1 અને ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને તેનું પરીક્ષણ કરતાં માગ્યું કે, અમને આકાશથી ચિન્હ દેખાડ.

2 પણ તેણે ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમકે આકાશ રતુમડું છે.

3 અને સવારે [કહો છો] કે, આજ ઝડી પડશે, કેમકે આકાશ રતુમડું તથા અંધરાએલું છે. તમે આકાશના રૂપ સંબંધી પરખી જાણો છો ખરા, પણ સમયોનાં ચિન્હ તમે પરખી નથી શકતાં.

4 ભુંડી તથા વ્યભિચારી પેઠી ચિન્હ માગે છે, પણ યૂના ભવિષ્યવાદીના ચિન્હ વગર બીજું ચિન્હ તેઓને નહિ અપાશે; અને તે તેઓને મૂકીને ચાલ્યો ગયો.

5 અને શિષ્યો પેલે પાર ગયા, પણ રોટલી લેવી વિસરી ગયા હતા.

6 ત્યારે ઇસુએ તેઓને કહ્યું કે, ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિષે તમ સાવધાન થાઓ ને ખબરદાર રહો.

7 ત્યારે તેઓએ માહોમાંહે વિચાર કરીને કહ્યું કે, આપણે રોટલી નથી લાવ્યા [માટે એમ કહે છે].

8 ઇસુએ એ જાણીને તેઓને કહ્યું કે, ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, તે માટે માંહોમાંહે કેમ વિચાર કરો છો?

9 શું હજી સુધી તમે નથી સમજતા, ને પેલા પાંચ હજાર પુરુષ વચ્ચે પાંચ રોટલી, ને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું સ્મરણ નથી?

10 વળી પેલા ચાર હજાર પુરુષ વચ્ચે સાત રોટલી, ને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું સ્મરણ નહિ?

11 તમે કેમ નથી સમજતા કે, મેં તમને રોટલી સંબંધી નથી કહ્યું? પણ ફરોશીઓ તથા સાદુકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો.

12 ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પણ ફરોશીઓના તથા સદુકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેણે કહ્યું હતું.

13 અને ઇસુએ કાઈસારીઅ ફિલિપ્પીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પુછ્યું કે, માણસોનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?

14 ત્યારે તેઓએ કહ્યું કે, કેટલાએક [કહે છે] યોહાન બાપ્તિસ્મા કરનાર, ને કેટલાએક એલીયાહ, ને કેટલાએક યિર્મેયાહ, અથવા ભવિષ્યવાદીઓમાંનો એક.

15 તે તેઓને કહે છે, પણ હું કોણ, તે વિષે તમે શું કહો છો?

16 ત્યારે સીમોન પીતરે ઉત્તર દેતાં કહ્યું કે, તું મસીહ જીવતા દેવનો દીકરો છે.

17 અને ઇસુએ ઉત્તર દેતાં તેને કહ્યું કે, સીમોન બાર-યોના, તને ધન્ય છે, કેમકે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે.

18 અને હું પણ તને કહું છું કે તું પીતર છે, ને આ પત્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેનું ઉલટું હાડેસની દરબારનું જોર નહિ ચાલશે.

19 આકાશના રાજ્યની કુંચીઓ તું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે, તે આકાશમાં બાંધશે; ને પૃથ્વી પર તું જે કંઈ છોડશે, તે આકાશમાં પણ છોડશે.

20 ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે, હું ખ્રીસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ.

21 ત્યારથી ઇસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા કે, મારે યરૂશાલેમમાં જવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી ઘણું સહેવું, ને માર્યા જવું, ને ત્રીજે દહાડે પાછા ઉઠવું જરૂરનું છે.

22 ત્યારે પીતર તેને એક બાજુએ લઈને તેને ઠપકો દેવા લાગ્યો, ને કહ્યું કે, અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી નહિ થશે.

23 પણ તેણે ફરીને પીતરને કહ્યું કે, અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમકે દેવની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું ચિત્ત લગાડે છે.

24 પછી ઇસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, જો કોઇ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાને નકારવો, ને પોતાનો વધસ્તંભ ઉંચકીન મારી પાછળ આવવું.

25 કેમકે જ કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; પણ જે કોઇ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.

26 કેમકે જો માણસ આખું જગત મેળવશે, ને પોતાના જીવની હાનિ પામશે, તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?

27 કેમકે માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે; ને ત્યારે તે પ્રત્યેક તેના કામ પ્રમાણે ભરી આપશે.

28 હું તમને ખચિત કહું છું કે, અહીં જે ઉભા છે તેઓમાંના કેટલાએક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશેજ નહિ.