1 ઓ થીઓફીલ, ઈસુએ પોતાના પસંદ કીધેલ પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી,

2 ને તે ઉપર લઇ લેવામાં આવ્યો, તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા લાગ્યો, તે સઘળાં વિષે મેં પેહેલું પુસ્તક લખ્યું છે;

3 તેણે મરણ સહ્યા પછી તેઓને ઘણા પ્રમાણોથી પોતાને સજીવન દેખાડ્યો, એટલે ચાળીસ દિવસ સુધી તે તેઓને દેખાતો ને દેવના રાજ્ય વિશેની વાતો કેહેતો રહ્યો;

4 અને તેણે તેઓની સાથે એકઠા મળીને તેઓને આજ્ઞા કીધા કે, યરૂશાલેમથી જતા ના, પણ બાપનું વચન જે તને મારાથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો;

5 કેમકે યોહાને પાણીથી બાપ્તિસમાં કીધું ખરૂં, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસમાં પામશો.

6 હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને એમ પૂછ્યું કે, પ્રભુ, તું આ વેળાએ ઇસ્રાએલનું રાજ્ય ફરી સ્થાપન કરે છે શું?

7 ને તેણે તેઓને કહ્યું કે, જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારું કામ નથી.

8 પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ પામશો, ને યરૂશાલેમમાં તથા આખા યહુદાહમાં તથા સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.

9 અને એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં તે ઉપર લઇ જવાયો; ને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો.

10 અને તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહ્યા હતા, એવામાં જુઓ, ઉજળાં વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસે ઉભા રહ્યા;

11 અને તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? એજ ઇસુ જે તમારી પાસેથી આકાશમાં લઇ લેવામાં આવ્યો છે તે, જેમ તમે તેને આકાશમાં જતાં જોયો તેમજ [ પાછો] આવશે.

12 ત્યારે જૈતુન કહેવાએલો પહાડ જે યરૂશાલેમની પાસે, એટલે વિશ્રામવારની મજલ જેટલે છેટે છે, ત્યાંથી તેઓ યરૂશાલેમમાં પાછા ગયા.

13 અને તેઓ ત્યાં આવ્યા ત્યારે જે મેડીએ તેઓ રહેતા હતા, એટલે જ્યાં પીતર તથા યોહાન તથા યાકૂબ તથા આંદ્રયા, ફીલીપ તથા થોમા, બારથલમી તથા માત્થી, અલફીનો [દીકરો] યાકુબ તથા સીમોન ઝલોતસ, તથા યાકૂબનો [ભાઈ] યહુદા રહેતા હતા ત્યાં ચઢ્યા.

14 એ સઘળાં, બાયડીઓ સુદ્ધાં, તથા ઈસુની મા મરિયમ તથા તના ભાઈઓ સુદ્ધાં, એકચિતે પ્રાર્થનામાં તત્પર રહેતા હતા.

15 અને તે દિવસોમાં (જયારે માણસોનો જથો આસરે એકસો વીસનો હતો ત્યારે) ભાઈઓની વચમાં પીતરે ઉભા થઈને કહ્યું કે,

16 ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યો તેઓને રસ્તો દેખાડનાર યહુદા વિષે દાઉદના મ્હોથી પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે લેખ પૂરો થવાની અગત્ય હતી.

17 કેમકે તે આપણામાંનો ગણાયો હતો, ને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો.

18 હવે એ માણસે અન્યાયના મૂલથી ખેતર વેચાતું લીધું, અને ઉંધો પડીને તે વચમાંથી ફાટી ગયો, ને તેનાં સર્વ આંતરડા નીકળી પડયા.

19 અને યરૂશાલેમના સઘળા રહેવાસીઓને તે માલમ પડ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં આકેલદમા, એટલે લોહીનું ખેતર, એવું પડ્યું.

20 કેમકે ગીતશાસ્ત્રમાં એમ લખ્યું છે કે, તેની રહેવાની જગ્યા ઉજડ થાઓ, ને તેમાં કોઈ ન વસે, અને તેનું અધ્યક્ષપદ બીજો લે.

21 માટે યોહાનના બાપ્તિસમાં માંડીને પ્રભુ ઇસુ આપણી પાસેથી ઉપર લઇ લેવામાં આવ્યો તે દિવસ સુધી તેણે આપણામાં આવજા કીધી.

22 તે સઘળા વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે તેના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ.

23 ત્યારે યુસફ જે બાર્સાબાસ કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી, તથા માત્થીઅસ, એ બેને તેઓએ આગળ ધર્યા.

24 અને તેઓએ પ્રાર્થના કરતા કહ્યું કે, સર્વના અંતઃકરણ જાણનાર પ્રભુ,

25 જે સેવા તથા પ્રેરિતપદમાંથી યહુદા પતિત થઈને પોતાના જગ્યાએ ગયો, તેમાં તેની જગ્યા પુરવાને આ બેમાંથી કોને તે પસંદ કીધો છે તે દેખાડ.

26 અને તેઓએ તેઓને વાસ્તે ચિઠ્ઠીઓ નાખી, ને માત્થીઅસના [નામની] ચિઠ્ઠી નીકળી; પછી અગીઆર પ્રેરિતોની સાથે તે ગણાયો.