1 આને વિશ્રામવાર વિતી ગયા પછી મરિયમ માગદાલેણ તથા યાકુબની મા મરિયમ તથા સાલોમે, એઓએ સુગંધી વસ્તુઓ વેચાતી લીધી, એ માટે કે તેઓ આવીને તેને ચોળે.

2 અને અઠવાડિયાને પહેલે દહાડે મોટે પરોઢીએ, સુરજ ઉગતે, તેઓ કબરે આવે છે.

3 અને તેઓ મહોમાંહે કહેતી હતી કે, આપણે વાસ્તે કબરના મ્હો આગળથી પત્થર કોણ ગબડાવશે.

4 અને તેઓ નજર ઉંચી કરીને જુએ છે કે, પત્થર ગબડી ગયો છે; કેમકે તે બહુ મોટો હતો.

5 અને તેઓએ કબરમાં પેસીને સફેદ જામો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો, ને તેઓ અચરત થઇ.

6 પણ તે તેઓને કહે છે કે, અચરત ન થાઓ; વધસ્તંભે જડાયલા ઇસુ નાઝારીને તમે શોધો છે; તે ઉઠ્યો છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેને મુક્યા હતો તે આ છે.

7 પણ તમે જાઓ, તેના શિષ્યોને તથા પીતરને કહો કે, તે તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેણે તમને કહ્યું તેમ તમે ત્યાં તેને જોશો.

8 અને તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઇ; કેમકે તેઓને ધ્રુજરી તથા અચંબો લાગ્યાં હતાં; ને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમકે તેઓ બીધી હતી.

9 હવે અઠવાડિયાના પહેલાં દહાડાને પ્રભાતે તે પાછો ઉઠને મરિયમ માગદાલેણ, જેનામાંથી તેણે સાત ભૂત કાઢ્યાં હતાં. તેને તે પહેલાં દેખાયો.

10 જેઓ તેની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રૂદન કરતાં હતા, ત્યારે તેણીએ તેઓની પાસે જઈને ખબર આપી.

11 અને તે જીવતો છે, ને તેણીના જોવામાં આવ્યો છે, એ સાંભળીને તેઓએ માન્યું નહિ.

12 અને એ પછી તેઓમાંના બે જણ ચાલતા ગામડે જતાં હતા, એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયો.

13 અને તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું, ને તેઓએ પણ તેઓનું માન્યું નહિ.

14 અને ત્યાર પછી અગિયાર જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયો; ને તેણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો દીધો; કેમકે તે પાછો ઉઠ્યા પછી જેઓએ તેને જોયો હતો, તેઓનું તેઓએ માન્યું ન હતું.

15 અને તેણે તેઓને કહ્યું કે, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્ત્તા પ્રગટ કરો.

16 જે વિશ્વાસ કરે છે તથા બાપ્તિસ્મા લે છે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.

17 અને વિશ્વાસ રાખનારાઓની સંઘાતે આ ચમત્કારો થશે; મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે,

18 સર્પોને ઉઠાવી લેશે, ને જો તેઓ કંઈ ઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ ઇજા થશે નહિ; તેઓ માંદાઓ પર હાથ મુકશે, ને તેઓ સાજા થશે.

19 ત્યારે પ્રભુ ઇસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લેવાયો, ને દેવને જમણે હાથે બેઠો.

20 અને તેઓએ ત્યાંથી જઇને બધે ઠેકાણે સુવાર્ત્તા પ્રગટ કીધી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય આપતો, ને સંઘાતે થએલા ચમત્કારોથી સુવાર્ત્તા [ની સત્યતા] સાબિત કરતો હતો. આમેન.