1 અને ઇસ્રાએલ પોતાનાં સર્વ સુદ્ધાં નિકળીને બેરશેબા આવ્યો, ને તેણે પોતાના બાપ ઇસ્હાકના દેવને યજ્ઞ ચઢાવ્યા.
2 અને દેવે ઇસ્રાએલ સાથે રાત્રે સ્વપ્નમાં વાત કરીને કહ્યું, યાકૂબ, યાકૂબ; ને તેણે કહ્યું, જુઓ, હું આ રહ્યો.
3 અને તેણે કહ્યું, હું દેવ, તારા બાપનો દેવ છું, મિસરમાં જતાં બીશ મા; કેમકે ત્યાં હું તારાથી મોટી પ્રજા ઉત્પન્ન કરીશ .
4 હું તારી સાથે મિસરમાં આવીશ, ને હું નિશ્ચે તને પાછો લાવીશ; ને યુસફ તેનો આંખ તારી આંખ પર મુકશે.
5 ત્યારે યાકૂબ બેરશેબથી નિકળ્યો, ને તેને તેડવાને જે ગાડાં ફારૂને મોકલ્યા હતાં તેમાં ઇસ્રાએલપુત્રોએ પોતાના બાપ યાકૂબને તથા પોતાનાં છોકરાંને તથા પોતાની બાયડીઓને બેસાડ્યાં.
6 અને પોતાનાં ઢોરઢાંક ત અથ જે સંપતિ તેઓએ કનાન દેશમાં મળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેનું આખું કુટુંબ મિસરમાં આવ્યું.
7 એટલે તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, ને તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તેના સર્વ સંતાનને તે પોતાની જોડે મિસરમાં લાવ્યો.
8 અને જે ઇસ્રાએલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે; એટલે યાકૂબ તથા તેના દીકરા; યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રેઉબેન.
9 અને રેઉબેનના દીકરા હનોખ તથા પાલ્લૂ તથા હેસ્રોન તથા કાર્મી.
10 અને શિમઓનના દીકરા યામૂએલ તથા યામીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર તથા એક કનાની બાયડીનો દીકરો શાઉંલ.
11 અને લેવીના દીકરા, ગેર્શોન તથા કહાથ તથા મરારી.
12 અને યહૂદાહના દીકરા; એર તથા ઓનાન તથા શેલાહ તથા પેરેસ તથા ઝેરાહ; પણ એર તથા ઓનાન કનાન દેશમાં મુઆ; ને પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા.
13 અને યિસ્સાખારના દીકરા, તોલા તથા પુવાહ તથા યોબ તથા શિમ્રોન.
14 અને ઝબુલૂનના દીકરા સેરેદ તથા એલોન તથા યાહલએલ.
15 એઓ લેઆહના દીકરા, જેઓ તેને યાકૂબને પેટે પાદ્દાનારામમાં થયા, વળી તેની દીકરી દીનાહ હતી, તેના દીકરા તથા તેની દીકરીઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
16 અને ગાદના દીકરા સિફયોન તથા હાગ્ગી તથા શૂની તથા એસ્બોન તથા એરી તથા અરોદી તથા આરએલી.
17 અને અશેરના દીકરા યિમ્નાહ તથા યિશવાહ તથા યિશ્વી તથા બરીઆહ તથા તેઓની બહેન સેરાહ; ને બરીઆહના દીકરા હેબેર તથા માલ્કીએલ.
18 લાબાને પોતાની દીકરી લેઆહને જે ઝિલ્પાહ આપી હતી તેના દીકરા એ છે; ને એઓ તેને યાકૂબને પેટે થયા; તેઓ સર્વ મળીને સોળ જણ હતાં.
19 યાકૂબની બાયડી રાહેલના દીકરા યુસૂફ તથા બિન્યામીન.
20 અને યુસફને મિસર દેશમાં મનાશ્શેહ તથા એફ્રાઈમ થયા; તેઓ ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથથી તેને થયા.
21 અને બિન્યામીનના દીકરા બેલા તથા બેખેર ને આશ્બેલ, ગેરા તથા નાઅમાન, એહી તથા રોશ તથા મુપ્પીમ તથા હુપ્પીમ તથા આર્દ.
22 એઓ રાહેલના દીકરા, જે યાકૂબને થયા, તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા.
23 અને દાનનો દીકરો હુશીમ.
24 અને નાફતાલીના દીકરા યાહસએલ તથા ગૂની તથા યેસેર તથા શિલ્લેમ.
25 લાબાને પોતાની દીકરી રાહેલને જે બિલ્હાહ આપી તેના દીકરા એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને સાત જણ હતા.
26 યાકૂબના દીકરાઓની બાયડીઓ શિવાય તેનાથી જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
27 અને યુસફના દીકરા જે મિસર દેશમાં તેને થયા તે બે હતા; ને યાકૂબના ઘરનાં સર્વ માણસ જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
28 અને તેણે પોતાની આગળ યહૂદાહને યુસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ દેખાડે; ને તેઓ દેશમાં આવ્યા.
29 અને યુસફ રથ જોડીને પોતાના બાપ ઇસ્રાએલને મળવાને ગોશેનમાં ગયો, ને તેને જોઇને તેને કોટે વળગ્યો, ને ઘણી વાર લગી તેને કોટે બાઝીને રડ્યો.
30 અને ઇસ્રાએલે યુસફને કહ્યું, મેં તારૂં મુખ જોયું, ને હજી તું જીવે છે, તો હવે મારૂં મરણ ભલે આવે.
31 અને યુસફે પોતાના ભાઈઓને તથા પોતાના બાપના ઘરનાંને કહ્યું, હું જઈને ફારૂનને જણાવું, ને તેને કહું કે મારા ભાઇ તથા મારા બાપના ઘરનાં જે કનાન દેશમાં હતાં તે મારી પાસે આવ્યાં છે.
32 અને તે લોક ભરવાડ છે, કેમકે તેઓ ઢોર પાળનારા છે, તેઓ તેમનાં બકરાં તથા તેમનાં ઢોર તથા જે સર્વ પોતાનું છે તે લાવ્યા છે.
33 અને ફારૂન તમને બોલાવે અને તેમને પુછે કે, તમારો ધંધો શો છે?
34 ત્યારે તમારે આ પ્રમાણે કહેવું કે, તારા દાસોનો એટલે અમારા તથા અમારા ઘરડાઓનો ધંધો નાનપણથી અત્યાર સુધી ઢોર ઉછેરવાનો છે; કે જેથી તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળે, ભરવાડમાત્રને મિસરીઓ ધિક્કાર છે.