2 અને શાઉલ તથા ઇસ્રાએલના માણસો એકઠાં થયા, અને તેઓએ એલાહની ખીણમાં છાવણી કરીને પલિસ્તીઓ સામે યુદ્ધવ્યૂહ રચ્યો.

3 અને પલિસ્તીઓ એક બાજુએ પર્વત ઉપર રહ્યા, ને ઇસ્રાએલ બીજી બાજુએ પર્વત ઉપર ઉભા રહ્યા. અને તેઓની વચ્ચે ખીણ હતી.

4 અને ગોલ્યાથ નામે ગાથનો એક યોદ્ધો પલિસ્તીઓની છાવણીમાંથી બહાર નિકળી આવ્યો, તેની ઉંચાઈ છ હાથ અને એક વેંત હતી.

5 અને તેના માથા ઉપર પિત્તળનો એક ટોપ હતો, ને તેણે બખતર પહેરેલું હતું, ને તે બખતરનું વજન પિત્તળના પાંચ હજાર શેકેલનું હતું.

6 અને તેને પગે પિત્તળના ખોભળા હતા, ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો.

7 અને તેની બરછીનો દાંડો વણકરની તોરના સરખો હતો, ને તેની બરછીના ફળનું વજન લોઢાના છસેં શેકેલનું હતું, ને તેની ઢાલ ઉંચકનાર તેની આગળ ચાલતો હતો.

8 અને તેણે ઉભા રહીને ઇસ્રાએલના સૈન્યને હાંક મારી, ને તેઓને કહ્યું કે, તમે યુદ્ધવ્યૂહ રચવાને કેમ નિકળ્યા છો? શું હું પલિસ્તી, ને તમે શાઉલના ચાકર નથી? તમે પોતાને સારૂ એક માણસ ચુંટી કાઢો, ને તે મારી પાસે ઉતરી આવે.

9 જો મારી સાથે લડીને તે મને મારી નાખી શકે, તો અમે તમારા તાબેદાર થઈશું; પણ હું તેના પર જીત પામીને તેને મારી નાખું, તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું.

10 અને તે પલિસ્તીએ કહ્યું કે, હું આજ ઇસ્રાએલના સૈન્યનો તુચ્છકાર કરૂં છું; અને એક માણસ આપો, કે અમે દ્વુંદ્વ યુદ્ધ કરીએ.

11 અને જયારે શાઉલે તથા સર્વ ઇસ્રાએલે તે પલિસ્તીના એ શબ્દ સાંભળ્યા, ત્યારે તેઓ ગાભરા બની જઈને ઘણા બીધા.

12 હવે દાઉદ બેથલેહેમ-યહુદાહના યિશાઈ નામના એક એફ્રાથી માણસનો દીકરો હતો; ને તેને આઠ દીકરા હતા; ને તે માણસ શાઉલના દિવસોમાં વૃદ્ધ તથા પાકી ઉમરનો લોકોમાં ગણતો હતો.

13 ને યિશાઈના ત્રણ દીકરાઓ શાઉલની સરદારી તળે લડાઈમાં ગયા હતા; ને તેના જે ત્રણ દીકરા લડાઈમાં ગયા હતા તેઓમાંના જ્યેષ્ઠનું નામ અલીઆબ, ને બીજાનું અબીનાદાબ, અને ત્રીજાનું શામ્માહ હતું.

14 અને દાઉદ સૌથી નાનો હતો, ને ત્રણ વડા શાઉલની સરદારી તળે હતા.

15 હવે દાઉદ પોતાના બાપના ઘેટાં ચરાવવાને શાઉલ પાસેથી બેથલેહેમ આવ જા કરતો હતો.

16 અને તે પલિસ્તી સવારે તથા સાંજે પાસે આવીને ચાળીસ દિવસ લગી સામો ઉભો રહેતો.

17 અને યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું કે, તારા ભાઈઓને સારૂ આ એક એફા પોંક, ને આ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે દોડતો જા.

18 અને આ દસ પનીર તેઓના સહસ્રાધિપતિની પાસે લઇ જઈને તેને આપજે, ને તારા ભાઇઓની હાલત કેવી છે તે જોજે, ને તેઓની નિશાની લેજે.

19 હવે શાઉલ તથા તેઓ તથા ઇસ્રાએલના સર્વ માણસો એલાહના નીચાણમાં પલિસ્તીઓ સાથે લડતા હતા.

20 અને દાઉદ સવારે વહેલો ઉઠ્યો, ને એક રખેવાળને સ્વાધીન ઘેટાં મુકીને યિશાઈએ તેને કીધેલી આજ્ઞા પ્રમાણે લઈને ગયો; ને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્યે યુદ્ધને સારૂ લલકાર કીધો તે સમયે તે ગાંડાની વાડ આગળ આવી પહોંચ્યો.

21 અને ઇસ્રાએલે તથા પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોનો યુદ્ધવ્યૂહ સામસામે રચ્યો હતો.

22 અને દાઉદ સાચવનારના હાથમાં પોતાનો સામાન સોંપીને સૈન્ય તરફ દોડ્યો, ને ત્યાં પહોંચીને તેણે પોતાના ભાઈઓને સલામ કીધી.

23 અને તે તેઓની સાથે બોલતો હતો, એટલામાં, જુઓ, ગોલ્યાથ નામનો ગાથનો પલિસ્તી યોદ્ધો પલિસ્તીઓની સૈન્યમાંથી નિકળીને આગળના જેવા શબ્દો બોલવા લાગ્યો; ને દાઉદે તે સાંભળ્યો.

24 અને ઇસ્રાએલના સર્વ માણસો તે માણસને જોઇને તેની આગળથી નાઠા, ને ઘણા બીધા.

25 અને ઇસ્રાએલના માણસોએ કહ્યું કે, આ જે માણસ આગળ આવે છે એને તમે જોયો છે? ઇસ્રાએલને તુચ્છકારવાને તે નિશ્ચય આગળ આવ્યો છે; ને એમ થશે કે, ને જે માણસ એને મારશે એને રાજા ઘણા દ્રવ્યથી દ્રવ્યવાન કરશે, ને પોતાની દીકરી તેને દેશે, ને તેના બાપના ઘરને ઇસ્રાએલ મધ્યે સ્વતંત્ર કરશે.

26 અને દાઉદે પાસે ઉભેલા માણસોને કહ્યું કે, જે માણસ આ પલિસ્તીને મારીને ઇસ્રાએલથી મહેણું દૂર કરશે, તેને શું મળશે? કેમકે આ બેસુનત પલિસ્તી કોણ છે કે જીવતા દેવના સૈન્યનો તે તુચ્છકાર કરે?

27 અને લોકોએ તેને એ પ્રમાણે ઉત્તર આપ્યો કે, જે માણસ તેને મારશે તેના હકમાં ફલાણું ફલાણું કરવામાં આવશે.

28 અને તેના વડા ભાઇ અલીઆબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો; ને અલીઆબે દાઉદ ઉપર ગુસ્સે ભરાઈને કહ્યું કે, તું અહીં કેમ આવ્યો છે?ને પેલાં થોડાંએક ઘેટાં તે કોણની પાસે રાનમાં મુક્યા છે? તારો ગર્વ ને તારા અંતઃકરણની ભુંડાઇ હું જાણું છું; કેમકે લડાઇ જોવા માટે તું આવ્યો છે.

29 અને દાઉદે કહ્યું કે, મેં હમણાં શું કીધું છે? કંઈ કારણ નથી કે શું?

30 અને તે તેની પાસેથી મુખ ફેરવીને બીજાની પાસે ગયો, ને તેજ પ્રમાણે બોલ્યો, ને લોકોએ ફરીથી તેને આગળ પ્રમાણે ઉત્તર આપ્યો.

31 અને જે શબ્દો દાઉદ બોલ્યો તે તેઓએ સાંભળીને શાઉલની આગળ કહીં સંભળાવ્યા; ને તેણે તેને તેડાવ્યો.

32 અને દાઉદે શાઉલને કહ્યું કે, કોઇ માણસનો હૃદય તેને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે.

33 અને શાઉલે દાઉદને કહ્યું કે, તે પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી; કેમકે તું તો કેવળ જુવાન છે, પણ તે પોતાની જુવાનીથી લડવૈયો છે.

34 અને દાઉદે શાઉલને કહ્યું કે, તારા સેવક પોતાના બાપનો ઘેટાં સાચવતો હતો; ને એક સિંહે તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું;

35 ને મેં તેની પછવાડે લાગીને તેને માર્યો, ને એને તેના મુખમાંથી છોડાવ્યું; ને તેને મારા પર હુમલો કીધો ત્યારે મેં તેની દાઢી પકડીને તેને ઠેર માર્યો.

36 તારા સેવકે સિંહ તથા રીંછ એ બન્નેને માર્યા, ને આ બેસુનત પલિસ્તીની હાલ એ બેમાંના એકના જેવા થશે, કેમકે એણે જીવતા દેવના સૈન્યનો ધિક્કાર કીધો છે.

37 અને દાઉદે કહ્યું કે, જે યહોવાહે તે સિંહના પંઝાથી, ને રીંછના પંઝાથી મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી મને બચાવશે. અને શાઉલે દાઉદને કહ્યું, જા, ને યહોવાહ તારી સાથે હોજે.

38 અને શાઉલે પોતાનો કવચ દાઉદને પહેરાવ્યું, ને તેના માથા પર પિત્તળનો ટોપ મુક્યો, ને તેને બખતર પહેરાવ્યું.

39 અને દાઉદે પોતાની તરવાર પોતાના કવચ ઉપર બાંધી, ને તેણે ચાલી જોયું, કેમકે તેણે તેનો અનુભવ કરી જોયો ન હતો. અને દાઉદે શાઉલને કહ્યું કે, આ પહેરીને હું જઇ શકતો નથી, કેમકે મેં એઓનો અનુભવ કરી જોયો નથી. અને દાઉદે પોતાનો અંગ ઉપરથી તે કાઢી મુક્યું.

40 અને તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી, ને નાળામાંથી પાંચ સુંવાળા પથરા પોતાને સારૂ વિણી લીધા, ને તેણે પોતાની પાસે ઘેટાંપાળકની જે થેલી, એટલે ઝોળી હતી, તેમાં તે મુક્યા; ને તેની ગોફણ તેના હાથમાં હતી; ને પલિસ્તી ભણી તે ચાલ્યો ગયો.

41 અને તે પલિસ્તી ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો; ને જે માણસ ઢાલ ઉચકતો હતો તે તેની આગળ ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો; ને જે માણસ ઢાલ ઉચકતો હતો તે તેની આગળ ચાલતો હતો.

42 અને તે પલિસ્તીએ આમ તેમ જોઇને દાઉદને દીઠો, ત્યારે તેણે તેને તુચ્છકાર્યો; કેમકે તે જુવાન હતો, ને લાલચોળ તથા સુંદર ચહેરાનો હતો.

43 અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું કે, હું શું કુતરો છું, તું લાકડીઓ લઈને મારી પાસે આવે છે? ને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શ્રાપ દીધો.

44 અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું કે, મારી પાસે આવ, એટલે કે હું તારૂં માંસ વાયુચર પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.

45 ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું કે, તું તરવાર ને ભાલો ને બરછી લઈને મારી પાસે આવે છે, પણ હું સૈન્યનો યહોવાહ, ઇસ્રાએલના સૈન્યનો દેવ, જેનો તુચ્છકાર તેં કીધો છે તેને નામે તારી પાસે આવું છું.

46 યહોવાહ આજે તને મારાં હાથમાં સોંપશે, ને હું તને મરીશ, ને તારૂં માથું તારા ધડ પરથી લઇશ, ને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદા વાયુચર પક્ષીઓ તથા પૃથ્વીનાં રાની પશુઓને હું આપીશ; એ માટે કે સર્વ પૃથ્વી જાણે કે ઇસ્રાએલ મધ્યે દેવ છે;

47 ને એ માટે કે આ સર્વ સમુદાય જાણે, કે તરવાર ને બરછી વડે યહોવાહ બચાવ કરતો નથી; કેમકે લડાઇ યહોવાહની છે, ને તે તમને અમારા હાથમાં આપશે.

48 અને તે પલિસ્તી ઉઠ્યો, ને દાઉદ સામે લડવા સારૂ પાસે આવવા લાગ્યો, ત્યારે એમ થયું કે, દાઉદ ઉતાવળથી તે પલિસ્તીને મળવાને સૈન્યની ગમ દોડ્યો.

49 અને દાઉદે પોતાનો હાથ થેલીમાં ઘાલીને તેમાંથી એક પત્થર લીધો, ને ગોફણમાં વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો; ને પત્થર તેના કપાળમાં પેસી ગયો, ને તે ઉંધે મ્હોડે ભૂમિ પર પડ્યો.

50 એમ દાઉદ ગોફણ તથા પત્થર વડે તે પલિસ્તી પર જીત પામ્યો, ને તે પલિસ્તીને મારીને તેનો સંહાર કીધો; પણ દાઉદના હાથમાં તરવાર ન હતી.

51 પછી દાઉદ દોડીને તે પલિસ્તી પર ઉભો રહ્યો, ને તેની તરવાર લઇને તેણે તેના મિયાનમાંથી કાઢી, ને તેથી તેનું ડોકું કાપીને તેને કતલ કીધો. અને પોતાનો યોદ્ધો માર્યો ગયો છે, એ જોઇને પલિસ્તીઓ નાઠા.

52 અને ઇસ્રાએલના તથા યહુદાહના માણસો ઉઠીને હોકારો કરીને ગાય સુધી તથા એક્રોનની ભાગળ સુધી પલિસ્તી પાછળ લાગ્યા; ને શાઅરાઈમના માર્ગ ઉપર ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડ્યા.

53 અને ઇસ્રાએલપુત્રોએ પલિસ્તીઓની પાછળ લાગવાથી પાછા ફરીને તેમની છાવણી લૂટી.

54 અને દાઉદે પેલા પલિસ્તીનું માથું લઈને યરૂશાલેમમાં આણ્યું; પણ તેનું કવચ તેણે પોતાના તંબુમાં મુક્યું.

55 અને શાઉલે દાઉદને એ પલિસ્તી સાથે લડવા જતાં જોયો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને પુછ્યું કે, આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે? ને અબ્નેર કહ્યું કે, રાજા, તારા જીવના સમ, હું જાણતો નથી.

56 અને રાજે કહ્યું કે, તે જુવાન કોનો દીકરો છે તેની તપાસ તું કર.

57 અને તે પલિસ્તીનો સંહાર કીધા પછી દાઉદ પાછો આવ્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો, ને પલિસ્તીનું માથું તેના હાથમાં હતું.

58 અને શાઉલે તેને પુછ્યું કે, જુવાન, તું કોનો દીકરો છે? અને દાઉદે કહ્યું, હું તારા સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું.