2 યહોવાહ જેવો પવિત્ર કોઇ નથી; કેમકે તારો શિવાય બીજો કોઇ નથી; વળી અમારા ઈશ્વર જેવો ખડક કોઇ નથી.

3 હવે પછી એમ અતિષય ગર્વથી વાત કરશો નહિ, તમારા મુખમાંથી મદોન્મત્તપણું ન નીકળે; કેમકે યહોવાહ તો જ્ઞાનનો દેવ છે, ને તેનાથી કૃત્યોની તુલના થાય છે.

4 પરાક્રમી પુરૂષોનાં ધનુષ્યો ભાંગી નંખાયા છે; ને જે લથડીઆં ખાતાં તેઓ બળથી વેષ્ટિત કરાયા છે.

5 જે તૃપ્ત હતા તેઓ રોટલી સારૂ મજુરીએ રહ્યા છે; ને જે ભૂખ્યા હતા તેઓ એશઆરામ ભોગવે છે; હા, વાંઝણીએ સાતને જન્મ આપ્યો છે, ને જેણીને ઘણા છોકરાં છે તે ઝુરે છે.

6 યહોવાહ મારે છે, ને જીવતાં કરે છે; ને શેઓલ સુધી નમાવે છે, ને તેમાંથી બહાર કાઢે છે.

7 યહોવાહ દરિદ્રી કરે છે, ને દ્રવ્યવાન પણ કરે છે; તે પાડે છે, ને તેજ ઉઠાડે છે.

8 દર્દ્રીઓને ધૂળમાંથી તે ઉઠાડે છે, તે ભિખારીઓને ઉકરડા ઉપરથી ઉભા કરીને તેઓને સરદારો સાથે બેસાડે છે, ને ગૌરવના રાજ્યાસનનો વારસો તેઓને પમાડે છે; કેમકે પૃથ્વીના સ્તંભો યહોવાહના છે, ને તેમના પર તેણે જગત સ્થાપ્યું છે.

9 ત પોતાના ભક્તોના પગ સંભાળી રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ રખાશે; કેમકે બળથી કોઇ માણસ જઈ પામશે નહિ.

10 યહોવાહની સાથે ટક્કર લેનારાઓના ટુકડે ટુકડા કરાશે; આકાશમાંથી તેમની સામે તે ગર્જના કરશે; યહોવાહ પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે; ને તે પોતાના રાજાને બળ આપશે, ને પોતાના અભિષિક્તનું શિંગ ઉંચું કરશે.

11 પછી એલ્કાનાહ રામાહમાં પોતાને ઘેર ગયો; ને છોકરો એલી યાજકની આગળ યહોવાહની સેવા કરતો હતો.

12 હવે એલીના પુત્રો બલીયઆલપુત્રો હતા; તેઓ યહોવાહને ઓળખતા નહોતા.

13 અને લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો, કે જયારે કોઇ માણસ યાજ્ઞાર્પણ કરતો, ત્યારે માંસ બફાતી વેળાએ યાજકનો ચાકર હાથમાં ત્રિશૂળ લઈને આવતો;

14 ને તે કઢાઈમાં કે દેગમાં કે તાવડામાં કે હાંલ્લામાં ભોંકતો; ત્રિશૂળ સાથે જેટલું બહાર આવતું તે બધું યાજક પોતાને સારૂ લેતો.

15 વળી તેઓ ચરબીનું દહન કરતાં તે અગાઉ યાજકનો ચાકર આવતો, ને યજ્ઞ કરનાર માણસને કહેતો કે, યાજકને કાજે ભુંજવાને માંસ આપ; કેમકે તે તારી પાસેથી સિજેલું નહિ લેશે, પણ કાચું માંસ લેશે.

16 અને જો તે માણસ તેને એમ કહેતો કે, તેઓ જરૂર હમણાંજ ચરબીનું દહન કરી નાખશે, અને પછી તારૂં દિલ ચાહે એટલું લઇ જજે; તો તે કહેતો કે, ના, તું મને હમણાંજ આપ, નહિ તો હું જોરાવરીએ લઇશ.

17 અને એ જુવાનોનું પાપ યહોવાહ આગળ ઘણું મોટું હતું, કેમકે માણસોને યહોવાહના અર્પણ પર કંટાળો ઉપજતો હતો.

18 પણ શમૂએલ બાલ્યાવસ્થામાં શણનો એફોદ પહેરીને યહોવાહની હજૂરમાં સેવા કરતો હતો.

19 વળી તેની મા તેને સારૂ નાનો અંગરખો બનાવીને પોતાના વરની સાથે વાષિર્ક યજ્ઞ ચઢાવવાને આવતી ત્યારે, દર, વર્ષે, તેની પાસે લાવતી.

20 અને એલ્કાનાહને તથા તેની સ્ત્રીને એલીએ આશીર્વાદ દેતાં કહ્યું કે, જે દાન યહોવાહને ને ધીર્યું છે, તેને બદલે યહોવાહ આ બાઈને પેટે તને સંતાન આપો. અને તેઓ પોતાને ઘેર ગયા

21 અને યહોવાહે હાન્નાહ પર એવી કૃપા કીધી કે, તેને ગર્ભ રહ્યો, ને તેને પેટે ત્રણ દીકરી, ને બે દીકરીઓ થયાં; ને શમૂએલ બાળક યહોવાહની હજુરમાં રહીને મોટો થયો.

22 હવે એલી ઘણો વૃદ્ધ હતો, ને તેના દીકરા સર્વ ઇસ્રાએલ સાથે જે સઘળી વર્તણુક ચલાવતા, ને મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓ સાથે લેવી રીતે કુકર્મ કરતા, એ વિષે તેણે સાંભળ્યું.

23 અને તેણે તેઓને કહ્યું કે, તમે આવાં કૃત્યો કેમ કરો છો? કેમકે આ સઘળા લોકો પાસેથી તમારાં કુકર્મો વિષે હું સાંભળું છું.

24 ના, મારા દીકરાઓ, કેમકે જે વર્તમાન હું સાંભળું છું તે સારૂ નથી; તમે યહોવાહના લોકો પાસે ઉલ્લંઘન કરાવો છો.

25 જો કોઇ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો દેવ તેનો ન્યાય કરશે, પણ જો કોઇ માણસ યહોવાહની વિરુદ્ધ પાપ કરે તો તેને સારૂ કોણ વિનંતી કરશે? પણ તેઓએ પોતાના બાપની વાણી સાંભળી નહિ; કેમકે યહોવાહે તેઓનો નાશ નિર્માણ કર્યો હતો.

26 અને શમૂએલ છોકરો મોટો થતો ગયો, ને યહોવાહની તથા માણસોની કૃપા તેના પર હતી.

27 અને દેવના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, યહોવાહ એમ કહે છે કે, જયારે તારા પિતૃનું કુળ મિસરમાં ફારૂનના કુળની ગુલામીમાં હતું, ત્યારે મેં તેઓને દર્શન દીધું કે નહિ?

28 અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, ને મારી આગળ એફોદ પહેરવા માટે મેં તને ઇસ્રાએલના સઘળાં કુળોમાંથી નિવડી કાઢ્યો હતો કે નહિ? ને તેના બાપના કુળને ઇસ્રાએલપુત્રોના સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહિ?

29 મારા યજ્ઞ ને મારાં અર્પણ જે મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કીધી છે, તેઓને તમે લાત કેમ મારો છો? ને મારા ઇસ્રાએલ લોકનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને મારા કરતાં પોતાના દીકરાઓનું માન વધારે કેમ રાખો છો?

30 એ માટે ઇસ્રાએલનો દેવ યહોવાહ કહે છે, તારૂં કુળ, ને તારા બાપનું કુળ સદા મારી સામે ચાલશો, એમ મેં કહ્યું હતું તો ખરૂં; પણ હવે યહોવાહ કહે છે કે એ મારાથી દૂર હો; કેમકે જેઓ મને માન આપે છે, તેઓને હું પણ માન આપીશ; ને જેઓ મને તુચ્છ કરે છે, તેઓ હલકા ગણાશે.

31 જો, એવો દિવસો આવે છે, કે જેમાં હું તારો ભુજ, ન તારા બાપના કુળનો ભુજ કાપી નાખશે, કે જેથી કરીને તારા ઘરમાં ઘરડો માણસ થાય નહિ.

32 અને એસ્રાએલપુત્રોને જે સર્વ દ્રવ્ય દેવ આપશે તે મધ્યે મારા રહેઠાણની વિપત્તિ તું જોશે; ને સદા તારા ઘરમાં ઘરડો માણસ કોઇ થશે નહિ.

33 અને તારા માણસને સારી વેદી પાસેથી હું કાપી નાખીશ નહિ, તે તારી આંખોનો ક્ષય કરવાને, ને તારૂં દિલ દુખાવવાને માત્ર રહેશે; ને તારા કુળની સઘળી વૃદ્ધિ તેઓની ખીલતી વયમાં મરી જશે.

34 અને તને આ ચિન્હ મળશે, જે તારા બે દીકરાઓ હોફની તથા ફીનહાસ પર આવશે, એટલે તેઓ બેહુ એક દિવસે મરણ પામશે

35 અને મારા અંતકરણ તથા મારા મનમાં છે તે પ્રમાણે કરશે એવો એક વિશ્વાસુ યાજક હું મારે વાસ્તે ઉભો કરીશ; ને હું તેને કાંજે એક સ્થિર ઘર બાંધીશ; ને મારા અભિષિક્તની સમ્મુખ તે સદા ચાલશે.

36 અને એમ થશે કે, તારા કુળના જે કોઇ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપીઆને સારૂ ને રોટલીના એક કકડા સારૂ તેને પગે પડશે, ને કહેશે કે, યાજકપદ્વીઓમાંથી એક મને અપાવ, કે હું ટુકડો રોટલી ખાવા પામું.