1 અને ત્યાર પછી એમ થયું કે, આમ્મોનપુત્રોનો રાજા મરણ પામ્યો, ને તેની જગ્યાએ તેનો દીકરો હાનૂન રાજા થયો.
2 અને દાઉદે કહ્યું કે, નાહાશના દીકરા હાનૂન ઉપર હું માયા રાખીષ, જેમ એનો બાપ મારા પર માયા રાખતો હતો તેમ; તેથી દાઉદે તેના બાપ વિષે તેને દિલાસો દેવા સારૂ પોતાના ચાકરોની મારફતે સંદેશો મોકલ્યો; ને દાઉદના ચાકરો આમ્મોનપુત્રોના દેશમાં પહોંચ્યા.
3 પણ આમ્મોનપુત્રોના સરદારોએ પોતાના મુરબ્બી હાનૂનને કહ્યું કે, દાઉદે તારી પાસે દિલાસો દેનારાઓને મોકલ્યા છે, તેથી શું તું એવું ધારે છે કે તે તારા બાપનું સન્માન કરે છે? શું તેણે પોતાના ચાકરોને નગરની તપાસ કરવાને તથા તેની બાતમી કાઢવાને તથા તેને પાયમાલ કરવાને સારૂ તારી પાસે મોકલ્યા નથી?
4 તેથી હાનૂને દાઉદના ચાકરોને પકડાવીને તેઓની અડધી અડધી દાઢીઓ મુંડાવી નાખી, ને તેઓના વસ્ત્રો વચ્ચોવચ્ચમાંથી ઢગરાં સુધી કાપી નાખીને તેઓને મોકલી દીધા.
5 દાઉદને એ ખબર મળી ત્યારે તેણે તેઓને મળવા સારૂ માણસ મોકલ્યા; કેમકે તે માણસો ઘણા શરમાતા હતા; ને રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યેરેખોમાં રહો, ને પછીથી પાછા આવજો.
6 અને આમ્મોનપુત્રોએ જોયું કે અમે દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયાં છીએ, ત્યારે આમ્મોનપુત્રોએ માણસો મોકલીને બેથ-રહોબના અરામીઓ તથા સોબાહના અરામીઓમાંથી વીસ હજાર પાયદળને, તથા એક હજાર માણસો સહિત માઅખાહના રાજાને, તથા ટોબના બાર હજાર માણસોને પગાર પઠીને રાખ્યા.
7 અને દાઉદે એ વિષે સાંભળ્યું ત્યારે તેણે યોઆબને યોદ્ધાઓના સઘળાં સૈન્યો સહિત મોકલ્યો.
8 અને આમ્મોનપુત્રોએ બહાર નિકળીને દરવાજાના નાકા આગળ યુદ્ધવ્યૂહ રચ્યો; ને સોબાહના તથા રહોબના અરામીઓ તથા ટોબના તથા માઅખાહના માણસો મેદાનમાં આગળ ઉભા હતા.
9 હવે યોઆબે જોયું કે પોતાની આગળ તથા પાછળ યુદ્ધવ્યૂહ રચેલો છે, ત્યારે તેણે ઇસ્રાએલના સર્વ ચૂણી કાઢેલા લોકોમાંથી ચુંટી કાઢીને, તેઓને અરામીઓ સામે યુદ્ધવ્યૂહમાં ગોઠાવ્યા;
10 ને બાકીના લોકોને તેણે પોતાના ભાઇ અબીશાયના હાથ નીચે સોંપ્યાં, ને તેણે તેઓને આમ્મોનપુત્રોની સામે યુદ્ધવ્યૂહમાં ગોઠવ્યા.
11 અને તેણે કહ્યું કે, જો અરામીઓ અમને પાછા હઠાવે, તો તું મને સાહ્ય કરજે;પણ જો આમ્મોનપુત્રો તને પાછો હટાવશે, તો હું તારી મદદે આવીશ.
12 હિમ્મત ધરજે, ને આપણે પોતાના લોકને સારૂ તથા પોતાનાદેવના નગરોને સારૂ મર્દાઈ કરવી; ને યહોવાહ પોતાને જે સારૂ લાગે તે કરો.
13 પછી યોઆબ તથા તેની સાથેના લોક અરામીઓ સામે યુદ્ધ કરવાને પાસે આવ્યા, ને તેની આગળથી તેઓ નાઠા.
14 અને આમ્મોનપુત્રોએ જોયું કે અરામીઓ નાઠા છે,ત્યારે અબીશાઈની આગળથી તેઓ પણ નાઠા, ને નગરમાં પેસી ગયા.પછી યોઆબ આમ્મોનપુત્રોની પાછળથી પાછો વળીને યરૂશાલેમ આવ્યો.
15 અને અરામીઓએ જોયું કે અમે ઇસ્રાએલ આગળ હારી ગયા છીએ, ત્યારે તેઓ એકઠા થયા.
16 અને હદારએઝેર માણસ મોકલીને નદીની પેલી ગમ રહેનાર અરામીઓને તેડાવ્યા; ને તેઓ હદારએઝેરના સેનાપતિ શોબાખની સરદારી નીચે હેલામમાં આવ્યા.
17 અને એ સમાચાર દાઉદને મળ્યા, એટલે તેણે સર્વ ઇસ્રાએલને એકઠા કીધા, ને તે યરદન ઉતરીને હેલામ આગળ આવ્યો; ને અરામીઓએ દાઉદ સામે યુદ્ધવ્યૂહ રહ્યો, ને તેઓ તેની સાથે લડ્યા.
18 અને અરામીઓ ઇસ્રાએલ સામેથી નાઠા; ને દાઉદે અરામીઓના સાતસેં રથોમાંના માણસોને, તથા ચાળીસ હજાર રાવારોને માર્યા, તથા તેઓના સેનાપતિ શોબાખને મારીને ઠાર કીધો.
19 અને જે સઘળા રાજાઓ હદારએઝેરના તાબેદાર હતા,તેઓએ જ્યારે જોયું કે તેઓએ ઇસ્રાએલ આગળ હાર ખાધી છે, ત્યારે તેઓએ ઇસ્રાએલ સાથે સલાહ કરી, ને તેઓના તાબેદાર થયા. તેથી અરામીઓ આમ્મોનપુત્રોને ત્યાર પછી સાહ્ય કરતાં બીતા હતા.