1 આને એમ થયું કે તે દિવસોમાં કાઈસાર ઔગસ્તસથી એવો ઠરાવ બહાર પડ્યા કે, સર્વ દેશોના લોકનાં નામ નોંધાય.

2 કુરેનિયસ સુરિયાનો હાકેમ હતો, તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણત્રી થઇ હતી.

3 અને પોતાના નામ નોંધાવવા સારૂ બધાં પોતપોતાના શહેરમાં ગયાં.

4 અને યુસફ પણ ગાલીલના નાઝારેથ શહેરમાંથી યહુદાહ મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,

5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવીશાળી વહુ મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમકે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.

6 અને એમ થયું કે તેઓ ત્યાં હતાં એટલામાં તેના જણવાના દહાડા પુરા થયા.

7 અને તેણી પોતાનો પ્રથમ દીકરો જણી; અને તેને લુગડે લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારૂ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.

8 અને તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાને સાચવતા હતા.

9 અને પ્રભુનો એક દૂત તેઓની પાસે ઉભો રહ્યો, ને પ્રભુનું ગૌરવ તેઓની આસપાસ પ્રકાશ્યું, ને તેઓ ઘણા ભયભીત થયા.

10 અને દૂતે તેઓને કહ્યું કે બીહો માં; કેમકે, જુઓ, હું મોટા આનંદથી સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકને સારૂ થશે;

11 કેમકે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર, એટલે ખ્રિસ્ત બ્રભુ જનમ્યો છે.

12 અને તમારે સારૂ એ નિશાની છે કે, તમે એક બાળકને લુગડે લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો.

13 અને એકાએક દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય પ્રકટ થયો; તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે,

14 પરમ ઉંચામાં દેવને મહિમા, તથા પૃથ્વીમાં જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ.

15 અને એમ થયું કે દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી, તે ઘેટાંપાળકોએ એક બીજાને કહ્યું કે, ચાલો, હવે આપણે બેથલેહેમ જઈને, ને આ થએલી વાત જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.

16 અને તેઓ ઉતાવળથી ગયા, ને મરિયમને તથા યુસફને તથા ગભાણમાં સુતેલા બાળકને દીઠાં.

17 અને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ જાહેર કીધી.

18 અને જે વાતો ઘેટાંપાળકોએ તેમને કહી, તેથી સઘળા સાંભળનારાઓ અચરત થયા,

19 પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને તેઓ વિષે વિચાર કરતી.

20 અને ઘેટાંપાળકોએ જેમ તેઓને કહેવામાં આવ્યું હતું તેં તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.

21 અને આઠ દહાડા પુરા થયા પછી તેની સુનંત કરવાનો વખત આવ્યો, ત્યારે તેનું નામ ઇસુ પાડ્યું, કે જે નામ તે પેટે રહ્યો ત્યાર પહેલાં દૂતે પાડ્યું હતું.

22 અને મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણ દિવસ પુરા થયા,

23 ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે, કે પેહેલો અવતરેલો દરેક નાર પ્રભુને સારું પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ હાજર કરવાને,

24 તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબુતરનાં બે બચ્ચાંનો યજ્ઞ કરવા સાર, તોઓ તેને યરુશાલેમમાં લાવ્યાં.

25 અને જુઓ, શિમઓન નામે એક માણસ યરુશાલેમમાં હતો, અને તે માણસ ન્યાયી તથા ધાર્મિક હતો, ને ઇસ્રાએલના દિલાસાની વાટ જોતો હતો, ને પવિત્ર આત્મા તેના પર હતો.

26 અને પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, પ્રભુના ખ્રીસ્તને જોયા પહેલાં તું મોત નહિ દેખે.

27 અને તે આત્મા[ની પ્રેરણા]થી મંદિરમાં આવ્યો, ને નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે બાળક ઇસુ વિષે કરવા સારૂ, તેનાં માબાપ તેને માંહે લાવ્યા,

28 ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું કે,

29 ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિએ જવા દે;

30 કેમકે મારી આંખોએ તારું તારણ દીઠું છે,

31 જેણે સર્વ લોકની સન્મુખ તે સિદ્ધ કીધું છે;

32 વિદેશીઓને પ્રકાશ આપવા સારૂ, તથા તારા ઇસ્રાએલી લોકોનો મહિમા થવા સારૂ તે અજવાળું છે.

33 અને તેના સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી માબાપ અચરત થતાં હતાં.

34 અને શિમઓને તેઓને આશીર્વાદ દીધો, અને તેની માં મરિયમને કહ્યું કે , જો, આ બાળક ઇસ્રાએલમાંના ઘણાના પડવા, તથા પાછા ઉઠવા સારૂ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેવી નિશાની થવા સારું ઠરાવેલો છે.

35 હા, ને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનની કલ્પના પ્રગટ થાય.

36 અને આશેરના કુળની ફાનુએલની દીકરી આન્ના નામે, એક ભવિષ્યવાદેણ હતી, તે ઘણી વૃદ્ધ થઇ હતી, તે પોતાના કુંવારાપણા પછી પોતાની વરની સાથે સાત વરસ સુધી રહેલી હતી,

37 ને તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી ખસતી ન હતી, ને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓસહિત તે ભક્તિ કર્યા કરતી.

38 અને તેણે તેજ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કીધી, ને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની વાત જોતા હતા તે સઘળાને તેના સંબંધી વાત કરી.

39 અને તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચુક્યા પછી પછી ગાલીલમાં પોતાના શહેર નાઝારેથમાં પાછાં ગયા.

40 અને તે છોકરો મોટો થયો, ને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, ને દેવની કૃપા તેના પર હતી.

41 અને તેનાં માબાપ વરસોવરસ પાસ્ખાપર્વમાં યરૂશાલેમ જતા હતાં.

42 અને તે બાર વરસનો થયો, ત્યારે તેઓ પર્વની રીત પ્રમાણે ત્યાં ગયા.

43 અને [પર્વ]ના દિવસો પુરા કરીને તેઓ પાછાં જવા લાગ્યાં, ત્યારે છોકરો ઇસુ યરુશાલેમમાં પછવાડે રહ્યો, ને તેનાં માબાપને તેની ખબર ન પડી.

44 પણ તે સંઘમાં છે, એમ ધરીને તેઓએ એક મજલ ગયા પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં તેને શોધ્યો.

45 અને તે તેઓને જડ્યો નહિ, ત્યારે તેઓ તેને શોધતા શોધતા યરુશાલેમમાં પાછા ગયા.

46 અને એમ થયું કે ત્રણ દહાડા પછી તેઓએ તેને મંદિરમાં ધર્મશિક્ષકોની વચમાં બેઠેલો તેઓનું સંભાળતો તથા તેઓને સવાલો પૂછતો દીઠો.

47 અને જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની સમજણથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા.

48 અને તેને જોઇને તેઓ અચરત પામ્યા; ને તેની માએ તેને કહ્યું કે, દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા બાપે તથા મેં દુઃખી થઈને શોધ કીધી.

49 અને તેણે તેઓને કહ્યું કે,, તમે મારી શોધ શા માટે કીધી? શું તમે જાણતા નહોતાં ક મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ?

50 અને જે વાત તેણે તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.

51 અને તે તેઓની સાથે ગયો, ને નાઝારેથમાં આવ્યો, ને તે તેઓને આધીન રહ્યો, ને તેની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.

52 અને ઇસુ જ્ઞાનમાં તથા કદમાં, ને દેવની તથા માણસની પ્રસન્નતામાં વધતો ગયો.