1 અને એ વાતો પછી એમ થયું કે કોઇએ યુસફને કહ્યું, જો, તારો બાપ માંદો પડ્યો છે. અને તે પોતાનો બે દીકરો મનાશ્શેહને તથા એફ્રાઈમને સાથે લઈને ગયો.

2 અને કોઇએ યાકૂબને ખબર આપી કે, જુઓ, તારો દીકરો યુસફ તારી પાસે આવે છે; ને ઇસ્રાએલ હોશિયાર થઈને પલંગ પર બેઠો.

3 અને યાકૂબે યુસફને કહ્યું, કનાન દેશના લુઝમાં સર્વસમર્થ દેવે મને દર્શન આપીને આશીર્વાદ દીધો છે.

4 અને તેણે કહ્યું, જુઓ, હું તને સફળ કરીશ, ને તને વધારીશ, ને તારાથી લોકોનો સમુદાય ઉત્પન્ન કરીશ, ને તારા પછી તારા વંશને સદાકાળના વતનને સારૂ આપીશ.

5 અને હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા પહેલાં તારા જે બે દીકરા તને મિસર દેશમાં થયા, એટલે એફ્રાઈમ તથા મનાશ્શેહ તેઓ મારા છે; રેઉબેન તથા શિમઓનની પેઠે તેઓ મારા થશે.

6 ને તેઓ પછી તારા સંતાન જે તારાથી થશે તેઓ તારાં થશે; ને તેઓના ભાઇઓની નામ પ્રમાણે તેઓનાં નામ તેઓના વતનમાં કહેવાશે.

7 અને હું તો પદ્દાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડી વાટ બાકી હતી એટલે રાહેલ મારી પાસે માર્ગમાં કનાન દેશમાં મારી ગઇ; ને ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દાટી.

8 અને ઇસ્રાએલ યુસફના દીકરાઓને જોઇને બોલ્યો, આ કોણ છે?

9 અને યુસફે પોતાના બાપને કહ્યું, એ મારા દીકરા છે, જે દેવે મને હિયાં આપ્યાં છે. અને તેણે કહ્યું, તેઓને મારી પાસે લાવ, કે હું તેઓને આશીર્વાદ દઉં.

10 હવે ઇસ્રાએલની આંખો ઘડપણને લીધે ઝાંખી પડી હતી; તેને સુઝતું ન હતું; ને તે તેઓને તેની પાસે લાવ્યો; ને તેણે તેઓને ચુમ્યા, ને તેઓને કોટે વળગાડ્યા.

11 અને ઇસ્રાએલે યુસફને કહ્યું, હું તારૂં મુખ જોઇશ, એમ હું ધારતો ન હતો, ને જુઓ, દેવે તારા સંતાન પણ મને દેખાડ્યાં છે.

12 અને યુસફે પોતાના ઘૂંટણો વચ્ચેથી તેઓને કાઢ્યા, ને ભૂમિ લગી વાંકો વળીને નમ્યો.

13 અને યુસફ તે બન્નેને લીધા, પોતાનને જમણે હાથે એફ્રાઈમને ઇસ્રાએલના ડાબા હાથની સામે, ને પોતાના ડાબે હાથે મનાશ્શેહને ઇસ્રાએલના જમણા હાથની સામે, ને એમ તેઓને તેની પાસે લાવ્યા.

14 અને ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હાથો તેના પર મૂક્યો, ને પોતાના ડાબો હાથ મનાશ્શેહના માથા પર મૂક્યો; તેણે જાણીજોઇને પોતાના હાથ એમ મૂક્યા; કેમકે મનાશ્શેહ જ્યેષ્ઠ હતો.

15 અને તેણે યુસફને આશીર્વાદ દીધો, ને કહ્યું, દેવ જેની આગળ મારા પિતૃઓ ઇબ્રાહીમ તથા ઇસ્હાક ચાલ્યા, જે દેવે મારા આખા આયુષ્યમાં મને પર્યત પાળ્યો,

16 જે દૂતે મને સર્વ ભુંડાઇ થી બચાવ્યો છે, તે આ છોકરાંઓને આશીર્વાદ આપો, ને તેઓ પર મારા નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઇસ્હાકનું નામ મૂકો, ને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાઓ.

17 અને યુસફે જોયું કે એના બાપે જમણો હાથ એફ્રાઈમના માથા પર મૂક્યો, ત્યારે તેને તે ખોટું લાગ્યું; ને એફ્રાઈમના માથા પરથી મનાશ્શેહના માથા પર મૂકવાને તેણે પોતાના બાપનો હાથ ઉપાડ્યો.

18 અને યુસફે પોતાના બાપને કહ્યું, મારા પિતા, એમ નહિ, કેમકે આ જ્યેષ્ઠ છે, એના માથા પર તારો જમણો હાથ મૂક.

19 અને તેના બાપે એમ કરવાની ના પાડી, અને બોલ્યો, હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું, તે પણ એક પ્રજા થશે, ને તે પણ મોટો થશે; પણ તેના નાના ભાઇ તો તેના કરતાં મોટો થશે; ને તેનાં સંતાન અતિ બહોળી દેશજાતિ થશે.

20 અને તે દહાડે તે તેઓને આશીર્વાદ આપતાં બોલ્યો, ઇસ્રાએલપુત્રો તારૂં નામ લઈને એક બીજાને આશીર્વાદ દેશે, ને કહેશે, એફ્રાઈમ તથા મનાશ્શેહ સરખો દેવ તને કરે; ને તેણે એફ્રાઈમને મનાશ્શેહથી પહેલો મૂક્યો.

21 અને ઇસ્રાએલે યુસફને કહ્યું, જુઓ, હું મરૂં છું; પણ દેવ તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે.

22 અને મેં તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, જે મેં પોતાની તરવારથી તથા પોતાના ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી લીધો હતો.