1 દેવ આપણા તારનારના તથા ખ્રીસ્ત ઇસુ જે આપની આશા, તેની આજ્ઞા પ્રમાણે થએલો ખ્રીસ્ત ઇસુનો પ્રેરિત પાઉલ,
2 વિશ્વાસમાં પોતાના ખરા દીકરા તીમોથીને [લખે છે]; દેવ આપણા બાપથી તથા ખ્રીસ્ત ઇસુ આપણા પ્રભુથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.
3 જેમ માકેદોન્યામાં જતાં મેં તને વિનંતી કીધી કે, તું એફેસસમાં રહીને કેટલાએકને અજ્ઞા કર કે, તેઓ બીજો ઉપદેશ ન કરે,
4 ને કહાણીઓ તથા અપાર વંશાવળીઓ પર ચિત્ત ન રાખે, એવી વાતો તો તકરાર ઉપજાવે છે, પણ દેવનો જે કારભાર વિશ્વાસમાં છે તેણે અનુકુળ નથી [તેમ ફરી કહું છું].
5 આજ્ઞાનો મુખ્યાર્થ તો શુદ્ધ હૃદયથી તથા સારા અંતઃકારણથી તથા ઢોંગરહિત વિશ્વાસથી પ્રીતિ છે.
6 તેઓથી કેટલાએક ચુકીને વ્યર્થ વાત બોલવાની ભણી ફરી ગયા છે,
7 તેઓ નિયમશાસ્ત્રના ઉપદેશક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરી બોલે છે તે તેઓ સમજતી નથી.
8 પણ અમને માલમ છે કે નિયમ સારો છે, જો કોઈ તેનો વહીવટ યોગ્ય રીતે કરે તો;
9 એવું જાણીને કે, નિયમ ન્યાયીને લાગતો નથી, પણ અનીતિવંતો તથા સ્વચ્છંદીઓને લાગે છે, અભક્ત તથા પાપીઓને, અશુદ્ધ તથા અમંગળોને, બાપ મારનારા તથા મા મારનારાઓને, મનુષ્યઘાતકોને,
10 વ્યભિચારીઓને, પુંમૈથુનીઓને , માણસને ચોરનારાઓને, જુઠાઓને તથા જુઠા સમ ખાનારાઓને લાગે છે; ને શુદ્ધ ઉપદેશને જો કંઈ બીજું ઉલટું હોય તો તેને પણ લાગે છે;
11 સ્તુતિવાન દેવના મહિમાની સુવાર્તા જે મને સોંપાયેલી તે પ્રમાણે છે.
12 અને મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રીસ્ત ઇસુનો ઉપકાર હું માનું છું, કેમકે તેણે મને વિશ્વાસુ ગણીને સેવામાં રાખ્યો;
13 હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા નિંદક હતો, તોપણ હું દયા પામ્યો, કારણ કે મેં અજ્ઞાનથી અવિશ્વાસમાં તે કીધું;
14 ને ખ્રીસ્ત ઇસુ પરના વિશ્વાસ તથા પ્રેમ સુદ્ધાં આપણા પ્રભુની કૃપા અતિ ઘણી થઇ.
15 અ વાત વિશ્વાસુ તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રીસ્ત ઇસુ પાપીઓને તારવારને જગતમાં આવ્યો, તેઓમાં હું મુખ્ય છું;
16 પરંતુ હું એ સારૂ દયા પામ્યો કે, ઇસુ ખ્રીસ્ત પ્રથમ મારામાં પોતાની પુરી સહનશીલતા દેખાડે, એવી કે જેઓ અનંત જીવનને સારૂ તેના પર વિશ્વાસ કરવાના તેઓને હું નમુનારૂપ થાઉં.
17 જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદૃશ્ય તથા એકલો દેવ, તેને સદા સર્વકાળ સુધી માન તથા મહિમા થાઓ. આમેન.
18 ઓ દીકરા તીમોથી, તારા વિષે અગાઉ થએલા ભવિષ્યવાદો પ્રમાણે, આ અજ્ઞા હું તને આપું છું, કે તે ભવિષ્યવાદોથી તું સારી લડાઈ લડે;
19 ને વિશ્વાસ તથા સારૂં અંતઃકરણ રાખે, જેને કેટલાએકે મુકી દઈને વિશ્વાસ વિષેનું વહાણ ભાંગી નાખ્યું;
20 તેઓમાંના હુમનાય તથા આલેકસાંદર છે; તેઓને શેતાનને એ સારૂ સોંપ્યાં કે, તેઓ દુર્ભાષણ ન કરવાનું શિખે.