1 હવે હેરોદ રાજાના સમયમાં યહુદાહના બેથલેહેમમાં ઇસુ જન્મ્યો, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પુછ્યું કે,

2 યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે, તે ક્યાં છે? કેમકે પૂર્વમાં અમે તેનો તારો જોયો, ને તેનું ભજન કરવાને આવ્યા છીએ.

3 અને એ સાંભળીને હેરોદ રાજા તથા તેની સાથે આખું યરૂશાલેમ ગભરાયું.

4 પછી તેણે સઘળા મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પુછ્યું કે, ખ્રીસ્તનો જન્મ ક્યાં હોવો જોઈએ?

5 ત્યારે તેઓએ કહ્યું કે, યહુદાહના બેથલેહેમમાં; કેમકે ભવિષ્યવાદીએ એમ લખ્યું છે કે,

6 ઓ યહુદાહ દેશના બેથલેહેમ, તું યહુદાહના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમકે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇસ્રાએલી લોકોનું પાળણ કરશે.

7 ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્ત રીતે તેડીને, તારો કઈ વેળાએ દેખાયો, તે વિષે તેઓ પાસેથી ખબર ચોકસાઈથી મેળવી.

8 અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું.

9 ત્યારે તેઓ રાજાનું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો તેઓએ પૂર્વમાં દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે ઠેકાણે ઉપર આવીને થંભ્યો.

10 અને તેઓ તારાને જોઇને મહા આનંદથી હરખાયા.

11 અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો, ને પગે પડીને તેનું ભજન કીધું; પછી તેઓને પોતાની જોણ્ણી છોડીની સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કીધું.

12 અને હેરોદ પાસે પાછાં જવું નહિ, એમ સ્વપ્ન્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

13 અને તેઓ પાછાં ગયા એટલે જુઓ, પ્રભુના દૂતે સ્વપ્ન્નમાં યુસફ્ને દર્શન આપીને કહ્યું કે,તું ઉઠ, ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાંજ રહે, કેમકે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે.

14 ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને રાત્રે લઈને મિસરમાં ગયો;

15 અને હેરોદના મરણ લગી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ ભવિષ્યવાદી મારફત જે કહ્યું હતું તે પુરૂં થાય કે, મીસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.

16 જયારે હેરોદે જોયું કે માગીઓએ મને ઠગ્યો, ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસ] મોકલીને તેણે જે વેળા સંબંધી માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે વે વર્ષના તથા તેથી નાના સઘળા બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના તેની સઘળી સીમમાં હતા, તેઓને મારી નંખાવ્યા.

17 ત્યારે યિર્મેયાહ ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે પુરૂં થયું કે,

18 રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો, રાહેલ પોતાનાં બાળકો સારૂ રડતી, ને દિલાસો પામવાને નહોતી ચહાતી, કેમકે તેઓ નથી.

19 અને હેરોદના મરણ પછી, જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યુસફ્ને દર્શન આપીને કહ્યું કે,

20 તું ઉઠ, ને બાળક તથા તેની માને લઈને ઇસ્રાએલ દેશમાં જા, કેમકે જેઓ બાળકની જીવ લેવાની શોધ કરતા હતા, તેઓ મરી ગયા છે.

21 ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇસ્રાએલ દેશમાં આવ્યો.

22 પણ આર્ખેલાઉસ પોતાના બાપ હેરોદને ઠેકાણે યહુદાહમાં રાજ્ય કરે છે, એ સાંભળીને તે ત્યાં જવાને બીધો, તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંતમાં વળ્યો.

23 અને તે નાઝારી કહેવાશે, એવું ભવિષ્યવાદીઓનું કહેલું પુરું થવા સારૂ તે નાઝારેથ નામના નગરમાં આવીને રહ્યો.