1 યહોવાનો સ્વર્ગદૂત ગિલ્ગાલથી બોખીમમા ગયો અને કહ્યું કે, "હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો, જે દેશ તમારા પિતૃઓને આપવા મેં સમ ખાધા હતા તે દેશમાં તમને લાવ્યો છું; મેં કહ્યું હતું કે, તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહી.
2 તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો; તેઓની વેદીઓ તોડી નાખો.' પણ મારી વાણી તમે સાંભળી નહી; તમે એમ કેમ કર્યું છે?
3 અને હવે હું કહુંછુ કે, હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહિ ; પણ તેઓ તમારી આજુબાજુ[કાંટારૂપ] થશે, અને તેઓના દેવો તમને ફાંદારૂપ થશે'".
4 અને ઈશ્વરના સ્વર્ગ દૂતે ઇઝરાયલપુત્રોને એ વાતો કહી, ત્યારે એમ થયું કે, લોકો પોક મુકીને રડ્યા.
5 અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું; ને ત્યાં યહોવાને સારૂ તેઓએ યજ્ઞ કર્યો.
6 હવે યહોશુઆએ લોકોને વિદાય કર્યા પછી, દેશનો વારસો લેવાને ઇઝરાયલના સર્વ માણસો દેશ નો વારસો લેવા ને પોતપોતાના વતનમાં ગયા.
7 યહોશુઆની આખી જિંદગી સુધી તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા હતા અને જેઓએ ઇઝરાયલને સારૂ જે સર્વ મોટાં કામ ઈશ્વરે કર્યાં હતાં તે જોયા હતાં તેથી લોકોએ યહોવાની સેવા કરી.
8 નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, એક સો દસ વર્ષનો થઈને મરી ગયો.
9 ગાશ પર્વતની ઉત્તર બાજુએ, એફ્રાઈમના પહાડી મુલકમાં તેના વતનની સરહદની અંદર, એટલે તિમ્નાથ-હેરેસમાં, તેઓએ તેને દાટ્યો.
10 તે પેઢીના બધા માણસો પણ પોતાના પૂર્વજો સાથે મળી ગયા ને એવી પેઢી તેઓની પછી ઉત્પન્ન થઇ કે જે ઈશ્વરને તથા ઇઝરાયલને સારૂ તેણે જે કામો કર્યા હતા તે પણ જાણતી નહોતી.
11 અને ઇઝરાયલએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું ને બઆલની સેવા કરી.
12 તેઓએ ઈશ્વરનો ત્યાગ કર્યો જે તેઓના પૂર્વજોનો દેવ, જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યો હતો, તેનો ત્યાગ તેઓએ કીધો ને અન્ય દેવોની એટલે તેઓની ચારેતરફના લોકોનાં દેવોની ઉપાસના કરીને તેઓએ ઈશ્વરને રોષ ચઢાવ્યો.
13 તેઓએ ઈશ્વરને તજીને બઆલ તથા અશ્તારોથની ઉપાસના કરી.
14 ઈશ્વરનો કોપ ઈઝરાયલ પર સળગ્યો ને તેણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યાં. અને તેઓએ તેમને પાયમાલ કર્યા અને તેણે તેઓને તેઓની ચરોગમ શત્રુઓના હાથમાં સોપી દીધા કે, તેથી તેઓ શત્રુઓની સામે કદી ટકી શક્યા નહિ.
15 જ્યાં કંઈ ઇઝરાયલ લડાઈ માટે ગયા, ત્યાં ઈશ્વરનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું, જેમ તેણે તેઓ પ્રત્યે સમ ખાધા હતા.અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા.
16 ત્યારે ઈશ્વરે ન્યાયાધીશ ઉભા કર્યા, કે જેઓએ તેઓને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવ્યા.
17 તો પણ તેઓએ પોતાના ન્યાયાધીશોનું સાંભળ્યું નહિ, તેઓ ઈશ્વર ને વિશ્વાસુ ન હતા અને અન્ય દેવો ની ઉપાસના કરી ; તેઓ તેઓના પૂર્વજો ના માર્ગ માંથી જલદી ભટકી ગયા-જેમણે ઈશ્વરની આજ્ઞા પાડી હતી. એમણે તેઓની પેઠે કર્યું નહિ.
18 જયારે ઈશ્વરતેઓને સારૂ ન્યાયાધીશો ઉભા કરતો હતો, ત્યારે ઈશ્વર તે ન્યાયાધીશની મદદ કરતો હતો ને તે ન્યાયાધીશોના સર્વ દિવસો સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને બચાવતો હતો; કેમકે જેઓ તેમના ઉપર જુલમ કરતાં હતા ને તેમને દુઃખ દેતાં હતા, તેઓના [જુલમને] લીધે તેઓના જે નિસાસા, તેને લીધે ઈશ્વર ને દયા આવી.
19 પણ ન્યાયાધીશના મરણ પછી , તેઓ પાછા ફરી જતાં અને અન્ય દેવોની સેવા કરવાને, તથા તેઓની ઉપાસના કરીને પોતાના પૂર્વજો કરતાં વધારે ભ્રષ્ટ થતા; તેઓ પોતાના દુષ્ટ કામો તથા હઠીલા રસ્તા છોડ્યા નહિ.
20 ઈશ્વર નો કોપ ઇઝરાયલ પર વિરુદ્ધ હતો; તેણે કહ્યું ," કારણકે આ દેશે મેં જે કરાર એ લોકોનાં પિતૃઓ સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે, કારણકે તેઓએ મારી વાણી સાંભળી નથી,
21 યહોશુઆએ મરતી વેળાએ જે દેશજાતિઓને રહેવા દીધી હતી, તેઓમાંની કોઈને હું પણ હવે પછી તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ;
22 હું આ કરીશ જેથી હું ઇઝરાયેલની પરીક્ષા કરુ, જેમ તેઓના પિતૃઓએ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા, તેમ તેઓ તે પાળીને તેમાં ચાલશે કે નહિ.
23 તે માટે ઈશ્વરે તે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મુકતાં રહેવા દીધી, તેથી યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહિ.