1 અને દાઉદને યહોવાહે તેના સઘળા શત્રુઓના હાથથી તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે તે આ ગીતના શબ્દો યહોવાહની આગળ બોલ્યો;

2 ને તેણે કહ્યું કે, યહોવાહ મારો ખડક, તથા મારો કિલ્લો, તથા મારો બચાવનાર છે, હા, મારો છે;

3 મારા ખડકનો દેવ, હું તેના પર ભરોસો રાખીશ; તે મારૂં બખ્તર તથા મારા તારણનું શિંગ, મારો ઉંચો બુરૂજ, તથા મારૂં આશ્રયસ્થાન છે; હે મારા ત્રાતા, તું મને બળાત્કારથી બચાવે છે.

4 યહોવાહ જે સ્તુતિપાત્ર છે, તેને હું હાંક મારીશ; એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

5 કેમકે મૃત્યુના મોજાઓએ મને ઘેર્યો, દુષ્ટપણાની રેલાએ મને બીવડાવ્યો.

6 શેઓલના બંધનોએ મને ઘેરો ઘાલ્યો; મરણના પાસા મારા ઉપર આવી પડ્યા.

7 મારા સંકટમાં મેં યહોવાહને વિનંતી કીધી; હા, મારા દેવનું મેં સંબોધન કીધું, ને તેણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો ઘાટો સાંભળ્યો, ને મારી હાંક તેને કાને પહોંચી.

8 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, આકાશના પાયા ખસી ગયા, તથા હાલ્યા, કારણ કે તે રોષિત હતો.

9 તેના નસકારોમાંથી ધુમાડો ચઢયો, ને તેના મુખમાંથી ખાઇ જનાર અગ્નિ નિકળ્યો, તેથી અંગારા સળગી ઉઠ્યા.

10 વળી તે આકાશોને નમાવીને ઉતર્યો; ને તેના પગ તળે ઘોર અંધકાર હતો.

11 અને તે કરૂબ ઉપર સ્વારી કરીને ઉડ્યો; હા, વાયુની પાંખો પર તે દેખાયો.

12 અને તેણે અંધકારને, પાણીના ઢગલાને, તથા આકાશના ઘાડા મેઘોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.

13 તેની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઉઠ્યા.

14 આકાશથી યહોવાહે ગર્જના કીધી, ને પરત્પરે પોતાનો ઘાંટો કાઢ્યો,

15 ને તેણે બાણો મારીને તેઓને વિખેરી નાખ્યા; વિજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.

16 ત્યારે યહોવાહની ધમકીથી, તથા તેનાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.

17 તેણે ઉપરથી મોકલીને મને ઝાલી લીધો, તેણે ઘણા પાણીઓમાંથી મને કાઢ્યો.

18 તેણે મારા બળવાન શત્રુથી, મારા દ્વેષકોથી મને બચાવ્યો, કેમકે તેઓ મારા કરતાં જોરાવર હતા.

19 મારી વિપત્તિને દિવસે તેઓ મારા પર તુટી પડ્યા, પણ યહોવાહ મારો આધાર હતો.

20 વળી તે મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યો; તેણે મને છોડાવ્યો, કેમકે તે મારા પર પ્રસન્ન હતો.

21 યહોવાહે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિદાન આપ્યું; તેણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.

22 કેમકે મેં યહોવાહના માર્ગ પાળ્યા છે, ને મારા દેવથી ભુંડાઇ કરીને હું હઠી ગયો નથી.

23 કેમકે તેના સર્વ ન્યાયકૃત્યો મારી સમ્મુખ હતાં; ને તેના વિધિઓથી હું નિરાળો થયો નથી.

24 વળી હું તેની પ્રત્યે પૂર્ણ હતો, ને મેં મારા અન્યાયથી પોતાને સંભાળ્યો.

25 એ માટે યહોવાહે મારા ન્યાયીપણા પ્રમાણે, તથા તેની નજરમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.

26 કૃપાળુંની સાથે તું કૃપાળુ દેખાઈશ, ને પૂર્ણ માણસની સાથે તું પૂર્ણ દેખાઈશ.

27 શુદ્ધની સાથે તું શુદ્ધ દેખાઈશ; ને હઠીલાની સાથે તું હઠીલો દેખાઈશ.

28 અને દુઃખીતોને તું બચાવીશ, પણ ગર્વિષ્ઠો પર તારી દૃષ્ટી છે, એ સારૂ કે તું તેઓને નમાવે.

29 કેમકે, હે યહોવાહ, તું મારો દીવો છે, ને યહોવાહ મારા અંધકારને પ્રકાશિત કરશે.

30 કેમકે તારાથી હું પલટણ ઉપર ઘસી પડું, મારા દેવથી હું કોટ કુદી જાઉં છું.

31 દેવનો માર્ગ તો પૂર્ણ છે, યહોવાહનો શબ્દ પરખેલો છે; જે સઘળા તેના પર ભરોસો રાખે છે તેઓની ઢાલ તે છે.

32 કેમકે યહોવાહ વિના દેવ કોણ છે? ને અમારા દેવ વિના ગઢ કોણ છે?

33 દેવ મારો મજબૂત ગઢ છે, ને તે નીતિસંપન્ન માણસને તેના માર્ગમાં દોરે છે.

34 તે તેના પગને હરણીના પગ જેવા કરે છે, ને મારાં ઉંચસ્થાનો પર મને સ્થાપે છે.

35 તે મારા હાથોને લડતાં શિખવે છે; તેથી મારા ભુજ પિત્તળનું ધનુષ્ય તાણે છે.

36 વળી તેં તારા તારણની ઢાલ મને આપે છે; ને તારી નિધેહબાનીએ મને મોટો કીધો છે.

37 તેં મારાં પગલાં હેઠળ જગ્યા ખુલ્લી કરી છે, ને મારા પગ સરકી ગયા નથી.

38 મેં મારા શત્રુઓની પૂઠે લાગીને તેઓનો વિનાશ કીધો છે; ને તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.

39 અને મેં તેઓનો સંહાર કીધો છે, તથા તેઓનો એવી વિંધી નાખ્યા છે, કે તેઓ ઉઠી ન શકે; હા, તેઓ મારા પગ તળે પડ્યા છે.

40 કેમકે તેં યુદ્ધને સારૂ મારી કમરે સામર્થ્ય બાંધ્યું છે; મારી સામે ચઢનારાને તેં મારે તાબે કીધા છે;

41 વળી તેં મારા શત્રુની પીઠ મારા તરફ ફેરવાવી છે; કે મારા દ્વેષકોનો હું નાશ કરૂં.

42 તેઓએ જોયું, પણ બચાવનાર કોઇ નહોતો; વળી યહોવાહની વિનંતી કીધી, પણ તેણે તેઓને ઉત્તર આપ્યો નહિ.

43 ત્યારે મેં તેઓને ખાંડીને ભૂમિની ધૂળ જેવા બારીક કર્યા, તેઓને રસ્તાના કાદવની પેઠે ખુંધા, ને તેઓને ચોગમ વિખેરી નાખ્યા.

44 વળી મારા લોકના વિવાદોથી તેં મને છોડાવ્યો છે, વિદેશીઓનો ઉપરી થવા સારૂ તેં મને સંભાળી રાખ્યો છે; જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.

45 પારકા લોક ઢોંગથી મારે શરણ થશે, મારા વિષે સાંભળતાંજ તેઓ મારૂં માનશે.

46 પારકા લોકનો ક્ષય થશે, ને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા આવશે.

47 યહોવાહ જીવે છે; ને મારા ખડકને ધન્ય હો; ને મારા તારણરૂપી ખડકનો દેવ ઉત્તમ મનાઓ;

48 એટલે જે દેવ મારૂં વૈર વાળે છે, ને લોકોને મારા હાથ તળે તાબે કરે છે,

49 અને મારા શત્રુઓની પાસેથી મને છોડાવી લાવે છે; હા, મારી સામે ઉઠનારા પર તું મને ઉંચો કરે છે; તું બળાત્કારી માણસથી મને બચાવે છે.

50 એ માટે વિદેશીઓ મધ્યે, હે યહોવા, તું તારી ઉપકારસ્તુતિ કરીશ, ને હું તારા નામનાં સ્તોત્ર ગાઈશ.

51 તે પોતાના રાજાને મોટું તારણ આપે છે, ને પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.