2 અને પલિસ્તીઓએ શાઉલનો તથા તેના દીકરાઓનો કેડો પકડ્યો; ને પલિસ્તીઓએ શાઉલના દીકરાઓ યોનાથાન, તથા અબીનાદાબ, તથા માલ્કીશુઆને મારી નાખ્યા.

3 અને યુદ્ધ શાઉલની વિરુદ્ધ સખત મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો, ને તે ધનુર્ધારીઓને લીધે ઘણી સાંકડી પટ્ટીમાં આવી પડ્યો.

4 ત્યારે શાઉલે પોતાના શસ્ત્રધારને કહ્યું કે, તારી તરવાર તાણીને તેથી મને વીંધી નાખ; નહિ તો આ બેસુનતીઓ આવીને મને વીંધી નાખીને મારૂં અપમાન કરશે. પણ તેના શસ્ત્રધારે એમ કરવાની ના પાડી, કેમકે તે ઘણો બીધો; માત શાઉલ પોતાની તરવાર લઈને તેની ઉપર પડ્યો.

5 અને શાઉલને મુએલો દેખીને તેનો શસ્ત્રધાર પણ પોતાની તરવાર ઉપર પડીને તેની સાથે મુઓ.

6 એ રીતે શાઉલ તથા તેના ત્રણ દીકરા, તથા તેનો શસ્ત્રધાર, તથા તેના સર્વ માણસો તેજ દિવસે સાથે મરણ પામ્યા.

7 અને જયારે તે નીચાણની સામી બાજુના ઇસ્રાએલી માણસોએ તથા યરદનની પેલી પારના લોકોએ જોયું કે ઇસ્રાએલના માણસો નાસે છે, ને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો તજી દઈને નાસી ગયા, ને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.

8 અને બીજે દિવસે એમ થયું કે, પલિસ્તીઓ મુએલાંઓનાં વસ્રાદિ ઉતારી લેવામાં આવ્યા, ત્યારે શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓને મળ્યા.

9 અને તેઓએ તેનું માથું કાપી લીધું, તથા તેના શસ્ત્રો ઉતારી લઈને તે સમાચાર પોતાનાં મૂર્તિગ્રહોમાં તથા લોકોમાં પ્રગટ કરવા સારૂ પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા.

10 અને તેઓએ તેના શસ્ત્રો આશ્તારોથના ઘરમાં મુક્યા, ને તેની લાસ બેથશાનને કોટે ચોંટાડી.

11 અને પલિસ્તીઓએ શાઉલને જે કીધું હતું તે વિષે જયારે યાબેશ-ગિલઆદના રહેવાસીઓએ સાંભળ્યું,

12 ત્યારે સઘળાં બહાદૂર પુરૂષો ઉઠીને આખી રાત ચાલ્યા, ને બેથશાનના કોટ પરથી શાઉલની લાસને તથા તેના દીકરાઓની લાસોને તેઓ યાબેશમાં લઇ આવ્યા, ને ત્યાં તેઓએ તે બાળી.

13 અને તેઓએ તેના હાડકાં લઈને યાબેશમાંના એશેલ વૃક્ષની તળે દાટ્યા, ને સાત દિવસ ઉપવાસ કીધો.