2 અને યહોવાહે ગિદઓને કહ્યું, તારી સાથેના લોકો એટલા બધા છે તેથી હું મીદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી, રખે ઇસ્રાએલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.

3 માટે હવે તું જા, અને લોકોને જાહેર કરતાં કહે કે, જે કોઇ ભયભીત તથા ધ્રુજતા હોય, તેઓ ગિલઆદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય; ને લોકોમાંથી બાવીસ હજાર પાછા ગયા; ને દસ હજાર રહ્યા.

4 અને યહોવાહે ગિદઓને કહ્યું, લોક હજી પણ વધારે છે; તેઓને પાણીની પાસે લાવ, ને હું તારે સારૂ ત્યાં તેઓની પરીક્ષા કરીશ; ને એમ થશે કે, જેનાં સંબંધી હું તને કહું, ફલાણો તારી સાથે નહિ જશે, તેજ ન જાય.

5 એ માટે લોકોને તે પાણીની પાસે લાવ્યો; ને યહોવાહે ગિદઓનને કહ્યું, પ્રત્યેક જણ જે કુતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને જુદો કાઢ; ને પ્રત્યેક જણ જે પાણી પીવા સારૂ ઘૂંટણીએ પડીને ઉબ્દો વળે, તેને પણ તેમજ કર.

6 અને તે લોકો મ્હોડે હાથ લગાડીને પાણી લખલખાવ્યું, તેઓની ગણત્રી ત્રણસે ની હતી; pપણ બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડીને ઉબ્ડા વળ્યા હતા.

7 અને યહોવાહે ગિદઓનને કહ્યું, જે ત્રણસે માણસે પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ; ને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ; ને બીજા સર્વ માણસ પોતપોતાની જગ્યાએ જાય.

8 તે માટે લોકોએ પોતાનું ભાથું તથા પોતાના રણશિંગડા પોતાના હાથમાં લીધા; ને તેણે સર્વ ઇસ્રાએલીઓને, પોતપોતાના તંબુએ મોકલી દીધા, પણ તે ત્રણસેં માણસોને પોતાની પાસે રાખ્યા; ને મિદ્યાનની છાવણી તેની નીચેના મેદાનમાં હતી.

9 અને તેજ રાત્રે એમ થયું કે, યહોવાહે તેને કહ્યું કે, ઉઠ, છાવણીમાં ઉતરી પદ; કેમકે તારા હાથમાં મેં તે સોંપી છે.

10 પણ જો તું જતાં બીતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણી આગળ ઉતરી પડો;

11 ને તેઓ જે કહે તે સાંભળ; ને પછી છાવણીમાં ઉતરી પડવાને તારો હાથ બળવંત થશે. ત્યારે તે તથા તેનો દાસ પુરાહ સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.

12 અને મીદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા સર્વ પૂર્વ દિશાના લોકો મેદાનની અંદર સંખ્યામાં તીડની માફક પડેલા હતા; અને તેઓના ઉંટ સંખ્યામાં સમુદ્રના કાંઠાની રેતીની પેઠે અગણિત હતાં.

13 અને ગિદઓન ત્યાં આવ્યો, ત્યારે જુઓ, ત્યાં આગળ એક માણસ પોતાનાં મિત્રને એક સ્વપ્ન કહી સંભળાવતો હતો, ને કહેતો હતો કે, જો, મને એક સ્વપ્ન આવ્યું, ને, જો, જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ઘસી પડી, ને એક તંબુની પાસે આવીને, તેણે તેને એવો માર્યો કે તે પડ્યો, ને તેને એવો ઉથલાવી નાખ્યો કે તે તંબુ જમીનદોસ્ત થયો.

14 અને તેના સાથીએ ઉત્તર આપીને કહ્યું, ઇસ્રાએલના માણસ યોઆશના દીકરા ગિદઓનની તરવાર વગર એ બીજું કંઈ નથી; મિદ્યાનને તથા તેના સર્વ સૈન્યને દેવે તેના હાથમાં સોંપ્યો છે.

15 અને જયારે ગિદઓને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યા, ત્યારે એમ થયું કે, તેણે આરાધના કીધી, ને ઇસ્રાએલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, ઉઠો; કેમકે યહોવાહે મિદ્યાનના સૈન્યને તમારા હાથમાં સોંપ્યું છે.

16 અને તે ત્રણસેં માણસોની તેણે ત્રણ ટુકડીઓ કરી, ને તેઓ સઘળાના હાથમાં રણશિંગડા, તથા ખાલી ઘડા, તથા ઘડામાં દીવા આપ્યાં.

17 અને તેણે તેઓને કહ્યું, તમે મારી તરફ નજર રાખીને, હું કરૂં તેમ કરજો; અને, જુઓ, જયારે હું છાવણીના સૌથી છેવાડા ભાગ આગળ પહોંચું, ત્યારે એમ થાય કે, જેવું હું કરૂં તેવું તમે પણ કરજો.

18 હું તથા મારી સાથેના સર્વ લોક જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડા વગાડીને કહેજો, યહોવાહની તથા ગિદઓનની જે!

19 એમ ગિદઓન તથા તેની સાથેના સો માણસ વચલા પહોરના આરંભમાં, છાવણીના સૌથી છેવાડા ભાગ આગળ આવ્યા; તે વખતે માત્ર થીડીજ વાર ઉપર નવો પહેરો મુક્યો હતો; ને તેઓએ રણશિંગડા વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા.

20 અને ત્રણે ટુકડીઓએ રણશિંગડા વગાડ્યા, તથા ઘડા ફોડ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાના રણશિંગડા લઈને તેઓએ એવા લલકાર કીધો કે, યહોવાહની તથા ગિદઓનની તરવારની જે!

21 ને સર્વ માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારોગમ ઉભા રહ્યા; ને સર્વ સૈન્ય નાઠું; ને તેઓએ હોકારો પાડીને [તેમને] નસાડી મુક્યા.

22 અને તેઓએ તે ત્રણસેં રણશિંગડા વગાડ્યા, અને યહોવાહે પ્રત્યેક માણસની તરવાર પોતાના સાથીની સામે, તથા આખા સૈન્યની સામે લાગુ કરી; અને સૈન્ય સરેરાહ તરફ બેથ-શિટ્ટાહ સુધી, તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાહની સરહદ સુધી નાઠું.

23 અને નાફતાલી તથા આશેર તથા આખા મનાશ્શેહમાંથી ઇસ્રાએલના માણસો એકત્ર થઈને મિદ્યાનીઓની પછવાડે લાગ્યા.

24 અને ગિદઓને એ વાત કહેવાને એફ્રાઈમના આખા પહાડી મુલકમાં સંદેશીઆ મોકલીને કહેવડાવ્યું કે, તમે મીદ્યાનીઓ પર ઘસી આવો, ને તેઓથી અગાઉ બેથ-બારાહ લગી [જઈને] યરદનના પાણી આંતરો.માટે એફ્રાઈમના સર્વ માણસો એકઠા થઈને, યરદનના પાણી બેથ-બારાહ લગી આંતર્યો.

25 અને ઓરેબ તથા ઝએબ નામે મીદ્યાનના બે સરદારોને તેઓએ પકડ્યા; ને તેઓએ ઓરેબ ખડક આગળ ઓરેબને મારી નાખ્યા, ને ઝએબના દ્રાક્ષકુંડની પાસે ઝબેનને મારી નાખ્યો, ને તેઓ મીદ્યાનની પછવાડે લાગ્યા; ને તેઓ ઓરેબ તથા ઝએબનાં માથા યરદનને પેલે પાર ગિદઓનની પાસે લાવ્યા.