1 અને નવું વર્ષ બેસતાં જયારે રાજાઓ યુદ્ધને સારૂ નિકળે છે, ત્યારે એમ થયું કે, દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇસ્રાએલને મોકલ્યા; ને તેઓએ આમ્મોનપુત્રોનો નાશ કીધો, ને રાબ્બાહ નગરને ઘેરો ઘાલ્યો. પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો.

2 અને એક સાંજે એમ થયું કે, દાઉદ પોતાના પલંગ ઉપરથી ઉઠીને રાજમહેલના ધાબા ઉપર ફરતો હતો; ત્યારે તેણે ધાબા ઉપરથી એક સ્ત્રીને સ્નાન કરતાં દીઠી, ને તે સ્ત્રી દેખાવમાં ઘણા ફુટડી હતી.

3 અને દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિષે પૂછપરછ કરાવી, તો કોઈએકે કહ્યું કે, શું એ એલીઆમની દીકરી તથા ઉરીયાહ હિત્તીની સ્ત્રી બાથ-શેબા નથી?

4 ને દાઉદે હલકારા મોકલીને તેને પકડી મંગાવી; ને તેણી તેની પાસે મહેલમાં આવી, ને તેણે તેણીની સાથે વ્યભિચાર કીધો; કેમકે તે પોતાની અશુદ્ધતામાંથી નાઈ ધોઈને શુદ્ધ થઇ હતી; પછી તે પોતાને ઘેર પાછી ગઇ.

5 અને તે સ્ત્રીને હમેલ રહ્યા, ને તેણીએ માણસ મોકલીને દાઉદને સમાચાર કહાવ્યું કે, મને દહાડા રહ્યા છે.

6 અને દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે,ઉરીયાહ હિત્તીને મારી પાસે મોકલ; ને યોઆબે ઉરીયાહને દાઉદ પાસે મોકલ્યો.

7 અને ઉરીયાહ તેની પાસે આવ્યો, ત્યારે દાઉદે તેને પુછ્યું કે, યોઆબ કેમ છે, તથા લોકની ખબર કેવી છે,તથા લડાઈના શા હાલ છે?

8 ને દાઉદે ઉરીયાહને કહ્યું કે, તારે ઘેર જઈને તારા પગ ધો. અને ઉરીયાહ રાજાના ઘેરથી વિદાય થયો,ને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું.

9 પણ ઉરીયાહ રાજાના ઘરનાં દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરોની સાથે સુતો ને પોતાના ઘેર ગયો નહિ.

10 અને દાઉદને ખબર મળી કે ઉરીયાહ પોતાને ઘેર ગયો નથી; ત્યારે દાઉદે ઉરીયાહને કહ્યું કે, શું તું મુસાફરીએથી આવ્યો નથી? તો તું કેમ તારે ઘેરગયો નહિ?

11 ને ઉરીયાહ દાઉદને કહ્યું કે,કોષ, તથા ઇસ્રાએલ, તથા યહુદાહ રાવટીઓમાં રહે છે; ને મારો મુરબ્બી યોઆબ તથા મારા મુરબ્બીના ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી કરી રહે છે; તો શું હું ખાવા, તથા પીવા, તથા મારી સ્ત્રી સાથે સુવા મારે ઘેર જાઉં? તારા તથા તારા જીવના સમ, એ કૃત્ય હું કરનાર નહિ.

12 અને દાઉદે ઉરીયાહને કહ્યું કે, આજ પણ અહીં રહેજે ને કાલે હું તને વિદાય કરીશ. એમ ઉરીયાહ તે દિવસે તથા તેના બીજે દિવસે યરૂશાલેમમાં રહ્યો.

13 અને દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેને ખાધું તથા પીધું; ને તેણે તેને મસ્ત બનાવ્યો; ને સાંજે તે પોતાના ખાટલા ઉપર પોતાના મુરબ્બીના ચાકરો સાથે સુવાને ગયો, પણ પોતાને ઘેર ગયો નહી.

14 અને સવારે એમ થયું કે, દાઉદે યોઆબ ઉપર પત્ર લખીને ઉરીયાહની મારફતે તે મોકલ્યો.

15 અને તેણે પત્રમાં એમ લખ્યું કે, તમો ઉરીયાહને દારૂણ યુદ્ધને મોખરે રાખજો, ને તેની પાસેથી તમે દૂર ખસી જજો, એ માટે કે તે જીવથી માર્યો જાય.

16 અને એમ થયું કે,યોઆબ નગરનું અવલોકન કરતો હતો, ત્યારે તેણે ઉરીયાહને એવી જગ્યા સોંપી, કે જે વિષે તે જાણતો હતો કે ત્યાં શૂરવીર માણસો છે.

17 અને નગરના માણસો બહાર નીકળીને યોઆબ સાથે લડ્યા; ને દાઉદના ચાકરોમાંથી કેટલાએક લોક પડ્યા, ને ઉરીયાહ હિત્તી પણ માર્યો ગયો.

18 ત્યારે યોઆબે લડાઈનો સર્વે હેવાલ દાઉદને કહી મોકલ્યો.

19 અને તેણે હલકારાને ફરમાવ્યું કે લડાઈનો આ સર્વ હેવાલ રાજાને તું કહી રહે,

20 ત્યાર પછી જો એવું બને કે રાજા ક્રોધે ભરાઈને તને એમ કહે છે કે, લડવા સારૂ એટલા બધા નગરની નજીક તમે કેમ ગયા, શું તમે નહોતા જાણતા, કે તેઓ ઉપરથી બાણો મારશે?

21 યારૂબ્બેશેથના દીકરા અબીમેલેખે કોણે માર્યો? એક સ્ત્રીને કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યાથી તે તેબેસમાં મરણ પામ્યો કે નહિ? તમે કોટની નજીક એટલા બધા કેમ ગયા? ત્યારે તું કહેજે કે, તારો દાસ ઉરીયાહ હિત્તી પણ માર્યો ગયો છે.

22 પછી હલકારો વિદાય થયો, ને ત્યાં પહોંચીને, જે સમાચાર લઈને યોઆબે તેને મોકલ્યો હતો, તે સર્વ સમાચાર તેણે દાઉદને કહ્યા.

23 ને હલકારાએ દાઉદને કહ્યું કે,તે માણસો અમને પાછા હઠાવીને અમારી પાસે મેદાનમાં બહાર આવ્યા, એટલે દરવાજામાં પેસતાં લગી અમે તેમની ઉપર ઘસારો કર્યો.

24 અને ધનુર્ધારીઓએ કોટ ઉપરથી તારા ચાકરો ઉપર બાણ ફેંક્યા,ને રાજાના ચાકરોમાંથી કેટલાએક મરણ પામ્યા; તારો દાસ ઉરીયાહ હિત્તી પણ મુઓ.

25 ત્યારે દાઉદે હલકારાને કહ્યું કે, યોઆબને એમ કહેજે કે, એથી તું દુઃખી ન થતો, કેમકે તરવાર તો જેમ એકને તેમજ બીજાને ખાઇ જાય છે; નગર વિરુદ્ધ વધારે સખ્ત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર; ને તું તેને હિમ્મત આપજે.

26 અને ઉરીયાહની સ્ત્રીએ સાંભળ્યું કે, તેનો વાર ઉરીયાહ મરણ પામ્યો છે, ત્યારે તેણીએ પોતાના પતિને લીધે શોક કીધો.

27 અને શોક પુરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી; ને તે તેની સ્ત્રી થઇ, ને તેને તેના પેટનો પુત્ર થયો; પણ દાઉદે જે કૃત્ય કીધું હતું તે યહોવાહની દૃષ્ટિમાં ખોટું લાગ્યું.