધ કરવામાં આવ્યું.
11 પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું કે, ઓ સ્વામી, સ્વામી, અમારે સારૂ ઉઘાડ.
12 પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, હું તમને ખચિત કહું છું કે હું તમને નથી ઓળખતો.
13 માટે તમે જાગતા રહો, કેમકે તે દહાડો અથવા ઘડી તમે જાણતા નથી.
14 કેમકે [તેનું આવવું] એક માણસના જેવું છે, જેણે પરદેશ જતાં પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી.
15 એકને તેણે પાંચ હજાર તાલંત, ને બીજાને બે, ને ત્રીજાને એક, હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું; ને તે પરદેશ ગયો.
16 પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને તેથી વેપાર કરીને બીજા પાંચ તાલંત કમાયો.
17 તેમજ જેને બે, તે પણ બીજા બે કમાયો.
18 પણ જેને એક મળ્યો હતો તેણે જઈને ભોંય ખોદીને પોતાના ઘણીનું નાણું દાટી મુક્યું;
19 અને લાંબી મુદ્દત પછી તે ચાકરોનો ઘણી આવે છે, ને તેઓ પાસેથી હિસાબ લે છે.
20 ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજો પાંચ તાલંત પણ લેતો આવ્યો, ને કહ્યું કે, પ્રભુ, તે મને પાંચ તાલંત સોંપ્યા હતા; જો, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો.
21 ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ થયો છે; હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ.
22 અને જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, પ્રભુ, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો.
23 તેના પ્રભુએ તેને કહ્યું કે, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ થયો છે; હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ.
24 પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે, એવો કરડો માણસ મેં તને જાણ્યો.
25 માટે હું બીધો, ને જઈને તારા તાલંતને મેં ભોંયમાં દાટી મુક્યો; જો, જે તારું તે તને પહોંચ્યો છે.
26 અને તેના પ્રભુએ ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે ભુંડા તથા આળસી ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું એમ તું જાણ્યું હતું,
27 તો મારૂં નાણું તારે શાહુકારોને આપવું જોઈતું હતું કે હું આવીને વ્યાજ સુદ્ધાં મારું પામત.
28 એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને આપો.
29 કેમકે જેની પાસે છે તે દરેકને અપાશે, ને તેનું ઘણું થશે; પણ જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઇ લેવામાં આવશે.
30 અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મુકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
31 અને જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.
32 અને સર્વ લોક તેની આગળ એકઠા કરાશે; ને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એક બીજાથી જુદા પાડશે.
33 અને ઘેટાંને તે પોતાને જમણે હાથે. પણ બકરાંને ડાબે હાથે રાખશે.
34 ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, મારા બાપના આશીર્વાદિતો, તમે આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારૂ તૈયાર કીધેલું છે તેનો વારસો લો.
35 કેમકે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખાવાનું આપ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને [પાણી] પાયું; હું પારકો હતો; ત્યારે તમે મને પરોણો રાખ્યો;
36 હું નાગો હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો, ત્યારે તમે મને જોવા આવ્યા; હું કેદમાં હતો, ત્યારે તમે મારી પાસે આવ્યા.
37 ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર દેતાં કહેશે કી, પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવાડ્યું, અથવા તરસ્યો દેખીને પાણી] પાયું?
38 ને ક્યારે અમે તમે પારકો દેખીને પરોણો રાખ્યો, અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યાં?
39 અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઇને તારી પાસે આવ્યા?
40 ત્યારે રાજા ઉત્તર દેતાં તેઓને કહેશે, હું તમને ખચિત કહું છું કે, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કીધું એટલે મને કીધું.
41 પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ઓ શાપિતો, જે સર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને સારૂ તૈયાર કીધેલા છે, તેમાં તમે મારી આગળથી જાઓ.
42 કેમકે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખાવનું આપ્યો નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને [પાણી] પાયું નહિ;
43 હું પારકો હતો, પણ તમે મને પરોણો રાખ્યો નહિ; નાગો હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા કેદમાં હતો, પણ તમે મને જોવા આવ્યા નહિ.
44 ત્યારે તેઓ પણ ઉત્તર દેતાં કહેશે કે, પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો, કે તરસ્યો, કે પારકો, કે નાગો, કે માંદો કે કેદમાં દેખીને તારી સેવા નહિ કીધી?
45 ત્યારે તે તેઓને ઉત્તર દેતાં કહેશે કે, હું તમને ખચિત કહું છું કે, આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કીધું નહિ, એટલે મને કીધું નહિ.
46 અને તેઓ સર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સર્વકાલિક જીવનમાં [જશે].