1 કેમકે આકાશનું રાજ્ય એક ઘરઘણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષવાડીને સારૂ મજુરો પઠવાને મળસકામાં બહાર ગયો.

2 અને તેણે મજુરોની સાથે રોજનું એક દીનાર પઠ્ઠીને પોતાની દ્રાક્ષવાડીમાં તેઓને મોકલ્યા.

3 અને આસરે પોહોર દહાડે ચઢતે બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઉભા રહેલા દીઠા.

4 અને તેણે તેઓને કહ્યું કે, તમે પણ દ્રાક્ષવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ; ત્યારે તેઓ ગયા.

5 વળી આસરે બપોરે તથા ત્રીજા પહોરે બહાર જઈને તેણે તેજ પ્રમાણે કીધું.

6 અને આસરે અગીઆરમી હોરાએ પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઉભા રહેલા દીઠા; ત્યારે તે તેઓને કહે છે, આખો દહાડા તમે કેમ અહીં નવરા ઉભા રહ્યા છો?

7 તેઓ તેને કહે છે કે, કોઇએ અમને મજુરીએ રાખ્યા નથી તે માટે; તે તેઓને કહે છે કે, તમે પણ દ્રાક્ષવાડીમાં જાઓ.

8 અને સાંજ પડી ત્યારે દ્રાક્ષવાડીનો ઘણી પોતાના કારભારીને કહે છે કે, મજુરોને બોલાવ, ને છેલ્લાથી માંડીને પહેલાં સુધી તેઓનું વેતન આપ.

9 અને જેઓને આસરે અગીઆરમી હોરાએ રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો.

10 પછી જેઓ પહેલાં હતા, તેઓ આવીને ધારતા હતા કે અમને વધારે મળશે, ને તેઓને પણ એક એક દીનાર મળ્યો.

11 ત્યારે તે લઈને તેઓએ ઘરઘણી વિરુદ્ધ કચકચ કીધી,

12 ને કહ્યું કે, આ પાછલાઓ માત્ર એકજ કલાક રહ્યા છે, અને તેં તેઓને હમ આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે.

13 પણ તેણે તેઓમાંના એકને ઉતર દેતાં કહ્યું કે, મિત્ર, હું તારો કશો અન્યાય નથી કરતો; શું તેં મારી સાથે એક દીનાર પાઠ્યો નહોતો?

14 તારૂં લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે.

15 જે મારૂં જે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ ભુંડી છે શું?

16 એમ જે છેલ્લા તેઓ પહેલાં, ને જે પહેલાં તેઓ છેલ્લા થશે.

17 અને ઇસુએ યરુશાલેમ જતાં, રસ્તે શિષ્યોને એકાંતમાં લઇ જઈને તેઓને કહ્યું કે,

18 જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ, ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે, ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે.

19 અને ઠઠ્ઠા મશ્કરી કરવાને, તથા કોરડા મારવાને તથા વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપશે; ને ત્રીજે દહાડે તે પાછો ઉઠાડાશે.

20 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તથા પગે લાગીને તેનીકને કંઈ માગ્યું.

21 અને તેણે તેને કહ્યું કે, તું શું ચાહે છે? તે તેને કહે છે કે, મા મારા બે દીકરા તારા રાજ્યમાં, એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબો હાથે બેસે, એવી આજ્ઞા તું કરે.

22 પણ ઇસુએ ઉત્તર દેતાં કહ્યું કે, તમે જે માગો છો તે તમે સમજતાં નથી; જે વાટકો હું પીવાનો છું તે તમે પી શકો છો? તેઓ તેને કહે છે કે, અમે પી શકીએ છીએ.

23 તે તેઓને કહે છે કે, તમે મારો વાટકો પીશો ખરા, પણ તેઓને સારૂ મારા બાપે સિદ્ધ કીધેલું છે તેઓ વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી.

24 અને દસે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બે ભાઇ પર ગુસ્સે થયા.

25 પણ ઇસુએ તેઓને પાસે તેડીને કહ્યું કે, તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ઘણીપણું કરે છે, ને જે મોટા છે તેઓ એઓના પર અધિકાર ચલાવે છે.

26 પણ તમારામાં એવું ન થાય; પણ તમારામાં જે કોઇ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય;

27 ને જે કોઇ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય.

28 જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.

29 અને તેઓ યેરેખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો જથો તેની પાછળ ચાલ્યો.

30 અને જુઓ, બે આંધળા રસ્તાની કોરે બેઠા હતા, તેઓએ ઇસુનું પાસે થઈને જવાનું સાંભળીને બૂમ પાડતાં કહ્યું કે, ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર.

31 અને લોકે તેઓને ધમકાવ્યા કે છાના રહો, પણ તેઓએ વિશેષ બૂમ પાડતાં કહ્યું કે, ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કર.

32 ત્યારે ઇસુએ ઉભા રહીને તેઓને તેડીને કહ્યું કે, હું તમારે વાસ્તે શું કરૂં, તમારી શી ઈચ્છા છે?

33 તેઓ તેને કહે છે કે, પ્રભુ, અમારી આંખો ઉઘડી જાય.

34 ત્યારે ઇસુને દયા આવી, ને તે તેઓની આંખો અડક્યો, ને તરત તેઓ દેખતા થયા; ને તેઓ તેની પાછળ ચાલ્યા.