1 અને યાકૂબે તેના દીકરાઓને બોલાવ્યા, ને કહ્યું, તમે એકઠા થાઓ એ છેલ્લા દિવસોમાં તમને જે વિતશે તે હું તમને પ્રસિદ્ધ કરૂં.
2 યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ, ને સાંભળો. ને તમારા બાપ ઇસ્રાએલની વાતને કાન ધરો.
3 રેઉબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારૂં બળ તથા મારા પુરૂષત્વનું પ્રથમ ફળ; મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે.
4 પાણી જેવો અસ્થીર હોવાથી તું ઉત્તમતા નહિ પામશે, કેમકે તું તારા બાપના પથારીએ ગયો, ને તેને ભ્રષ્ટ કીધી; મારે બિછાને તે ચઢ્યો.
5 શિમઓન તથા લેવી ભાઇ છે, તેઓની તરવારો બળાત્કારના હથિયારો છે.
6 મારા જીવ, તેઓની સભામાં ન જા, મારા ગૌરવ, તું તેઓની મદલીમાં સામેલ ન થા. કેમકે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યું, ને ઉન્મત્તાઈથી બળદની નસ કાપી તેને લંગડો કર્યો.
7 તેઓનો ક્રોધ શ્રાપિત, કેમકે તે વિક્રાળ હતો, ને તેઓનો રોષ શ્રાપિત, કેમકે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જૂદા પાડીશ, ને ઇસ્રાએલમાં તેઓને વિખેરી નાખીશ.
8 યહૂદાહ, તારા ભાઇ તારા વખાણ કરશે; તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા બાપના પુત્ર તારી આગળ પ્રણામ કરશે.
9 યહુદાહ સિંહનું બચ્ચું છે; મારા દીકરા, ત શિકાર પરથી આવ્યો છે. તે સિંહની પેઠે, તથા સિંહણની પેઠે દબાયો, તે ડાબી બેઠો, કોણ તને ઉઠાડશે?
10 શીલોહ આવે ત્યાં સુધી યહૂદાહમાંથી રાજદંડ ખસશે નહિ; ને તેના પગો મધ્યેથી અધિકારની છડી જશે નહિ, ને લોકો તેને આધીન રહેશે.
11 તેણે પોતાનો વછેરો દ્રાક્ષવેલે બાંધીને, પોતાની ગધેડાનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષવેલે બાંધીને, પોતાના વસ્ત્ર દ્રાક્ષરસમાં ધોયાં છે; ને પોતાનો પોશાક દ્રાક્ષનો રસરૂપી રક્તમાં ધોયો છે.
12 દ્રાક્ષરસને લીધે તેની આંખો રાતી, ને ધૂધે કરીને તેના દાંત શ્વેત થશે.
13 ઝબુલૂન સમુદ્રને કાંઠે રહેશે; તે વહાણોને સારૂ બંદર થશે; ને તેની સીમ સીદોન લગી થશે.
14 યિસ્સાખાર બલવંત ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે બેઠો છો;
15 અને તેણે જોયું કે આરામ તે સારો છે, ને ભૂમિ તે સુખદાયક; ને તેણે ભાર લેવાને ખાંધ ધરી; ને વેઠ કરનારો દાસ થયો.
16 ઇસ્રાએલના એક કુળના સરખો, દાન પોતાના લોકોનો ન્યાય કરશે.
17 દાન માર્ગમાં સર્પ જેવો, રસ્તામાં ઉડતા સર્પ જેવો થશે. તે ઘોડાની એડી એવી કરડશે, કે તેનો સવાર પાછો પડશે.
18 ઓ યહોવાહ, મેં તારી તારણની વાટ જોઈ છે.
19 ગાળ, એક ટુકડી તેને દબાણ કરશે, તો પણ તે તેમની એડી દબાવશે.
20 આશેર, તેની રોટલી પુષ્ટિકારક થશે; ને તે રાજ મિષ્ટાન્ન આપશે.
21 નાફતાલી છુટી મુકેલી સાબરી, તે ઉત્તમ શબ્દો આપે છે.
22 યુસફ ફળદ્રુપ ડાળ, ઝરા પાસેની ફળવંત ડાળ; તેની ડાંખળી ભીંત પર ચઢી જાય છે.
23 તિરંદાજોએ તેને બહુ દુઃખ દીધું, ને તીર ફેંક્યો, ને તેને સતાવ્યો;
24 પણ તેનું ધનુષ્ય બળમાં રહ્યું; ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી, તેના ભુજ બળવાન કરાયા, ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇસ્રાએલનો ખડક થયો.
25 તારા પિતાનો દેવ જે તારી સહાયતા કરશે તેનાથી, તથા સર્વ શક્તિમાન દેવ જે ઉપરના આકાશના આશીર્વાદોથી તથા નીચેના ઉંડાણના અશીર્વાદોથી, સ્તનના તથા ગર્ભસ્થાનના અશીર્વાદોથી તને અશીર્વાદિત કરશે, તેનાથી તું બળવાન કરાશે.
26 તારા બાપના આશીર્વાદ મારા પિતૃના આશીર્વાદો કરતાં અતિ મોટા થયા છે, અને અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે; ને એઓ યુસફના શિર પર, તથા જે તેના ભાઇઓથી જૂદો કરાએલો, તેના મસ્તક પર રહેશે.
27 બિન્યામીન ફાડી ખાનાર વારૂ જેવો છે; સવારે તે શિકાર ખાશે; ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.
28 એ સર્વ ઇસ્રાએલના બાર કુળ છે; ને તેઓના બાપે તેઓને જે કહ્યું, ને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે; પ્રત્યેકને પોતપોતાના આશીર્વાદ પ્રમાણે તેઓને આશીર્વાદ આપ્યો.
29 અને તેણે તેઓને આજ્ઞા આપી કે, હું મારા લોકોં જઈ મળવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે,
30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલાહ ખેતરમાં જે ગુફા એક્રોન હિત્તીના ખેતર સુદ્ધાં ઇબ્રાહીમે કબરસ્થાનને સારૂ વેચાતી લીધી છે તેમાં મને દાટજો.
31 ત્યાં ઇબ્રાહીમ તથા તેની બાયડી સારાહને દાટ્યા; ત્યાં ઇસહાક તથા તેની બાયડી રિબ્કાહને દાટ્યા; ને ત્યાં મેં લેઆહને દાટી;
32 જે ખેતર તથા તેમાંની જે ગુફા હેથના પુત્રો પાસેથી ખરીદ્યાં હતાં ત્યાં મને દાટજો.
33 અને યાકૂબ પોતાના દીકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યારે તેણે પોતાના પગ પલંગ પર મૂકીને પ્રાણ છોડ્યો; ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.