1 ત્યાર પછી એમ થયું કે, દાઉદના દીકરા આબ્શાલોમને તામાર નામે એક સુંદર બહેન હતી; ને દાઉદના દીકરા આમ્નોનને તેનો મોહ લાગ્યો હતો.
2 અને આમ્નોન પોતાની બહેન તામાર વિષે એટલો બધી વ્યાકુળ થયો, કે તે માંદો પડ્યો; કેમકે તેં કુંવારી હતી; ને તેને કંઈ કરવું એ આમ્નોનને મુશ્કેલ લાગ્યું.
3 પણ દાઉદના ભાઇ શિમઆહનો દીકરો નામે યોનાદાબ તે અમ્નોનનો મિત્ર હતો; ને યોનાદાબ ઘણો પક્કો માણસ હતો.
4 અને તેણે તેને કહ્યું, હે રાજપુત્ર, તું રોજ રોજ સુકાતો કેમ જાય છે? શું તું મને નહિ કહે? ને અમ્નોને તેને કહ્યું, મારા ભાઇ આબ્શાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે.
5 અને યોનાદાબ તેને કહ્યું કે, તારા પલંગ ઉપર સુઇ જઈને મંદવાડનો ઢોંગ કર; ને તારો બાપ તને જોવા આવે ત્યારે તેને કહેજે કે, કૃપા કરીને એમ કરો કે મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્ન આપે,ને મારા દેખતાં રસોઇ બનાવે, કે હું તે જોઉં ને તેના હાથથી ખાઉં.
6 માટે આમ્નોન સુઇ ગયો, ને મંદવાડનો ઢોંગ કર્યો; ને રાજા તેને જોવા આવ્યો, ત્યારે અમ્નોન રાજાને કહ્યું, કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે મારાં દેખતાં તે મારે સારૂ બે પોળીઓ બનાવે, ને હું તેના હાથે ખાઉં.
7 ત્યારે દાઉદે તામારને ઘેર માણસો મોકલીને કહાવ્યું કે, તારા ભાઇ આમ્નોનને ઘેર હમણા જઈને તેને સારૂ રસોઇ બનાવ.
8 તેથી તામારે પોતાના ભાઇ આમ્નોનને ઘેર ગઇ; ને તે સૂતેલો હતો. અને તેણીએ આટો લઇને મસળ્યો, ને તેના દેખતા પોળીઓ બનાવીને તે પોળીઓ શેકી.
9 પછી તેણીએ તવો લઈને તેમાંથી પોળીઓ તેની આગળ ઠાલવી; પણ તેણે ખાવાની ના પાડી.અને આમ્નોને કહ્યું કે, સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દે. અનેસર્વ માણસો તેની પાસેથી બહાર ગયા.
10 અને આમ્નોને તામારને કહ્યું કે, ખાવાનું શયનગૃહમાં લાવ, કે હું તારે હાથે તે ખાઉં; ને પોતે જે પોળીઓ બનાવી હતી તે લઈને તામાર પોતાના ભાઇ આમ્નોન પાસે શયનગૃહમાં લાવી.
11 અને તે તેની પાસે ખાવાનું લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, આવ, મારી બહેન, મારી સાથે સુઇ જા.
12 અને તેણીએ તેને ઉત્તર આપ્યો કે, નહિ, મારા ભાઇ, મારા પર બળાત્કાર કરીશ નહિ; કેમકે એવું કૃત્ય ઇસ્રાએલમાં થવું ન જોઈએ; એવી મૂર્ખાઈ ન કર.
13 અને હું મારી ફજેતી લઈને ક્યાં જાઉં? ને તું તો ઇસ્રાએલમાં એક મૂર્ખ જેવો બનીશ; તો હવે તું રાજાને કહે;કેમકે તે મને તારાથી પાછી રાખશે નહિ.
14 પણ તેણે તેનું કહેવું સાંભળ્યું નહિ; પણ તે તેણીના કરતાં બળવાન હોવાથી તેણે બળાત્કારે તેની આબરૂ લીધી.
15 ત્યાર પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર ઉપજ્યો, તે એટલો કે તે તેના પર મોહિત હતો તે કરતાં વધારે તે તેને ધિક્કારવા લાગ્યો. અને અમ્નોને તેને કહ્યું, ઉઠ, જતી રહે.
16 ત્યારે તેણીએ તેને કહ્યું કે, એમ નહિ, કેમકે જે કુકર્મ તેં મારી સાથે કર્યું છે, તે કરતાં મને કાઢી મુકવી એ વધતું ભુંડું છે. પણ તેણે તેનું કહેવું સાંભળ્યું નહિ.
17 પછી તેણે પોતાની સારવાર કરનાર જુવાનને બોલાવીને કહ્યું કે, આ સ્ત્રીને હમણાં મારી પાસેથી બહાર કાઢી મુકીને પાછળ બારણું બંધ કર.
18 અને તેણીએ નવરંગી વસ્ત્ર પહેરેલાં હતાં, કેમકે રાજાની કુંવારી દીકરીઓ એવા જામા પહેરતી હતી. અને તેના ચાકરે તેણીને બહાર કાઢી મુકીને તેની પાછળ બારણું બંધ કર્યું.
19 અને તામારે પોતાના માથા પર રાખ નાખી, ને પોતે પહેરેલું નવરંગી વસ્ત્ર તેણીએ ફાડયું; ને પોતાના હાથ પોતાના માથા પર મુકીને રડતી રડતી ચાલી.
20 અને તેના ભાઇ આબ્શાલોમે તેને કહ્યું કે, શું તારો ભાઇ આમ્નોન તારી સાથે હતો? પણ હવે મારી બહેન, છાની રહે; તે તારો ભાઇ છે; એ વાત મનમાં ન લાવીશ. અને તામાર પોતાના ભાઇ આબ્શાલોમને ઘેર લાચાર સ્થિતિમાં રહી.
21 પણ દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તેણે ઘણો ક્રોધ ચઢ્યો.
22 અને આબ્શાલોમે પોતાના ભાઇ આમ્નોનને સારૂં કે નરસું કાંઈ કહ્યું નહિ; કેમકે આબ્શાલોમને આમ્નોન ઉપર ક્રોધ ચઢ્યો હતો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો.
23 અને પુરાં બે વર્ષ પછી એમ થયું કે, અફ્રાઈમ પાસેના બઆલ-હસોરમાં આબ્શાલોમે કાતરનારાઓને બોલાવેલા હતા; ને આબ્શાલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા.
24 અને આબ્શાલોમે રાજા પાસે આવીને કહ્યું કે, જો, તારા દાસને ત્યાં કાતરનારાઓ આવેલા છે, તો કૃપા કરી રાજાએ તથા તેના ચાકરોએ આપના સેવકની સાથે આવવું.
25 અને રાજાએ આબ્શાલોમને કહ્યું કે, એમ નહિ, મારા દીકરા, અમ સર્વે તો નહિ આવીએ, રખેને અમે તને ભારે પડીએ. અને તેણે તેને આગ્રહ કીધો; પરંતુ તે ગયો નહિ, પણ તેણે તેને આશીર્વાદ દીધો.
26 પછી આબ્શાલોમે કહ્યું કે, જો એમ નહિ, તો કૃપા કરી મારા ભાઇ આમ્નોનને અમારી સાથે આવવા દે. અને રાજાએ તેને કહ્યું, તે તારી સાથે શા સારૂ આવે?
27 પણ આબ્શાલોમે તેને હઠેઠ કરી, માટે તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.
28 અને આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, આમ્નોનનું મન દ્રાક્ષરસથી મગ્ન થાય, ત્યારે તે ધ્યાનમાં લેજો; ને જયારે હું તમને કહું કે, આમ્નોનને મારો, ત્યારે તમે તેને મારી નાખજો, બીશો નહિ; શું મેં તમને આજ્ઞા નથી આપી? તમે હિમ્મતવાન તથા શૂરવીર થજો.
29 અને જેમ આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને કર્યું. ત્યારે રાજાના સઘળાં પુત્રો ઉઠ્યા, અને તેઓ પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.
30 અને એમ થયું કે, તેઓ માર્ગમાં હતા, એટલામાં દાઉદને એવા સમાચાર મળ્યા કે, આબ્શાલોમે રાજાના સઘળા પુત્રોને મારી નાખ્યા છે, ને તેઓમાંથી એક પણ બચ્યો નથી.
31 ત્યારે રાજાએ ઉઠીને પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, ને તે જમીન પર આડો પડ્યો; ને તેના સર્વ ચાકરો ફાટેલાં વસ્ત્ર પહેરીને તેની પાસે ઉભા રહ્યા.
32 અને દાઉદના ભાઇ શિમઆહના પુત્ર યોનાદાબે ઉત્તર આપીને કહ્યું કે, મારા મુરબ્બીએ એવું ન ધારવું કે તેઓએ રાજાના સર્વ જુવાન પુત્રોને મારી નાખ્યા છે, કેમકે માત્ર આમ્નોન મુઓ છે; જે દિવસે તેણે આબ્શાલોમની બહેન તામાર ઉપર બળાત્કાર ગુજાર્યો,
33 માટે હવે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે, એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુઃખી થવું નહિ; કેમકે માત્ર એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુઃખી થવું નહિ; કેમકે માત્ર આમ્નોન મુઓ છે.
34 પણ આબ્શાલોમ નાઠો. અને જે જુવાન ચોકી કરતો હતો, તેણે પોતાની આંખો ઉંચી કરીને જોયું તો જુઓ, તેની પાછળના પર્વતની બાજુને માર્ગે ઘણા લોક આવતા હતા.
35 અને યોનાદાબે રાજાને કહ્યું કે,જો, રાજાનો પુત્રો આવ્યા છે; જેમ તારા દાસે કહ્યું તેમજ છે.
36 અને તે બોલી રહ્યો કે તરત એમ થયું કે, જુઓ, રાજાના પુત્રો આવ્યા, ને પોક મુકીને રડ્યા; ને રાજા સુદ્ધાં તેના સર્વ ચાકરો પણ બહુ રડ્યા.
37 પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજાના એટલે આમ્મીહૂરના દીકરા તાલ્માયની પાસે જતો રહ્યો; ને દાઉદે પોતાના પુત્રને સારૂ દરરોજ શોક કીધો.
38 એમ આબ્શાલોમ નાસીને ગશૂર જતો રહ્યો, ને ત્યાં ત્રણ વર્ષ રહ્યો.
39 અને દાઉદ રાજાનો જીવ આબ્શાલોમની પાસે જવા સારૂ તલપતો હતો; કેમકે આમ્નોનના મરણ વિષે તેને દિલાસો મળ્યો હતો.