1 પછી તેણે પોતાના બાર શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા હરેક તરેહનો મંદવાડ તથા હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યો.
2 અને તે બાર પ્રેરિતનાં નામ આ છે; પહેલો સીમોન જે પીતર કહેવાય છે તે, ને તેનો ભાઇ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, તથા તેનો ભાઇ યોહાન;
3 ફિલિપ તથા બારથલમુ; થોમા તથા માત્થી દાણી; આલફીનો દીકરો યાકુબ, તથા થાદી;
4 સીમોન કનાની, તથા યહુદા ઇસકારીઓત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો.
5 ઇસુએ તે બારોને મોકલીને એવી આજ્ઞા અઆપી કે, તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમારીઓના કોઇ નગરમાં ન પેસો;
6 પણ તે કરતાં ઇસ્રાએલના ઘરનાં ખોવાએલાં ઘેટાંની પાસે જાઓ.
7 અને તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
8 માંદાઓને સાજા કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મુએલાંઓને ઉઠાડો, ભૂતોને કાઢો, તમે મફત પામ્યા, મફત આપો.
9 સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો.
10 મુસાફરીને સારૂ જોણ્ણું અથવા બે અંગરખા, અથવા જોડા, અથવા લાકડી પણ ન લો; કેમકે મજુર પોતાના પોષણ યોગ્ય છે.
11 અને જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ને ત્યાંથી નીકળતાં સુધી તેણે ત્યાંજ રહો.
12 અને ઘરમાં જઈને તેનાંને સલામ કહો.
13 અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવે, પણ જો તે યોગ્ય ન હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવે.
14 અને જો કોઇ તમારો આવકાર નહિ કરે, ને તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તમારા પગ પરથી ધૂળ ખંખેરો.
15 હું તમને ખચિત કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.
16 જુઓ, વરૂઓમાં ઘેટાં સરખા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.
17 અને તમે માણસોથી સાવધાન રહો; ક્કેમકે તેઓ તમને ન્યાયસભામાં સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.
18 અને મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ તેઓને તથા વિદેશીઓને સાક્ષીને અર્થે લઇ જવાશો.
19 પણ જયારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે શી તરેહ અથવા શું બોલીએ.કેમકે શું બોલવું તે તેજ ઘડી તમને અપાશે.
20 કેમકે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા બાપનો જે આત્મા તે તમારામાં બોલે છે.
21 અને ભાઇ ભાઇને તથા બાપ દીકરાને મરણને સારૂ સોંપશે, ને છોકરાં માબાપની સાથે ઉઠશે, ને તેઓને મારી નંખાવશે.
22 અને મારા નામને સારૂ સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઇ અંત સુધી ટકશે તે તારણ પામશે.
23 અને જયારે તેઓ એક નગરમાં તમારી પુઠે લાગે ત્યારે તમે બીજામાં નાસી જાઓ, કેમકે હું તમને ખચિત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇસ્રાએલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.
24 ચેલો ગુરૂ કરતાં મોટો નથી, ને દાસ પોતાના શેઠ કરતાં મોટો નથી.
25 ચેલો પોતાના ગુરૂ સરખો, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તેજ ઘણું છે. જો તેઓએ ઘરના ઘણીને બાલઝબુલ કહ્યા છે, તો તેના ઘરનાં લોકોને કેટલું વિશેષે કરીને એમજ કહેશે?
26 તે માટે તેઓથી તમે બીહો મા, કેમકે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, ને પ્રગટ નહિ થશે એવું કંઈ ગુપ્ત નથી.
27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.
28 અને શરીરને જે મારી નાખે છે, પણ આત્માને મારી શકતાં નથી, તેઓથી બીહો માં; પણ એ કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નરકમાં કરી શકે છે તેનાથી બીહો.
29 પૈસાની બે ચલ્લી વેચાતી નથી શું? તોપણ તમારા બાપ [ની ઈચ્છા] વગર તેમાંથી એક ભોંય પર પડનાર નથી.
30 અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે.
31 તે માટે બીહો માં; ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
32 માટે માણસોની આગળ જે કોઇ મને કબુલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના બાપની આગળ કબુલ કરીશ.
33 પણ માણસોની આગળ જે કોઇ મારો નકાર કરશે, તેનો નકાર હું પણ મારા આકાશમાંના બાપની આગળ કરીશ.
34 પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો; શાંતિ નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું.
35 કેમકે માણસને તેના બાપની સામો, તથા દીકરીને તેની માંની સામી, તથા વહુને તેની સાસુની સામી ફેરવવાને હું આવ્યો છું.
36 અને માણસના વૈરી તેના ઘરમાંનાજ થશે.
37 જે મારા કરતાં બાપ અથવા મા પર વત્તી પ્રીતિ કરે છે, તે મારે યોગ્ય નથી.
38 અને જે પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી;
39 જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખોય છે તે તેને બચાવશે.
40 જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો આવકાર કરે છે.
41 ભવિષ્યવાદીને નામે ભવિષ્યવાદીનો આવકારે જે કરે છે, તે ભવિષ્યવાદીનું ફળ પામશે; ને ન્યાયીને નામે ન્યાયીનો આવકાર જે કરે છે તે ન્યાયીનું ફળ પામશે.
42 અને હું તમને ખચિત કહું છું કે શિષ્યને નામે જે કોઇ આ નાનામાંના એકને માત્ર ટાઢા પાણીનું પ્યાલું પીવાને આપશે તેનું ફળ તે નહિજ ખોશે.