1 અને ઇબ્રામ પોતાની સ્ત્રીને લઈને સર્વ માલમિલકત સુદ્ધાં મીસરમાંથી નેગેબ ભણી ગયો અને લોટ તેની સાથે ગયો.
2 અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.
3 અને તે નેગેબથી આગળ ચાલતા બેથેલ ગયો, એટલે બેથેલ તથા આયની વચ્ચે જ્યાં પહેલવહેલાં તેનો તંબુ હતો [ત્યાં ગયો].
4 અને જે ઠેકાણે તેણે પહેલા વેદી બાંધી હતી, ત્યાં લગી તે ગયો; ને ત્યાં ઇબ્રામે યહોવાહને નામે પ્રાર્થના કીધી.
5 અને ઇબ્રામની સાથે લોટ ચાલતો હતો, તેને પણ ઘેટાં તથા ઢોર તથા તંબુ હતા.
6 અને તે દેશ એવો ફળરૂપ ન હતો કે તેઓ ભેગા રહે, કેમકે તેઓની સંપત્તિ એટલી હતી, કે તેઓ એકઠા રહી ના શકે.
7 અને ઇબ્રામના ગોવાળિયાઓ તથા લોટના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઇ, અને તે વક્ખતે કનાની તથા પરિઝી તે દેશમાં રેહતા.
8 અને ઇબ્રામે લોટને કહ્યું કે, હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર ન થવી જોઈએ; કેમકે આપણે ભાઈઓ છીએ.
9 શું, તારી આગળ આંખો દેશ નથી? તો મારાથી તું જુદો થા; જો તું ડાબી ગમ જશે, તો હું જમણી ગમ જઈશ; ને જો તું જમણી ગમ જશે, તો હું ડાબી ગમ જઈશ.
10 ત્યારે લોટે પોતાની આંખો ઉંચી કરીને યાર્દાનનો આખો પ્રદેશ સોઆર લગી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે; કેમકે યહોવાહે સદોમ તથા ગમોરાહનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાહની વાડીના જેવા તથા મિસર દેશનાં જેવા હતો.
11 ત્યારે લોટે પોતાને સારું યાર્દનનો આંખો પ્રદેશ પસંદ કરો, ને લોટ પુર્વગમ ગયો; ને તેઓ એક બીજાથી જુદા થયાં.
12 ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોટ તે પ્રદેશના નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો કરતો ગયો.
13 પણ સદોમના માણસો યહોવાહને વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા.
14 અને ઇબ્રામથી લોટ જુદો થયાં પછી યહોવાહે ઇબ્રામને કહ્યું કે, તું પોતાની આંખો ઉંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ ભણી જો.
15 કેમકે જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશને સદાને માટે આપીશ.
16 અને હું તારો વંશ પૃથ્વીની રાજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય.
17 ઉઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર, કેમકે તે હું તને આપીશ.
18 ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ પાડીને મામરેના એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ તળે આવીને રહ્યો, ને ત્યાં યહોવાહને સારું તેણે એક વેદી બાંધી.