1 દેવ આપણા બાપ તથા પ્રભુ ઇસુ ખ્રીસ્તમાં થેસ્સાલોનીકીઓની મંડળીને, પાઉલ તથા સીલવાનસ તથા તીમોથી [લખે છે].
2 દેવ બાપ તથા પ્રભુ ઇસુ ખ્રીસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
3 ભાઈઓ, અમારે તમારે વિષે દેવની ઉપકારસ્તુતિ સદા કરવી જોઈએ, ને તે લાયક છે, કેમકે તમારો વિશ્વાસ બહુ વધે છે, ને તમ સર્વમાં હરેકનો પ્રેમ એક બીજા ઉપર ઘણો થાય છે.
4 માટે તમારા પરની સઘળી સતાવણી તથા જે વિપત્તિ તમે વેઠો છો, તેઓમાં તમારી સહનતા તથા વિશ્વાસને લીધે અમે પ્પોતે દેવની મંડળીઓમાં તમારું વખાણ કરીએ છીએ.
5 આ તો દેવના ન્યાયી ઈન્સાફનો પ્રમાણ છે, કે દેવના જે રાજ્યને સારૂ તમે દુઃખ વેઠો છો, તેને યોગ્ય તને ગણાઓ.
6 કેમકે દેવને એ વાજબી છે, કે તમારા દુઃખ દેનારને તે દુઃખ વળી આપે,
7 ને તમ દુઃખ પામેલાઓને અમારી સાથે વિસામો આપે, જયારે પ્રભુ ઇસુ આકાશથી તેના પરાક્રમના દૂતો સાથે
8 બળતી આગમાં પ્રગટ થશે ત્યારે; તે વેળા જેઓ દેવને નથી જાણતા, ને જેઓ આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તની સુવાર્તા નથી માનતા, તેઓ પર દંડ તે ઠરાવશે.
9 તેઓ પ્રભુની આગળથી તથા તેના સામર્થ્યના મહિમાથી સજા એટલે અનંતકાળનો નાશ ભોગવશે.
10 જયારે પોતાના પવિત્રોમાં મહિમા પામવાને, ને જેઓએ વિશ્વાસ કીધો તેઓમાં આશ્ચર્યવાન મનાવાને તે આવશે તે દહાડે [એમ થશે], ને તમે પણ અમારી શાહેદી પર વિશ્વાસ રાખ્યો.
11 એ સારૂ અમે સદા તમારા વિષે પ્રાથના કરીએ છીએ કે, આપણો દેવ તમને આ તેડાને યોગ્ય ગણે, ને ભલાઈની સઘળી પ્રસન્નતા તથા વિશ્વાસનું કામ સામર્થ્યથી પુરા કરે;
12 એ માટે કે આપણા દેવ તથા પ્રભુ ઇસુ ખ્રીસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય ને તમે તેનામાં મહિમાવાન થાઓ.